News of Sunday, 1st September 2024
હત્યાની કોશિષના બે ગુનામાં ફરાર ભાવેશ રાજસ્થાનથી પકડાયો, પોલીસ સ્ટેશનમાં તબિયત બગડયા બાદ મોત
પંચનાથ પ્લોટના દિગંબર જૈન મંદિરમાં કારખાનેદાર અમિતભાઇને છરીના ઘા ઝીંક્યા હતાં, એ પહેલા પણ આ કારખાનેદારને કારની ઠોકરે ઉલાળી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો : ક્રાઇમ બ્રાંચે શોધી એ-ડિવીઝન પોલીસને સોંપ્યોઃ કસ્ટોડીયલ ડેથી એસીપી કરશે તપાસઃ મૃતકને અનેક બિમારીઓ હતીઃ તેની થેલીમાંથી અલગ અલગ ડોક્ટરની ફાઇલો, ઇન્જેક્શન મળ્યા હતાં

રાજકોટ તા. ૩૧: શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના હત્યાની કોશિષના ગુનામાં ફરાર ભાવેશ વિનોદભાઇ ગોલ (ઉ.વ.૩૫) નામના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમ રાજસ્થાન જયપુરથી ગઇકાલે પકડી લાવી હતી. ભાવેશને એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપાયા બાદ અહિ પુછતાછ ચાલુ થાય એ પહેલા જ તેને ઉલ્ટીઓ થવા માંડતા તેને તુરત જ પીઆઇ આર. જી. બારોટ અને ટીમે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે અહિ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. કસ્ટોડીયલ ડેથની આ ઘટનામાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે. આગળની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.
વિગત એવી છે કે શહેરના હરિ ધવા રોડ પર અયોધ્યા સોસાયટી-૫માં રહેતાં અમિતભાઇ પરષોત્તમભાઇ સગપરીયા (ઉ.વ.૪૦) ગત ૨૦મીએ સવારે સાડા સાતેક વાગ્યે ઘરેથી પોતાના પત્નિ રીનાબેન સાથે પંચનાથ પ્લોટમામં આવેલા શ્રી સિમંધર પ્રભુના દિગંબર જૈન મંદિર ખાતે પુજા કરવા આવ્યા હતાં. તેઓ પુજા કરી રહ્યા હતાં તે વખતે અચાનક તેનો પુર્વ મકાન માલિક ભાવેશ ગોલ ધસી આવ્યો હતો અને બધાની હાજરીમાં જ છરીથી તૂટી પડયો હતો અને અમિતભાઇને ઘા ઝીંકી ભાગી ગયો હતો. આ મામલે એ-ડિવીઝન પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. અગાઉ અમિતભાઇ હુમલાખોર ભાવેશના મકાનમાં ભાડેથી રહેતાં હતાં ત્યારે ભાડા બાબતે થયેલી ચડભડનો ખાર રાખી ભાવેશ અવાર-નવાર માથાકુટ કરતો હોઇ ખાર રાખી તેણે મંદિરમાં ઘુસી હુમલો કર્યાનું ખુલ્યું હતું.
બીજી તરફ આ ઘટનાના એક મહિના પહેલા પણ અમિતભાઇ ટુવ્હીલર હંકારીને જતાં હતાં ત્યારે ભાવેશ ગોલે કારની ઠોકરે ચડાવી અમિતભાઇની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલતાં તે અંગે ભક્તિનગર પોલીસે અલગથી હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. બબ્બે ગુનામાં ફરાર ભાવેશ ગોલ જયપુર તરફ હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ગઇકાલે જ તેને પકડી લાવી હતી અને એ-ડિવીઝન પોલીસને સોંપ્યો હતો. સાંજે સાડા પાંચેક વાગ્યે તે પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એકાએક ઉલ્ટી થવા માંડતા સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું.
કસ્ટોડીયલ ડેથને પગલે પોલીસ અધિકારીઓ એ-ડિવીઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતાં અને તપાસ આદરી હતી. ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યુ઼ હતું કે ભાવેશ ગોલ હત્યાની કોશિષના બે ગુનામાં ફરાર હતો. તેને ક્રાઇમ બ્રાંચે શોધીને એ-ડિવીઝનમાં રજૂ કર્યો હતો. અહિ તે કંઇ બોલતો નહોતો. તેને અચાનક ચક્કર આવતાં ઉલ્ટી ઉબકા થતાં તુરત જ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવારમાં મૃત્યુ થયું હતું. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે અને આગળની તપાસ એસીપી જે. બી. ચોૈધરી કરશે. મૃતક વિરૂધ્ધ કુલ ૩ ગુના હતાં. જેમાં સોૈથી પહેલો ગુનો ૩૨૪ મુજબ ભક્તિનગરમાં હતો. એ પછી એ-ડિવીઝન, ભક્તિનગરમાં હત્યાની કોશિષના બે ગુના નોંધાયા હતાં. તેમાં પકડવાનો બાકી હતો.
(10:26 AM IST)










