<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ચોરટા બેફામઃ બેડી ચોકડી પાસે રોયલ રત્‍નમ્‌માં ‘ચડ્ડી પહેરેલા ચોર' પાંચ બંગલામાં ત્રાટક્‍યાઃ પંચાયત નગરમાં ઘરમાંથી લાખોની ચોરી

શહેરમાં ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનોની હદમાં બનાવઃ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ દોડી : અતિથી દેવો ભવ હોટેલ પાછળ રોયલ રત્‍નમ્‌-કર્મ બંગલોમાં તમામ રહેણાંકમાં ઘરધણીની હાજરીમાં ચોરીઃ અમુક ઘરોના ફળીયામાં સીડી મુકી ઉપરની બાલ્‍કનીમાં ગયાઃ નાની મોટી રોકડ, ઇયર બડ, પાવર બેંક, સોનાની ચેઇન-વીંટી સહિતની મત્તા ચોરી ગયાઃ પંચાયતનગરમાં રહેતાં કમલેશભાઇ મહેતા વલસાડ હોઇ દસ દિવસથી મકાન બંધ હતું: મસ્‍કત ખાતે વ્‍યવસાયીક કામે આવ-જા કરતા રહે છેઃ નાની તિજોરી જ ચોર ઉઠાવી ગયાઃ સીસીટીવીમાં બે બુકાનીધારી દેખાયા

પંચાયતનગર શેરી નંબર ૨-કમાં આદિનાથ મકાનમાં બે બુકાનધારી ત્રાટકી લાખોની મત્તા ચોરી ગયા હતાં (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: સાતમ આઠમના તહેવારમાં રજા માણવા બહારગામ ગયેલા પરિવારનોના ઘરમાં ચોરીની બે ઘટના ગઇકાલે જાહેર થઇ હતી. એ પહેલા વરસતા વરસાદમાં ન્‍યુ રામેશ્વર નગરમાં ઘરધણી ઉપર સુતા હતાં ત્‍યારે બુકાનીધારી ચોર પંદરેક લાખની મત્તા ચોરી ગયા હતાં. ત્‍યાં હવે માધાપર ચોકડીથી ચોકડીના રસ્‍તે અતિથી દેવો ભવ હોટેલ પાછળ આવેલા રત્‍નમ્‌ રોયલ બંગલો તથા સામેના કર્મ બંગલો સોસાયટીમાં મધરાતે ચડ્ડી પહેરેલા બુકાનીધારી ચોર ત્રાટક્‍યા હતાં. અહિ પાંચ અલગ અલગ બંગલોમાં ચોર ઘરધણીની હાજરીમાં ઘુસી ગયા હતાં અને નાની મોટી રોકડ, ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુ, સોનાના દાગીના સહિતની માલમત્તા ચોરી ગયા હતાં. આ ચડ્ડી પહેરેલા ચોર સીસીટીવી કેમેરામાં દેખાયા છે. બીજી તરફ પંચાયતનગરમાં રહેતાં વણિક પરિવારના દસ દિવસથી બંધ મકાનમાં બે બુકાનીધારી ત્રાટકી લાખોની મત્તા ચોરી ગયા છે. તસ્‍કરો અહિથી નાનકડી એક તિજોરી ઉઠાવી ગયા હતાં. ખરેખર કેટલી મત્તા હતી? તેની તપાસ થઇ રહી છે. 

જાણવા મળ્‍યા મુજબ તસ્‍કરોએ શહેરમાં તરખાટ મચાવતાં ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ દોડી ગઇ હતી. બેડી ચોકડી નજીક આવેલી એડીબી (અતિથી દેવો ભવ) હોટેલ પાછળ આવેલી રત્‍નમ્‌ રોયલ સોસાયટીના પાંચ બંગલામાં ચોરી થયાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી ગઇ હતી. અહિ બંગલો નંબર ૬૪માં રહેતાં અને એક્ષપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા હેમલભાઇ કલ્‍પેન્‍દ્રભાઇ બક્ષીના બંગલામાં ચોરી થયાની અને આસપાસના બંગલાઓમાં પણ ચોરે પગલા પાડયાની જાણ કન્‍ટ્રોલ રૂમમાં થતાં ગાંધીગ્રામ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોને જાણ કરાઇ હતી.

