News of Friday, 23rd August 2024
સંતકબીર રોડ પર કેદારનાથના આબેહુબ દર્શન
શક્તિ યુવા ગ્રુપ દ્વારા સતત ૧૧ મા વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું અફલાતુન આયોજન : થર્મોકોલથી સજાવટ : નદી, હેલીપેડ, ભીમ શીલા, ભોજનાલય સહીતના દ્રશ્યો કંડારાયા : આઠમની રાત્રે રાસગરબા અને મટકી ફોડ

રાજકોટ તા. ૨૩ : સામા કાંઠે સંતકબીર રોડ, શક્તિ સોસાયટી ખાતે શક્તિ યુવા ગ્રુપ દ્વારા સતત ૧૧ માં વર્ષે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે વિશેષ સુશોભન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રુપના સભ્યોએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા દર વર્ષે કઇક નવુ કરવાની નેમ ધરાવે છે. ૨૦૧૬ માં રાજકોટનું રેલ્વે સ્ટેશન, ૨૦૧૯ માં સુરતનો અગ્નિકાંડ, ૨૦૨૨ માં કોરોના મહામારી, ૨૦૨૩ માં મોરબી જુલ્તો પુલ દુર્ઘટનાના દ્રશ્યો જીવંત બનાવ્યા હતા. બાદમાં આ વર્ષે લોકોને કેદારનાથના દર્શન કરાવવા આબેહુબ કેદારનાથ મંદિરનું નિર્માણ કરાયુ છે.
થર્મોકોલની મદદથી ૪ થી પ ફુટની આ પ્રતિકૃતિ સાથે બાજુમાં નદી, હેલીપેડ, ભીમ શીલા, ભોજનાલય જેવા દ્રશ્યો ઉભા કરાયા છે. ઉડતુ લાઇવ હેલીકોપ્ટર આકર્ષણ જમાવશે.
કેદારનાથ મંદિરનો ફલોટ ઉભો કરવા આ ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા ૬૫ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સમગ્ર ફલોટ સજાવટ શક્તિ સોસાયટી, શેરી નં. ૪, શાળા નં. ૧૩ પાછળ, સંતકબીર રોડ ખાતે તા. ૨૫ ના રવિવારથી તા. ૨૭ ના મંગળવાર સુધી સવારે ૯ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહેશે.
આ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. જે માટે બાળાઓના નામની નોંધણી તા. ૩૦ સપ્ટેમ્બરથી શરૂ કરાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શક્તિ યુવા ગ્રુપના પ્રમુખ અલ્પેશભાઇ એચ. મોરાણીયા (મો.૯૫૭૪૩ ૩૧૧૧૩), ઉપપ્રમુખ હિતેષભાઇ બી. ગોદડકા (મો.૭૩૮૩૬ ૩૫૯૪૧), વિવેકભાઇ કે. કાપડીયા, નૈતિકભાઇ એસ. ચારોલીયા, ગૌરવભાઇ એસ. ગોદડકા, મંથનભાઇ સી. કાપડીયા નજરે પડે છે.
(4:22 PM IST)










