તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કેનાલ રોડ લલુડી વોંકળીમાં તણાઇ ગયેલા આધેડ અશ્વિનભાઇ તન્ના હોવાનું ખુલ્યું: પત્નિ સાથે સ્થળાંતર કરતી વખતે બનાવ બન્યો હતો

રાજકોટઃ ગઇકાલે ૨૭મીએ સવારે ભારે વરસાદ વચ્ચે કેનાલ રોડ પર લલુડી વોંકળીમાં પાણીના ભારે વ્હેણમાં તણાઇ ગયેલા આધેડની ઓળખ થઇ હતી. તેઓ લલુડી વોંકળીમાં લુહાર જ્ઞાતિની વાડી પાસે સપના સોડાવાળી શેરીમાં રહેતાં અશ્વિનભાઇ ભગવાનભાઇ તન્ના (ઉ.વ.૪૫) હોવાનું ખુલ્યું હતું. આધેડ તણાઇ ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ૧૦૮ની ટીમે પહોંચી તેમને બેભાન હાલતમાં કેનાલ રોડ વસુંધરા એપાર્ટમેન્ટ પાસેની લલુડી વોંકળીમાંથી બહાર કાઢયા હતાં અને હોસ્પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. ભક્તિનગરના પીએસઆઇ પી. એસ. ગોહિલે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે મૃત્યુ પામનાર અશ્વિનભાઇ પત્નિ લીલાબેન સાથે રહેતાં હતાં. તેમને સંતાન નથી. તેઓ ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. આગલી રાતે જ સગા સંબંધીઓએ તેમને ઘર છોડીને નીકળી જવા કહ્યું હતું. પરંતુ રાતે નીકળી શકાય તેમ ન હોઇ સવારે તેઓ સગાના ઘરે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
(11:53 AM IST)










