<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

યાજ્ઞીક રોડ પર દુકાન પાસે કાર પાર્ક કરવા પ્રશ્‍ને બે વેપારી વચ્‍ચે મારામારી

કોલ્‍ડ્રીંકસના વૃધ્‍ધ વેપારી ચંદુભાઇ ઠુમ્‍મર પર છરીથી હુમલો કરતા સારવારમાં: કાપડના વેપારી કલ્‍પેશ ઉકાણી અને હરી ગોસ્‍વામી સામાપક્ષે અભીષેક ઠુમ્‍મર વિરૂધ્‍ધ પ્રનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૩: યાજ્ઞીક રોડ પર રામકૃષ્‍ણ આશ્રમની સામે આવેલી કોલ્‍ડ્રીંકસની અને રેડીમેઇડ કપડાની દુકાન ધરાવતા બે વેપારી વચ્‍ચે દુકાન પાસે ખુરશીટેબલ અને વાહન રાખવા બાબતે ફરી અને પાઇપ વડે મારામારી થતા વૃધ્‍ધ વેપારીને ઇજા થતા પ્રનગર પોલીસમાં સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નાના મવા રોડ સૂર્યમુખી હનુમાન મંદિર સામે રાજનગર શેરી નં. ૨માં રહેતા ચંદુભાઇ જેરામભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૬૨) એ યાજ્ઞીક રોડ પર નાઇસ એન્‍ડ ન્‍યુ દુકાન ધરાવતા કલ્‍પેશ પરસોતમભાઇ ઉકાણી અને હરી ગોસ્‍વામી સામે ફરિયાદ નોંધાવી છે. ચંદુભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ‘પોતે યાજ્ઞીક રોડ પર રાજમંત્રા કોલ્‍ડ્રીંકસ નામની દુકાન ધરાવે છે દુકાનમાં પોતે પુત્ર અભિષેક અને પુત્રવધુ રીંકલબેન પોતાની સાથે દુકાનમાં બેસી વેપાર કરે છે અક્ષર રબારી સહિત અન્‍ય માણસો દુકાનમાં કામ કરતા હતા પોતે દુકાનની બહાર ઉભા હતા. ત્‍યારે બાજુમાં આવેલી નાઇસ એન્‍ડ ન્‍યુ રેડીમેઇ કપડાની દુકાનના માલીક કલ્‍પેશ પરસોતમભાઇ ઉકાણી પોતાની પાસે આવીને કહેલ કે અહીં દુકાનની આગળ પાર્કિંગ કોઇના બાપનું નથી તમારે દુકાન આગળ તમારા ગ્રાહકની ખુરશી ટેબલ કે વાહનો પાર્કિંગ કરવા નહીં' તેમ કહેતા પોતે તેને સમજાવતા કહેલ કે ‘આપણે રનીંગ આવતા જતા ગ્રાહકો તેનું વાહન પાર્ક કરશે તો હું તેમને સમજાવી દઇશ.' તેમ વાત કરતા તેની સાથે આવેલો તેનો મીત્ર હરી ગોસ્‍વામી આવીને પોતાને ગાળો આપી કહેલ કે ‘તમને તકલીફ હોય તો દુકાન વેંચી જતા રહો પણ કલ્‍પેશ સાથે કોઇ માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશ' તેમ કહી બંને જણા ઉશ્‍કેરાઇ જઇ ગાળો આપી પોતાની સાથે ઝપાઝપી કરવા લાગ્‍યા હતા. ત્‍યારે પુત્ર અભિષેક દુકાનમાં હોય તેને બહાર બોલાવે તે પહેલા આ હરી ગોસ્‍વામી (રહે. લક્ષ્મીનગર)એ છરી વડે હુમલો કરતા પોતાને ડાબા હાથમાં તથા ડાબી બાજુ પડખામાં ઇજા કરી હતી પોતે પડી જતા દુકાનમાંથી પુત્ર અભિષેક અને કર્મચારી અક્ષય રબારી દુકાનની બહાર આવી પોતાને વધુ મારથી છોડાવ્‍યા હતા. આસપાસના લોકો એકઠા થતા પોતાને સારવાર માટે ગોકુલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

 જ્‍યારે સામાપક્ષે અમીન માર્ગ પંચવટી સોસાયટીમાં રહેતા કલ્‍પેશભાઇ પરસોતમભાઇ ઉકાણી (ઉ.વ.૪૫)એ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે યાજ્ઞીક રોડ પર રામકૃષ્‍ણ આશ્રમ સામે નાઇડ એન્‍ડ ન્‍યુ નામની કપડાની દુકાન ધરાવે છે. ગઇ કાલે પોતે દુકાને હતા ત્‍યારે પોતે પોતાનું નોટ કાઉન્‍ટીંગના મશીનને રીપેરીંગ કામ કરાવવા જવાનું હોય તેથી પોતે પોતાની કાર દુકાનની બહાર પાર્ક કરી તેમાં મશીન મુકયુ હતું. બાદ પોતે દુકાનમાં પરત આવી ગયા હતા થોડી વાર બાદ પોતે ગાડી તરફ ગયા ત્‍યારે બાજુની દુકાનવાળા અભિષેક ચંદુભાઇ ઠુમ્‍મર ત્‍યાં આવી પોતાને રોકી ગાળો આપી કહેલ કે ‘અહીં ગાડી પાર્ક કરવી નહીં, અહીં અમારી ખુરશીઓ રહેશે અને અમે બહાર જ ધંધો કરીશું.' તેમ કહેવા લાગ્‍યો હતો. અને પોતાની સાથે ઝપાઝપી કરી પોતે કમરમાં ટીંગાડેલ લાયસન્‍સ વાળી પિસ્‍તોલ ખેંચવા લાગ્‍ગો હતો. અને ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખી ગાડી સાફ કરવાના વાઇપરના પાઇપથી મારમાર્યો હતો. આ અંગે પ્રનગર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા એએસઆઇ સી.જે.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(2:44 PM IST)