<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

કલેકટર કચેરીને અભાવિપનો ઘેરાવઃ દરવાજા પાસે જ એક કલાક સુધી દેખાવોઃ રામધૂનઃ પોલીસ મૂકપ્રેક્ષક બની રહી

લો-કોલેજની પ્રવેશ પ્રક્રિયા પ્રશ્‍ને કલેકટરને આવેદનઃ કર્મચારીઓ બહાર ન નીકળી શકયા... : બે ધારાસભ્‍યોને પણ બહાર નીકળવામાં તકલીફ પડીઃ પ્રવેશ પ્રક્રિયા તાકિદે શરૂ કરવા માંગણી

અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના આગેવાનો-કાર્યકરોએ કલેકટર કચેરીને ૧ કલાક સુધી ઘેરાવ કર્યો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૭: અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ૦થી વધુ આગેવાનો કાર્યકરોએ સમર્થ ભટ્ટની આગેવાની હેઠળ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા પ્રશ્‍ને કલેકટરને આવેદન સમયે કલેકટર કચેરીના મુખ્‍ય દરવાજા બહાર કલેકટર કચેરીને એક કલાક સુધી ઘેરાવ કરી, ઉગ્ર સુત્રોચ્‍ચાર-રામધૂન-વંદે માતરમ-ભારત માતા કી જયના નારા  લગાવી દરવાજા બહાર બેસી જઇ આવવા-જવાનો રસ્‍તો બંધ કરી દેતા ભારે ધમાલ થઇ હતી, કલેકટર કચેરીના કર્મચારીઓને બહાર જવામાં ભારે તકલીફ ઉદ્દભવી હતી, અરે બે ધારાસભ્‍યો પણ માંડ બહાર નીકળી શકયતા હતા, કર્મચારીઓને ફરજીયાત જનસેવા કેન્‍દ્રમાંથી પસાર થઇ ફરીને બહાર નીકળવું પડયું હતું, આવી રીતે રસ્‍તો બ્‍લોક કરાતા, કલેકટર કચેરીના કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ વ્‍યાપી ગયો હતો, એટલું જ નહીં અંદર પોલીસ ઉભી હતી, પરંતુ મૂક પ્રેક્ષક બની ગઇ હતી, અને આંદોલનકારીઓ સામેઢ બપોરે ૧રાા સુધીમાં એક કલાક સુધી કોઇ પગલા લીધા ન હતા.

અભાવિપ દ્વારા કલેકટરને અપાયેલ આવેદનમાં ઉમેરાયું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ ૧૯૪૯ થી વિદ્યાર્થીઓના પ્રશ્‍નોને વાંચા આપતું આવ્‍યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબજ ચિંતાજનક વિષય છે કે ઓગસ્‍ટ મહિના સુધી રાજયની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી. રાજયની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્‍ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવેલ. રાજયની અર્ધ સરકારી લો કોલેજોની સ્‍થિતિ ખુબજ દયનિય છે. જેના પર સરકારના ત્‍વરિત પગલાં અતિ આવશ્‍યક છે.

આવેદનમાં કરાયેલ માંગણીઓ મુજબ ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્‍વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. અધર્શ્ર સરકારી લો કોલેજોમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્‍યાપકોની ત્‍વરિત ભરતી કરવામાં આવે. અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવા આવતી ગ્રાન્‍ટમાં વધારો કરવામાં આવે.

(2:56 PM IST)