તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
રાજકોટના નવાગામના ઘનશ્યામ મેરને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયો હતોઃ ૮ મહિના બાદ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો
૬-ડીસેમ્બર ૨૦૨૩ના રોજ યુવાન ઘરેથી નીકળ્યા બાદ ૯મીએ માલિયાસણ પાસેથી લાશ મળી હતીઃ પીઆઇ બી. પી. રજયા અને ટીમ ભેદ ઉકેલવા કામે લાગ્યા

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટીની બાજુમાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતો મંડપ સર્વિસ અને પાન મસાલાના ધંધાર્થી યુવાન ઘનશ્યામભાઇ છગનભાઇ મેર-કોળી (ઉ.વ.૩૨) આઠ મહિના પહેલા તા. ૬-૧૨-૨૩ના રોજ ઘરેથી રાતે નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં ત્રીજા દિવસે એટલે કે ૯મી ડિસેમ્બરની બપોરે તેની લાશ માલિયાસણ ગામે ખેરડી જતાં રીંગ રોડ પરથી મળી હતી. આ બનાવમાં જે તે વખતે મૃતકના પરિવારજનો તરફથી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. શરીર પર ઇજાઓના નિશાન હતાં. પોસ્ટમોર્ટમ થતાં ઝેરથી મોત થયાનું ખુલ્યું હતું. દરમિયાન આ મામલે પિતા છગનભાઇ મનજીભાઇ મેર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાંઆવી હતી. આ મામલે કુવાડવા પોલીસે છગનભાઇ મેર (ઉ.વ.૫૫-રહે. આરાધના સોસાયટી રંગીલા સોસાયટી પાસે નવાગામ આણંદપર)ની ફરિયાદ પરથી અજાણ્યા વિરૂધ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુનો હત્યાનો ગુનો નોંધ્યો છે.
હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઇ પિતા સાથે મંડપ સર્વિસમાં કામ કરવા સાથે પાનની દૂકાન પણ ચલાવતો હતો. તેને બે સંતાન છે. ૬ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ રાતે તે ઘરેથી નીકળ્યા બદા ગૂમ થયા પછી ત્રીજા દિવસે ૯મી ડિસેમ્બરે માલિયાસણ ગામે નવા રીંગ રોડ તરફ ખેરડીના રસ્તેથી લાશ મળી હતી. પિતાએ જે તે વખતે જ હત્યાની શંકા દર્શાવી હતી. દરમિયાન હવે પીઆઇ બી. પી. રજયા અને ટીમે ગુનો નોંધી ઘનશ્યામને કોણે ઝેર આપી હત્યા કરી? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(1:10 PM IST)










