<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં બારેમેઘ ખાંગા : અનેક સોસાયટીઓ જળબંબોળ :ઘરોમાં ઘુસ્યાં પાણી : આખો ગોંડલ હાઈવે પાણીમાં ડૂબ્યો

ઘર પાસે પાર્ક કરેલ ગાડી પાણીમાં ડૂબી ગઈ: રાજકોટ ગોંડલ હાઈવે સંપૂર્ણ બંધ અવસ્થામાં: માધાપર ચોકડી બેટમાં ફેરવાઈ : પડધરીના ન્યારા ગામમાં પણ વરસાદનું પાણી ફરી વળ્યું: ધોધમાર વરસાદથી ન્યારા-2 નદીનો પુલ બંધ: રામનાથપરા વિસ્તારમાં પણ કમર સુધીના પાણી ભરાયા

રાજકોટ :સમગ્ર રાજકોટ શહેરમાં વરસાદ યથાવત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજકોટમાં અતિભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે હંસરાજનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે. ઠેર-ઠેર પાણી ભરાતાં લોકો પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલ ગાડી પાણીમાં ડૂબી ગઈ છે.

  ગોંડલ જતો હાઈવે પાણી-પાણી થઈ ગયો છે. હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. રાજકોટ ગોંડલ હાઈવે સંપૂર્ણ બંધ અવસ્થામાં છે, હાલ એસટી વર્કશોપ ખાતે વાહનોની લાઈનો લાગી ગઈ છે. વાહનો લઈને ચાલકો રોડ ઉપર નથી જઈ શકતા. હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે 

 મુખ્ય રોડ ઉપરથી વરસાદી પાણીની નદી વહી, તો શહેરમાં ભારે વરસાદ આવતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. માધાપર ચોકડી બેટમાં ફેરવાઈ ગઈ છે, પડધરીના ન્યારા ગામમાં પણ વરસાદનું પાણી ફરી વળ્યું છે. ધોધમાર વરસાદથી ન્યારા-2 નદીનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. ભરાયેલા પાણીમાં અનેક વાહનો ખોટકાઈ ગયા છે.

   150 ફૂટ રિંગરોડ પરના મવડી ચોક નજીક પાણી ભરાયા છે, તો મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાનીમાં મૂકાઈ ગયા છે. રાજકોટમાં ભારે વરસાદથી ગોડલ રોડ પર પાણી ભરાયા છે. તો રાજકોટમાં ભારે વરસાદના કારણે આજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રામનાથપરા વિસ્તારમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા વિસ્તારમાં રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં દર વર્ષની જેમ આ વરસાદે પણ રામનાથપરામાં તારાજી સર્જાઈ ગઈ છે. ત્યારે આજી નદીમાં પૂર આવતા સૌથી પહેલા રામનાથપરાના રહેવાસીઓ ભોગ બન્યા છે.

  લોકોના ઘરોમાં પાણી ઘુસતા લોકોના જીવ તાળવે ચોટ્યા, તો લોકોના ઘરમાં પાણી ઘુસતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે ભારે વરસાદને પગલે લોકોને પડતી હાલાકી અંગે લોકોના ખબર અંતર પૂછવા કોઈ નેતાઓ ન પહોંચ્યા, તો આ અંગે લોકોમાં નારાજગી પણ છે

(6:26 PM IST)