<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નિષ્‍ઠુરતાઃ જન્‍મ સાથે જ પુત્રને બાલાશ્રમના પારણામાં ત્‍યજી દેવાયોઃ સારવારમાં મોત

કોઇએ પાપ છુપાવવા આવુ કર્યુ કે બીજી કોઇ મજબૂરી? ભક્‍તિનગર પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૮: શહેરમાં વધુ એક વખત નવજાત બાળકને ત્‍યજી દેવાની ઘટના બની છે. શહેરના ઢેબર રોડ પર કાઠીયાવાડ બાલાશ્રમના ગેઇટ પાસે રખાયેલા પારણામાં કોઇ મોડી રાતે એક નવજાત બાળક (પુત્ર)ને ત્‍યજી ગયું હતું. બાળક ત્‍યજી દેનારે ડોર બેલ વગાડી હોઇ અંદર ગૃહપતિને જાણ થતાં તેઓ ગેઇટ પર આવ્‍યા હતાં ત્‍યારે આશરે ૧ દિવસની વયનો પુત્ર પારણામાં દેખાયો હતો. તે જીવીત હોઇ તુરત જ ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયું હતું. પરંતુ બાળકનું મૃત્‍યુ નિપજ્‍યું હતું.

અરેરાટીભરી આ ઘટનાની વિગતો એવી છે કે રાતે પોણા એકાદ વાગ્‍યે કાઠીયાવાડ બાલાશ્રમની ડોર બેલ વાગતાં ગૃહપતિ જ્‍યોત્‍સનાબેન ગેઇટ પાસે આવ્‍યા હતા. તેમણે અહિ રખાયેલા પારણમાં એક નવજાત બાળકને જોતાં તેઓ ચોંકી ગયા હતાં. બાળક જીવીત હોઇ તુરત જ ૧૦૮ને જાણ કરતાં તુરત જ બાળકને સિવિલ હોસ્‍પિટલની ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં પહોંચાડયું હતું. તબિબોએ નવજાત આશરે ૧ દિવસની વયના બાળકની સારવાર શરૂ કરી હતી. પરંતુ મોડી રાતે સવા ત્રણેક વાગ્‍યે તેનું મૃત્‍યુ થયું હતું.

ઝનાના હોસ્‍પિટલમાંથી એ-ડિવીઝનમાં અને ત્‍યાંથી એએસઆઇ કૈલાસબેને ભક્‍તિનગર પોલીસને નોંધ કરાવતાં પીએસઆઇ પી. એન. ગોહિલે તપાસ શરૂ કરી હતી. જન્‍મ સાથે જ નવજાત પુત્રને કોણે અને શા માટે તરછોડી દીધો? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:22 PM IST)