<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ઉત્‍સવ એકેડેમીના દશાબ્‍દી મહોત્‍સવની ઉજવણી રૂપે ચાર દિવસ નાટયોત્‍સવ : શુક્રવારથી ૮ નાટકોની શૃંખલા

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સહયોગથી વિનામુલ્‍યે આયોજન : હેમુ ગઢવી હોલ પરથી નિઃશુલ્‍ક પાસ વિતરણ

રાજકોટ તા. ૭ : ઉત્‍સવ એક્‍ટિંગ એકેડેમીના દશાબ્‍દી મહોત્‍સવરૂપે સતત ચાર દિવસ સુધી ૮ નાટકોની શૃંખલાનું આયોજન કરાયુ છે.  ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે તા. ૯ થી તા. ૧૧ સુધી હેમુ ગઢવી મીની હોલ ખાતે દરરોજ રાત્રે ૯ થી ૧૨ દરમિયાન બે બે નાટક શો થશે. કલાના રસીકોને વિનામુલ્‍યે પ્રવેશ છે. વ્‍યવસ્‍થાના ભાગરૂપે હોલની ટીકીટ બારી પરથી સવારના ૧૧ થી ૧૨ વિનામુલ્‍યે પાસ વિતરણ કરાશે.

પ્રથમ દિવસે તા. ૯ ના શુક્રવારે ‘બેશરમ કથાનો નાયક' અને ‘વકીલ સાહેબ વીફર્યા' તા. ૧૦ ના શનિવારે ‘ભવો ભવ' અને ‘ગુંચ' તથા તા. ૧૧ ના રવિવારે ‘જરૂરીયાત કેટલી' અને ‘સરનામાં વગરનું મોત' રજુ થશે. જયારે છેલ્લે દિવસે ‘અંજામ' અને ‘રસિક બલમા' એમ ચાર દિવસમાં આઠ નાટકોની પ્રસ્‍તુતિ થશે. ૨૩ વર્ષ પહેલા દિનેશ વિરાણી, પરેશ પોપટ, રાજેશ પટેલ દ્વારા ઉત્‍સવ એકટીંગ એકેડેમીની સ્‍થાપના થયા બાદ સંચાલનની જવાબદારી નિર્લોક પરમારને સોંપાઇ હતી. ત્‍યારથી એમ.એસ.એમ.ઇ. હેઠળ રજીસ્‍ટ્રેશન કરાવી નિઃશુલ્‍ક નાટય શાળા શરૂ કરાઇ. નાટય શાળાને જગ્‍યા ફાળવવામાં દિનેશ વિરાણી, સમીર જગોત અને ભુપતભાઇ બોદર સહભાગી બન્‍યા હતા.

અહીં સેંકડો નવોદિતોને નાટય તાલીમ અપાઇ છે. જેમાંથી ૧૪ જેટલી કલા સંસ્‍થાઓનું નિર્માણ થયુ. હાલ તા. ૧ ઓગષ્‍ટ ૨૦૨૪ ના નાટયશાળાને ૧૦ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા હોય રંગભર ઉજવણીરૂપે આ નાટયોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં નાટયશાળાના તાલીમાર્થીઓ જ નિર્માતા, દીગ્‍દર્શક, લેખક અને અભિનયની જવાબદારીઓ સંભાળી કૌશલ્‍યને ખીલવશે.

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આઠ સંસ્‍થાઓ આઠ એકાંકી નાટકોનો મહોત્‍સવ રજુ કરવા જઇ રહી હોય કલાપ્રેમીઓએ તેમનો ઉત્‍સાહ વધારવા અનુરોધ કરાયો છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઉત્‍સવ એકેડમીના સંચાલક નિર્લોક પરમાર (મો.૯૪૨૬૯ ૬૭૦૦૬), શિવમ ફાઉન્‍ડેશનના ગૌતમ દવે, સુરભી ગ્રુપના ગુલામ હુશેન અગવાન, કનક થીએટરના પ્રેરક મેર, રંગ ઉપાસક દર્પણ લાઠીગરા તેમજ દીપા મહેતા અને આર્ષ વ્‍યાસ નજરે પડે છે.

 

(2:35 PM IST)