શ્રીહેમલભાઇ બક્ષીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે રાતના અઢીથી ત્રણ વાગ્‍યાની વચ્‍ચે ત્રણ ચાર બુકાનીધારી ચોર ત્રાટક્‍યા હતાં. આ તમામે માત્ર ચડ્ડી-બરમુડા પહેર્યા હતાં અને ઉઘાડા ડીલે હતી. તસ્‍કરો અલગ અલગ બંગલાના ફળીયામાં સીડી મુકી ઉપરની બાલ્‍કનીમાં થઇ રૂમોમાં પ્રવેશ કરી નાની મોટી ચીજવસ્‍તુ, રોકડ કે જે હાથમાં આવ્‍યું એ ચોરી ગયા હતાં. અમારા ઘરમાં મંદિરમાંથી ૪ હજારની રોકડ ચોરી ગયા હતાં.

 અન્‍ય ચાર બંગલામાં પણ આ રીતે જ ચોર ઘુસ્‍યા હતાં. સીડી પણ તે સાથે લઇને આવ્‍યા હતાં! બંગલા નંબર ૬૯માં રહેતાં અજયભાઇ રમેશભાઇ મઢવીના ઘરમાંથી એક ગ્રામનો સોનાનો સેટ, બુટી  સહિતના દાગીના ચોરાયાનું ઘરધણીએ કહ્યું હતું. બીજી તરફ બંગલા નંબર ૬૬માં મીતભાઇ ભરતભાઇ શાહના ઘરમાંથી તસ્‍કરો ઇયર બડ, પાવર બેંક અને પાંચ હજારની રોકડ ચોરી ગયા હતાં. જ્‍યારે ૭૨ નંબરના બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો. સામેની સાઇડમાં આવેલા કર્મ બંગલો સોસાયટીમાં રહેતાં સંજયભાઇ પ્રભાતભાઇ જાદવના બંગલામાં ગ્રીલ તોડી અંદર ઘુસી ૭ હજારની રોકડ ચોરી ગયા હતાં. આમ અહિ પાંચ બંગલામાં ત્રાટકેલા ચડ્ડી પહેરેલા ચોરને મત્તા બહુ હાથ લાગી નહોતી. તમામ ઘરોમાં ઘરધણીની હાજરીમાં ચોરી થઇ હતી.

ચોરીનો બીજો બનાવ પંચાયતનગરમાં બન્‍યો

બીજી તરફ યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર શેરી નં. ૨-કમાં આવેલા ‘આદિનાથ' નામના મકાનમાં મોટી મત્તાની ચોરી થયાની જાણ થતાં યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ બી. આર. ભરવાડ અને ડી. સ્‍ટાફની ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પહોંચી હતી. જાણવા મળ્‍યા મુજબ અહિ રહેતાં કમલેશભાઇ ખોડીદાસભાઇ મહેતા (ઉ.વ.૬૫) દસેક દિવસથી વલસાડ હોઇ ઘર બંધ હતું. આ પરિવાર વ્‍યવસાયના કામ અર્થે મોટે ભાગે મસ્‍કત આવ જા કરતો રહે છે. અહિ ત્રાટકેલા ચોર નાનકડી એવી આખી તિજોરી ઉઠાવી ગયા હતાં. જેમાં લાખોની મત્તા હોવાની શક્‍યતા છે. કેટલી મત્તા ગઇ તેનો આંકડો હવે પછી જાહેર થશે. અહિ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે એક વાગ્‍યે બે જેટલા બુકાનીધારી તસ્‍કરો દેખાય છે. બંને જગ્‍યાએ તસ્‍કરો એક જ ટોળકીના છે કે કેમ? તેની પણ તપાસ થઇ રહી છે. તસ્‍કરોએ એક જ રાતમાં તરખાટ મચાવી પોલીસની ટીમોને દોડધામ કરાવી દીધી હતી. ભેદ ઉકેલવા ગાંધીગ્રામ પોલીસ, યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમોએ ધમધમાટ શરૂ કર્યો છે. સીસીટીવી ફૂટેજ મેળવવા અને તેના આધારે તસ્‍કરોનું પગેરૂ શોધવા પ્રયાસ થઇ રહ્યા છે.

(10:25 AM IST)