તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Sunday, 1st September 2024
ગોંડલ રોડ ચોકડીના પૂલની દિવાલમાં થાર અથડાયા બાદ ટ્રકમાં ભટકાઇઃ પાડાસણના અજય રાઠોડનું મોત

મિત્ર ઘનશ્યામ સહિતની સાથે રાજકોટથી પીપર ગામે મિત્રના માતા ગુજરી ગયા હોઇ ત્યાં ગયા બાદ પરત આવ્યા પછી બનાવઃ ગાડીની એરબેગ ખુલી ગઇઃ સાથેના રાહુલ અને ઘનશ્યામનો બચાવઃ મૃતક વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ તા. ૩૧: શહેરના ગોંડલ રોડ પર પુનીતનગર પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી તરફના પૂલ પર થાર ગાડી આગળ જતાં ટ્રક પાછળ અથડાતાં થારમાં બેઠેલા ચાર પૈકીના પાડાસણ ગામના ૨૩ વર્ષના યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પાડાસણ રહેતો અજયભાઇ જયંતિભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) રાતે દોઢેક વાગ્યે થાર ગાડીમાં બેસીને જતો હતો ત્યારે અકસ્માતમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યુ઼ હતું. હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, કાનાભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે આ બનાવમાં પાડાસણ રહેતાં અને મજુરી કરતાં રાહુલ સુરેશભાઇ પરમાર (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી થાર ગાડીના ચાલક મૃતક અજય રાઠોડ વિરૂધ્ધ બેદરકારીથી ગાડી હંકારી અકસ્માત સર્જવાનો ગુનો દાખલ કર્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે ગઇકાલે બપોરે મિત્ર ઘન્યામે ફોન કરી કહેલું કે રાજકોટ એક મિત્રના મમ્મી ગુજરી ગયા હોવાથી રાજકોટ જવું છે તું સાથે આવ. જેથી મેં હા પાડી હતી અને થોડીવાર બાદ ઘરેથી ચાલીને રોડ પર જતાં મિત્ર ઘનશ્યામ જીજે૦૨ઇજી-૯૯૯૯ નંબરની થાર ગાડી લઇને આવ્યો હતો. આ ગાડીની ડ્રાઇવીંગ સીટ પર પાડાસણ ગામનો જ અજય રાઠોડ બેઠો હતો. ઘનશ્યામ બાજુમાં બેઠો હતો.
બાદમાં અમે ત્રણેય રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ આંબેડકરનગર ખાતે ગયા હતાં. જ્યાંથી અજયનો એક મિત્ર પણ ગાડીમાં બેઠો હતો. એ પછી અમે ચારેય થાર ગાડીમાં બેસી પીપર ગામે ગયા હતાં. રાતે બારેક વાગ્યે પરત આંબેડકરનગમાં અજયના મિત્રને ઉતાર્યો હતો. ત્યારબાદ પાડાસણ તરફ જવા આંબેડકરનગરમાંથી રવાના થયા હતાં. આ વખતે પણ ગાડી અજય રાઠોડ ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં હું બેઠો હતો, જ્યારે ઘનશ્યામ પાછલી સીટમાં હતો. અજય વધુ સ્પીડથી ગાડી હંકારતો હતો. પુનીતનગર પાણીના ટાકા પાસે થઇ ગોંડલ રોડ ચોકડીવાળો પૂલ ચડતાં જ અચાનક સ્પીડબ્રેકર આવતાં અજયએ ગાડીને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ગાડી પૂલની જમણી સાઇડની દિવાલમાં બે ત્રણ વાર અથડાઇ હતી. એ પછી આગળ જતાં ટ્રક સાથે ડ્રાઇવર સાઇડમાં અથડાઇને ઉભી રહી ગઇ હતી. આ કારણે અજયનું માથુ સ્ટીયરીંગમાં અથડાયું હતું અને એરબેગ ખુલી ગઇ હતી. અજય બેભાન થઇ ગયો હોઇ અમે તેને સારવાર માટે ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
(10:26 AM IST)










