News of Monday, 2nd September 2024
સાવધાન... મુંબઇમાં પણ થઇ શકે છે ભૂસ્ખલન...!
મુંબઇ પ્રદેશમાં, ઢોળાવ પરના પાણીના કુદરતી પ્રવાહના માર્ગમાં વિકાસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે જે ભૂસ્ખલનને ઉત્તેજિત કરતું મુખ્ય પરિબળ છે : મુંબઈ પ્રદેશમાં, ઢોળાવ પરના પાણીના કુદરતી પ્રવાહના માર્ગમાં વિકાસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે જે ભૂસ્ખલનને ઉત્તેજિત કરતું મુખ્ય પરિબળ છે : બાંધકામ, પાણીના કુદરતી પ્રવાહમાં ફેરફારથી ઢોળાવની સ્થિરતાને અસર થઈ શકે છે, ભૂસ્ખલન થઈ શકે છે : દીપાંકર ચૌધરી : એક રીપોર્ટ મુજબ મુંબઇ શહેરમાં ૨૯૦ થી વધુ ભૂસ્ખલન-સંભવિત સ્થળો છે અને બૃહન્મુંબઈ મ્યુનિ. કોર્પોરેશને આ વર્ષે ૭૪ ઉચ્ચ-જોખમી ભૂસ્ખલન માટે સંવેદનશીલ ઝોનની સૂચિબદ્ધ કરી છે

૩૦ જુલાઈના રોજ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડીમાં શ્રેણીબદ્ધ ભૂસ્ખલન થયું, જેમાં ૨૦૦ થી વધુ લોકોના મોત થયા જયારે ૨૦૦ થી વધુ લોકો ગુમ થયા. તેના થોડા જ સમયમાં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું. મુંબઈ પણ ૨૦૨૧માં વિક્રોલીની પંચશીલ ચાલમાં ભૂસ્ખલન થયું જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા. એક રીપોર્ટ મુજબ મુંબઇ શહેરમાં ૨૯૦ થી વધુ ભૂસ્ખલન-સંભવિત સ્થળો છે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ આ વર્ષે ૭૪ ઉચ્ચ-જોખમી ભૂસ્ખલન માટે સંવેદનશીલ ઝોનની સૂચિબદ્ધ કરી છે. મહત્તમ સંખ્યા પૂર્વીય ઉપનગરોમાં પડે છે. તાજેતરની ઘટનાઓના પ્રકાશમાં IIT બોમ્બેના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા દીપાંકર ચૌધરી કે જેઓ મહારાષ્ટ્ર સરકારના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) હેઠળ આપત્તિ સ્થિતિ સ્થાપકતા અને ક્ષમતા નિર્માણ અંગેની તકનીકી સમિતિના અધ્યક્ષ છે તેમણે એક માધ્યમ સાથે વાત કરી ભૂસ્ખલન શક્યતાઓ વિશે ચર્ચા કરી હતી.
મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરને ભૂસ્ખલન માટે આટલું સંવેદનશીલ શું બનાવે છે? તેમનું કહેવું હતું કે, જયારે સમગ્ર દેશમાં ભૂસ્ખલન ટેકનિકલ પાસાઓના સંદર્ભમાં અલગ-અલગ ભૂસ્ખલન પેટર્ન ધરાવે છે ત્યારે પરિણામ સામાન્ય રીતે સમાન હોય છે. જયાં જમીનનો મોટો હિસ્સો નીચે સરકતો હોય છે અને તેના માર્ગ સાથેની દરેક વસ્તુનો નાશ કરે છે. માટીના સ્તરની જાડાઈ, પોત જે સ્થાન પ્રમાણે બદલાય છે અને માનવસર્જિત પ્રવૃત્તિઓ જેમ કે બિનઆયોજિત બાંધકામો અથવા તો ડાંગરની ખેતી પણ ઢોળાવની સ્થિરતાને નુકસાન પહોંચાડે છે. જયારે આ માનવસર્જિત પ્રવૃત્તિઓ કુદરતી પ્રવૃત્તિઓમાં ઉમેરવામાં આવે છે જેમ કે ભારે વરસાદ અથવા ટેક્ટોનિક હિલચાલ ત્યારે જમીન ખસે છે.
