<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ફેસબૂકમાં જાહેરાત જોઇ કાશ્‍મીર ટૂર્સ માટે બૂકીંગ કરતાં ૩.૩૫ લાખ ગુમાવ્‍યા

સાયબર ક્રાઇમના હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે કોૈશિકભાઇ મહેતાની ફરિયાદ પરથી ગુનો નોંધતા પીઆઇ આર. જી. પઢીયારે તપાસ હાથ ધરી :કોશિકભાઇ તેમજ તેમના સગા સંબંધીઓએ પેકેજ માટે નાણા ઓનલાઇન ચુકવ્‍યા હતાં: પણ છેલ્લે છેતરાઇ ગયાની ખબર પડી

રાજકોટ તા. ૨૨: ઓનલાઇન ફ્રોડની વધુ એક ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે. નિર્મલા રોડ પર શિલ્‍પા એપાર્ટમેન્‍ટમાં રહેતાં કોૈશિકભાઇ વૃજલાલભાઇ મહેતા (ઉ.વ.૫૮) સાથે ઓનલાઇન કાશ્‍મીર ટૂર્સનું પેકેજ બૂક કરવાના નામે રૂા. ૩,૩૫,૦૦૦ની છેતરપીંડી થઇ છે.

કોૈશિકભાઇ મહેતાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હાલ હું નિવૃત જીવન જીવુ છું. બે વર્ષ પહેલા ૧૮/૧/૨૨ના રોજ મારા ફેસબૂમાં માઉન્‍ટેન મૂવર્સ નામની ટૂર્સ ટ્રાવેલ્‍સની જાહેરાત જોઇ હતી. તેમાં મોબાઇલ નંબર હોઇ અમારે પરિવાર સાથે કાશ્‍મીર ફરવા જવું હોઇ જેથી કોન્‍ટેક્‍ટ કરતાં સામેથી હિમાંશુ યાદવ નામના શખ્‍સે વાત કરી હતી. તેણે મને કાશ્‍મીર પેકેજના રૂા. ૨૬૮૦૦ જણાવ્‍યા હતાં. એ પછી હિમાંશુએ મને રાજકોટના મહેશ અકબરીનો નંબર આપી તેનો સંપર્ક કરી લેવા અને અમારી કંપની વિશ્વાસપાત્ર છે તેમ કહ્યું હતું. ત્‍યારબાદ મેં મહેશ અકબરીનો સંપર્ક કરતાં તેણે કહેલુ કે પોતે મે મહિનમાં ચારધામની યાત્રા માઉન્‍ટેન મુવર્સ દ્વારા કરી આવ્‍યા છે. જેથી અમને વિશ્વાસપાત્ર લાગતાં મેં મારા પત્‍નિ, મારા અને મારા દિકરા માટે કાશ્‍મીર પેકેજ બૂક કરવા કહ્યું હતું.

બાદમાં મહેશના કહેવા મુજબ મેં તેને  ગૂગલ પેથી અલગ અલગ કટકે ૯૩ હજાર ભર્યા હતાં. તેમજ મારા ફઇબાના દિકરા દિપકભાઇ મહેતાને વાત કરતાં તેને પણ કાશ્‍મીર આવવું હોઇ તેણે પણ ૭૦ હજાર ભર્યા હતાં. બીજા મારા પિત્રાઇ ભરતભાઇ મહેતાને વાત કરતાં તેણે પણ ૬૨ હજાર ભર્યા હતાં. અન્‍ય સગા ભાગ્‍યેશભાઇ મહેતાએ  ૬૦ હજાર ભર્યા હતાં. અમારા પરિવાની ત્રણ ટિકીટ અને મારા સગા મિત્રોના મળી કુલ રૂા. ૩,૩૫,૦૦૦ અમે ભર્યા હતાં.

જો કે ત્‍યારબાદ અમે અવાર-નવાર હિમાંશુ અને મહેશના મોબાઇલ નંબરો પર કોન્‍ટેક્‍ટ કરવા છતાં કોઇ સંપર્ક થતો ન હોઇ ઠગાઇ થયાનું જણાતાં સીઆઇડી ક્રાઇમના હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ ઉપર જે તે વખતે અરજી કરી હતી. હવે તેના આધારે અમે ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં કોૈશિકભાઇ મહેતાએ જણાવતાં એસીબી બી. બી. બસીયાની રાહબરીમાં હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં પીઆઇ આર. જી. પઢીયારે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(2:33 PM IST)