News of Friday, 30th August 2024
નિલેષે પહેલા છરી હુલાવી માતાને ઘાયલ કરી, તેણીએ પકડી લેતાં ધાબળાથી ટૂંપો દઇ હત્યા કરી
માતાને પતાવી દેનારો નિલેષ હવે ભૂલ થઇ ગયાનું રટણ કરે છે! : હત્યાનો ભોગ બનનાર જ્યોતિબેનના મૃતદેહની અંતિમવિધી માટે બીજા દિકરાએ ના કહી દીધી

રાજકોટ તા. ૩૦: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા આર.એમ.સી. ક્વાર્ટર નં. ૧૦૩માં રહેતાં નિલેષ જસવંતગર ગોસાઇ (ઉ.વ.૨૨) નામના યુવાને ગઇકાલે પોતાના માતા જ્યોતિબેન જસવંતગર ગોસાઇ (ઉ.વ.૪૬)ની ધાબળાથી ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરતાં હવે આ હત્યારો દિકરો પોતાનાથી ભૂલ થઇ ગઇ એવું રટણ કરી રહ્યો છે.
બીજી તરફ હત્યાનો ભોગ બનનાર જ્યોતિબેનનો બીજો એક દિકરો કચ્છમાં તેના પિતા સાથે રહે છે. અંતિમવિધી માટે પોલીસે તેનો સંપર્ક કરતાં તેણે રાજકોટ આવવાની ના કહી દીધી હતી. હવે પોલીસ સામાજીક કાર્યકરની મદદ લઇ અંતિમવિધી માટે તજવીજ કરશે.
નિલેષ ગોસાઇએ માતા જ્યોતિબેનની હત્યા કર્યા બાદ પોતાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં માતા સાથેનો ફોટો મુકી આઇ એમ કિલ ટુ માય મોમ, લોસ માય લાઇફ, સોરી મોમ, ઓમ શાંતિ...મિસ યુ એવુ લખાણ મુક્યું હતુ.
પછી મિત્રને હત્યાની જાણ કરતાં તેણે પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પીઆઇ સી. એચ. જાદવે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવતાં નિલેષની ધરપકડ કરવામાં આવી હતી. મનોદિવ્યાંગ માતા સતત તોફાન કરી મારકુટ કરી લેતાં હોઇ નિલેષ સાથે ગઇકાલે પણ માતાએ માથાકુટ કરતાં તેણે છરીથી હુમલો કર્યો હતો, પણ હાથ પકડી લેવાતાં તેને ઇજા થઇ હતી. એ પછી તેણે માતાને ધાબળાથી ટૂંપો દઇ હત્યા કરી હતી. પોલીસ સ્ટેશને તેને લાવવામાં આવ્યા બાદ પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ તેણે આદર્યુ હતું!
હત્યાનો ભોગ બનેલા જ્યોતિબેનને સંતાનમાં બે દિકરા છે. છુટાછેડા વખતે મોટો દિકરો તેના પિતા સાથે ગયો હતો અને નાનો નિલેષ માતા જ્યોતિબેન સાથે રહ્યો હતો. જ્યોતિબેનના નિષ્પ્રાણ દેહની અંતિમવિધી માટે પોલીસે કચ્છ રહેતાં મોટા દિકરાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેણે પોતાને નિલેષ કે માતા સાથે કોઇ સંબંધ નથી તેમ કહી દેતાં પોલીસ હવે મૃતદેહની અંતિમવિધી પોતાની રીતે સામાજીક કાર્યકરને સાથે રાખીને કરવા તજવીજ કરશે.
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવ, રાઇટર રાહુલભાઇ રાઠોડ, કોન્સ. કિશોરભાઇ પરમાર, પીએસઆઇ બી. આર. ભરવાડ, પીએસઆઇ ડી.આર. રત્નુ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, મહિપાલસિંહ, વનરાજભાઇ, ક્રિપાલસિંહ, ગોપાલસિંહ,, મૈસુરભાઇ, પ્રાદિત્યસિંહ, દિવ્યરાજસિંહ સહિતની ટીમે આ બનાવમાં જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:08 PM IST)