મુંબઈ પ્રદેશમાં ઢોળાવ પરના પાણીના કુદરતી પ્રવાહના માર્ગમાં વિકાસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. જે ભૂસ્ખલનને ઉત્તેજિત કરતું મુખ્ય પરિબળ છે. આપણા નવા આપેલા માર્ગમાં થોડો સમય પાણી વહી શકે છે પરંતુ જયારે અતિશય વરસાદ પડે ત્યારે પાણી તેના મૂળ માર્ગ પર પાછું જાય છે અને રસ્તામાં બધું ધોવાઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અભ્યાસ પ્રમાણે કેરળનો લગભગ ૪૩ ટકા વિસ્તાર ભૂસ્ખલનનો શિકાર બની શકે તેમ છે. તેનું કારણ પણ સમજવા જેવું છે. કેરળમાં છેલ્લાં ૧૦૦થી વધુ વર્ષોથી ચાનું વાવેતર થાય છે પણ છેલ્લાં કેટલાક સમયથી જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યા છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. વધારે વરસાદ પડે તેના કારણે માટી ધોવાય છે તેથી ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન વધી રહ્યું છે. કેરળના અનેક જિલ્લા પヘમિ ઘાટના ઊચ્ચપ્રદેશના ઢોળાવ ઉપર આવેલા છે જયાં ખીણો અને ટેકરીઓ છે. આ વિસ્તારોમાં ગમે ત્યારે ભૂસ્ખલનનો કેર વર્તાવાનો ખતરો છે. મુંબઇમાં પણ આડેધડ બાંધકામ ભૂસ્ખલન નોતરી શકે છે.
શું આત્યંતિક હવામાન ઘટનાઓ અને આબોહવા પરિવર્તન તેમાં ઉમેરો કરી રહ્યા છે? દીપાંકરજી નું કહેવું હતુ કે, હા ચોક્કસપણે. જયારે આબોહવા પરિવર્તનને એકમાત્ર પરિબળ તરીકે ઓળખી શકાય તેમ નથી. તે ચોક્કસપણે ભૂસ્ખલન તરફ દોરી જતા મુખ્ય કારક પરિબળોમાંનું એક છે. ઘણા પ્રદેશો અત્યંત ભારે વરસાદના સાક્ષી છે જે હવામાન પરિવર્તનને કારણે થોડા વર્ષો પહેલા ત્યાં નહતો. ઘણા મર્યાદિત ઢોળાવ જે પહેલા સ્થિર હતા તે હવે સ્થિર ન હોઈ શકે.
ગયા વર્ષે, રાયગઢના ઇર્શાલવાડીમાં ભૂસ્ખલનથી ૮૦ થી વધુ લોકોના મોત થયા હતા. ૨૦૨૧ માં મહાડમાં તાલિયે ભૂસ્ખલન થયું હતું જેણે ગામનો નાશ કર્યો હતો. પヘમિ ઘાટને ભૂસ્ખલનની સંભાવના શું બનાવે છે? પヘમિ ઘાટમાં ભૂસ્ખલનની લાક્ષણિક પ્રકૃતિ સમાન છે. ૨૦૧૪ માં માલિન ભૂસ્ખલન પછી ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (INAE) નવી દિલ્હી દ્વારા રચવામાં આવેલી એક તકનીકી હકીકત-શોધ સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જોયું કે કેટલાક મુખ્ય કારણોમાં પાણીના કુદરતી માર્ગનું ડાયવર્ઝન, બિનઆયોજિત બાંધકામો અને ડાંગરની ખેતી મુખ્ય કારણ છે. કસ્તુરીરંગન સમિતિના અહેવાલમાં વર્ગીકૃત કરાયેલા કેટલાક વિસ્તારો આ પર્યાવરણ-સંવેદનશીલ વિસ્તાર હેઠળ આવે છે. જે તારણ આપે છે કે પશ્ચિમ ઘાટ ક્ષેત્રના કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સુરક્ષિત રાખવાની જરૂર છે.
ભૂતકાળમાં થયેલા એક સંશોધન રીપોર્ટ મુજબ મુંબઇનો દરિયો જયાં રોકી દેવાયો છે ત્યાં દરિયાનું ખારું પાણી તળમાંથી વિસ્તરી રહ્યું છે અને એ વિસ્તાર ધીમે ધીમે ખોખલો થઇ રહ્યો છે. ભવિષ્યમાં કદાચ એ પાણીમાં ગરક થઇ જાય તો પણ નવાઇ નહીં.
શહેરના ભૂસ્ખલનને સ્થિતિસ્થાપક બનાવવા માટે મુંબઈમાં આયોજન અને બાંધકામમાં શું હસ્તક્ષેપ કરવા જોઈએ? જયારે પણ ઢોળાવ પર અથવા તો ઢોળાવની નજીક બાંધકામનું આયોજન કરવામાં આવે ત્યારે તેની સ્થિરતા પર એન્જિનિયરિંગ અભ્યાસ કરવો જરૂરી છે. એકવાર ઢોળાવ સ્થિર થઈ જાય પછી ઘરો એવી રીતે બાંધવા જોઈએ કે તે અસ્થિરતામાં વધારો ન કરે. જેના માટે માળખાના વધારાના ભારનો પણ અભ્યાસ કરવો આવશ્યક છે. અતિશય વરસાદ અથવા તો હળવા આંચકા જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. સ્લોપ પ્રોટેક્શન સિસ્ટમ્સ પણ અપનાવી શકાય છે જેમ કે જિયોનેટ અને વાયર મેશ. સૌથી અગત્યનું ઢોળાવ પર પાણીનો કુદરતી પ્રવાહ જાળવવો જોઈએ. InSAR (ઇન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક એપરચર રડાર) ડેટા, જે એક વાસ્તવિક સમયની દેખરેખ સિસ્ટમ છે તે ઢાળ કેવી રીતે આગળ વધી રહ્યો છે તેનો ખ્યાલ આપી શકે છે.
