News of Friday, 30th August 2024
તસ્કરોએ તહેવાર ઉજવ્યોઃ ગોવા, જગન્નાથપુરી ગયેલા બે પરીવારના ઘરો માંથી ૬.૩૭ લાખની ચોરી
રૈયા સિલ્વર વેલીના વેપારી ક્ષિતિજ ભાઇ ઝા પરિવાર સાથે જગન્નાથપુરી અને ન્યુ સુભાષનગર ના વિશાલભાઇ કરકર ગોવા ગયા' તાઃ યુનિવર્સિટી અને ભકિતનગર પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૩૦: જન્માષ્ટમીના તહેવારમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી રૈયા ધાર પાસે સિલ્વર વેલીના વેપારીના મકાનમાં અને હરીધવા રોડ પર ન્યુ સુભાષનગરમાં રહેતા વેપારીસના બંધ મકાનમાં ત્રાટકી રોકડ તથા દાગીના મળી બંને મકાનમાંથી રૂા. ૬.૩૭,૩૨૮ ની માલમતા ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મધ્યપ્રદેશ ગ્વાલીયરના પટેલનગર સીટી સેન્ટર હોલ દોઢસોફુટ રોડ પર ઘંટેશ્વર પાસે સીલ્વરવેલી બંગ્લોઝ નંબર-૧૩ માં રહેતા ક્ષિતીજભાઇ રામપ્રકાશભાઇ ઝા (ઉ.વ. ૩૬) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે પત્ની અને બે પુત્ર સાથે છેલ્લા બે વર્ષથી અહી રહે છે.અને વેપાર કરે છે. ગત તા. ૨૪ ના રોજ પરિવાર સાથે જગન્ના નાથ પુરી જવા માટે નીકળ્યા હતા બાદ તા. ૨૮ ના રોજ પાડોશી રાજેશભાઇ ચોૈહાણનો ફોન આવતા તેણે કહેલ કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે. અને તમારા ઘરે ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. તેમ વાત કરતા પોતે પરિવાર સાથે તા. ૨૮ ના રોજ રાત્રે ઘરે આવતા ધરનો મેઇન દરવાજો ખુલ્લો જોતા પોતે અંદર જઇ તપાસ કરતા મકાનના ઉપરના માળે બાલ્કની નો લાકડાની ફ્રેમ તથા કાચનો દરવાજાનો કાચ કાઢેલો જોતા કોઇ અજાણ્યા શખ્સોએ દરવાજાનો કાચકાઢી અંદરથી લોક ખુલેલો હોય રૂમમાં સામાન-વેરવીખેર જોતા પોતે તપાસ કરતા તીજોરીનો લોક તુટેલો હોઇ તપાસ કરતા તેમા રાખેલા રૂા. ૧,૫૦,૦૦૦ રોકડા તથા દાગીના મળી રૂા. ૪,૪૫,૫૦૦ ની માલમતાની ચોરી થઇ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણથતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ વી.ડી. ઝાલા સહિતે સ્થળપર પહોંચી વેપારી ક્ષિતીજભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં હરીધવા રોડ નવનીત હોલ ચાલીસ ફૂટ રોડ પર ન્યુ સુભાષનગરમાં રહેતા વિશાલભાઇ અશોકભાઇ કરકર (ઉ.વ. ૩૬) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિશાલભાઇએ ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતે પરિવાર સાથે રહે છે. અને પરસાણા નગરમાં ભાગીદારીમાં ગીફટ આર્ટીકલને લગતી વસ્તુ બનાવવાનું કારખાનુ ધરાવે છે. ગત તા. ૨૩ ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળુ મારી ગોવા ફરવા માટે ગયા હતા. મકાનની ચાવી પાડોશીને આપી હતી. ગત તા. ૨૬ ના રોજ પાડોશી મકાનમાં પાણી વગેરે ચેક કરવા ગયા હતા ત્યારે બધુ બરાબર હતું બાદ વિશાલભાઇ ગઇકાલે પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાનો નકુચો તુટેલો જોતા પોતે અંદર જતા સામાન વેરવીખેર અને રૂમમાં કબાટનો લોક તુટેલો જોતા તપાસ કરતા કબાટમાં રાખેલા રૂા. ૨૫ હજાર રોકડા અને દાગીના જોવા ન મળતા કોઇ અજાણ્યા શખ્સો રોકડ તથા દાગીના મળી રૂા. ૧,૯૧,૮૨૮ ની માલમતા ચોરી ગયા હોવાની ખબર પડી હતી બાદ પોતે પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ પ્રશાંતસિંહ સહિતે સ્થળપર પહોંચી વિશાલભાઇની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ.આર.કે. સામુદ્રેએ તપાસ હાથ ધરી છે.
(3:06 PM IST)










