News of Friday, 23rd August 2024
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો તા. ૩૧ને શનિવારથી શુભારંભ
સ્થાનકવાસી જૈનો તા.૧ સપ્ટેમ્બરથી ભકિતમાં લીન થશેઃ તપ-જપ-આરાધનાઓની હેલી સર્જાશે

રાજકોટ, તા. ૨૩: તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ તા.૩૧ શનિવારથી પ્રારંભ થશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ - આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ - આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે. સ્થાનકવાસી સમાજ તા. ૧ સપ્ટેમ્બરથી ભકિતમાં લીન થશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો ઙ્કયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી - બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે - ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે.
જિનાલયોને રોશની અને કમાન - તોરણથી સુશોભિત બનાવાશે. પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થશે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક - શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષાો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે.
જૈનોના ચાતુર્માસનો પ્રારંભ ગત તા. ૨૦ના જુલાઇથી થયો છે. દેરાસરો અને સ્થાનકવાસી ઉપાશ્રયોમાં પૂ. સંત-સતીજીઓની નિશ્રામાં શ્રાવક-શ્રાવિકાઓ ચાતુર્માસની ધર્મ આરાધના કરી રહ્યા છે.
દેરાવાસી જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ તા. ૩૧મી ઓગસ્ટે શનિવારથી તથા સ્થાનકવાસી જૈનોમાં તા. ૧ લી સપ્ટેમ્બરના રવિવારથી થશે. આ વખતે બંને સંપ્રદાયમાં એક દિવસ આગળ પાછળ આવેલ છે. તેથી બંનેનું સંવત્સરી પર્વ પણ અલગ અલગ દિવસે ઉજવાશે.
આ વર્ષે દેરાવાસી સમાજ તા. ૭ સપ્ટેમ્બર તથા સ્થા. જૈનો તા. ૮ સપ્ટેમ્બરે સંવત્સરી પ્રતિક્રમણ કર્યા બાદ એકબીજાને ક્ષમાનું આદાન પ્રદાન કરશે તેમજ પર્યુષણમાં તપ આરાધના કરનારા તપસ્વીઓના સમૂહ પારણા સંવત્સરી પર્વની ઉજવણી બાદ બીજા દિવસે થશે.
(10:19 AM IST)










