News of Monday, 12th August 2024
શહેરના ગોઝારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલો
સાગઠીયા-ખેર સામે ફોજદારી કેસ ચલાવવા સ્ટેન્ડીંગમાં દરખાસ્ત

રાજકોટ, તા., ૧૨: મહાનગરપાલિકાનાં વિસ્તારના વોર્ડ નં.૧૦ નાં નાનામવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી. મોલ ખાતેના ગેમિંગ ઝોનમાં તા.૨૫ મે નાં રોજ આકસ્મિક આગનો અકસ્માત સર્જાતા મોટા પ્રમાણમાં જાનહાની થવા પામેલ છે. જે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાનાં તેમજ ટાઉન પ્લાનીંગ શાખામાં તત્કાલીન સમયની ફરજ દરમ્યાનનાં કુલ-૦૮ અધિકારીઓ/કર્મચારીઓની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની ગેરજવાબદારી, બેદરકારી, શિથીલતા અને નિષ્કાળજી સબબ રાજકોટ તાલુકા પો.સ્ટે. દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના વર્ગ-૧ નાં અધિકારી મનસુખભાઈ ધનજીભાઇ સાગઠીયા, ટાઉન પ્લાનીંગ ઓફીસર તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના વર્ગ-૧ નાં અધિકારી ઇલેશકુમાર વાલાભાઇ ખેર, ચીફ યાર ઓફીસરને જનરલ બોર્ડના ઠરાવથી સસ્પેન્ડ હુકમો બહાલ રાખવામાં આવેલ.
મદદનીશ પોલીસ કમિનર, ક્રાઇમ બ્રાંચ રાજકોટ શહેરના પત્રમાં જણાવ્યા અનુસાર ઉકત બંને અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકામાં રાજય સેવક હોવાથી તેમની વિરૂધ્ધનો કેસ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા અગાઉ સી. આર. પી. કલમ ૧૯૭ મુજબ કોર્ટમાં ફોજદારી કામ ચલાવવા મંજૂરી માંગવામાં આવેલ છે.
આ બંને વર્ગ-૧ નાં અધિકારી હોય તેમજ વર્ગ-૧ ના અધિકારીને નિમણુંક કરવાની સત્તા સામાન્ય સભાને હોવાથી બંને અધિકારીઓ રાજય સેવક હોવાથી મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, રાજકોટ શહેરનાં પત્ર અનુસંધાને તેમની વિરુધ્ધ દાખલ થયેલ ગંભીર ગુના સબબ ફોજદારી કામ ચલાવવાની મંજૂરી આપવા અંગે સ્થાયી સમિતિ મારફત કમિશનરે વિભાગે સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરી છે.
(4:38 PM IST)