દેશમાં ભૂસ્ખલનની આગાહીને સુધારવા માટે શું કરી શકાય જેથી જીવન અને મિલકતને નુકસાન ઓછું થાય? શ્રી ચૌધરીનું કહેવું છે કે, ભૂસ્ખલનની આગાહી કરવા માટે ત્રણ વિશિષ્ટ પદ્ધતિઓ છે. જેમાં એક સંખ્યાત્મક-વિશ્લેષણાત્મક અભિગમ છે. બીજું ઢોળાવનું સીધું દેખરેખ છે અને પછી છેલ્લે સેટેલાઇટ ઇમેજરી (InSAR) ડેટા. ત્રીજી પદ્ધતિ ભૂસ્ખલનની આગાહી કરવાની શ્રેષ્ઠ રીત છે. જયારે રાજય અને રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા આગાહીમાં ઘણું કામ થઈ રહ્યું છે ત્યાં હંમેશા વધુ સુધારા માટે અવકાશ છે. સંશોધકો વધુ સારા જ્ઞાનથી સજ્જ છે અને આપણે ભૂસ્ખલન માટે યોગ્ય આગાહીને અમલમાં મૂકવા માટે આ નવી તકનીકો લાવવાની જરૂર છે.
કેરળની તબાહી આખા દેશનાં લોકો માટે એક મોટી ચેતવણી છે. આ પ્રકારની સ્થિતિ બીજે ના સર્જાય એટલા માટે સરકારે જાગવું જોઈએ અને જમીનનું જતન કરવું જોઈએ. જમીનનું જતન કરીશું તો જમીન આપણને સાચવશે નહીંતર ઉત્તરાખંડમાં થયું ને હવે કેરળમાં થયું એમ જમીન લોકોને ભરખી જશે. રાજકારણીઓને તેનાથી કદાચ ફરક નથી પડતો તેથી એ લોકો કશું નહીં કરે પણ લોકોએ જાગવું પડશે. લોકોએ પોતાન જીવની સુરક્ષા કરવી હશે તો જમીનને બચાવવી પડશે.
(નયોનિકા બોસ ના ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયેલ લેખમાંથી આભાર સહ)
ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે?
વાયનાડમાં વરસાદથી કાદવના પૂરે તાબાહીનું ભયાનક દ્રશ્ય સજર્યું હતું. કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલમાં કેરળના વાયનાડમાં ૩૦ જુલાઈની મધ્યરાત્રિએ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને કાદવના આ પૂરે તબાહીનું ભયાનક દ્રશ્ય સજર્યું હતું. જે દ્રશ્યમાં ૩૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાયનાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન કોઈ મોટી વાત નથી. આ પહેલા પણ આ વિસ્તારમાંથી ભૂસ્ખલનના આવા અહેવાલો આવ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ દક્ષિણી જિલ્લો ભૂસ્ખલનથી પ્રભાવિત કેમ થઈ રહ્યો છે?
વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૯માં લગભગ ૫૧ વખત ભૂસ્ખલન નોંધાયું હતું ૩૦માં જુલાઈની આ ઘટના પહેલા બે અઠવાડિયાથી સતત ભારે વરસાદ પણ એક કારણ છે. જો કે, એકલા વરસાદને મુખ્ય કારણ ગણી શકાય નહીં પરંતુ હા, ચોક્કસપણે એક મૂળભૂત કારણ છે. પરંતુ કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (કેએફઆરઆઈ)ના રિપોર્ટમાં ભૂરસ્ખલનનું સાચું કારણ પહાડોમાં ખોદકામ હોવાનું જણાવાયું હતું. આ એટલા માટે છે કારણ કે ખોદકામ મોટે ભાગે જયાં પણ થાય છે. ત્યાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ગરાળ વિસ્તારોમાં બ્લાસ્ટિંગનો ઉપયોગ પહાડોના કોદકામ અથવા પર્વતો તોડવા માટે થાય છે. આ પ્રકારના વિસ્ફોટથી એક પ્રકારનું વાઇબ્રેશન સર્જાય છે. આ કંપનના કારણે પર્વત તૂટી જાય છે. પરંતુ કંપનની અસર માત્ર પર્વતો સુધી મર્યાદિત નથી તેની અસર કેટલાક કિલોમોટરના વિસ્તારો સુધી વિસ્તરે છે. જોરદાર વિસ્ફોટને કારણે ધરતી ધ્રૂજે છે અને પછી તેમાં થોડી તિરાડ પડે છે. આ પછી જો ક્યાંક ભારે વરસાદ પડે તો પાણી આ તિરાડોમાં પ્રવેશ કરે છે અને એક મોટું પૂર આવે છે.
પહાડોના ખોદકામ સિવાય આના માટે અન્ય ઘણા કારણો છે. તેનું એક કારણ વન નાબૂદી છે. કેરળ રાજય છેલ્લી સદીથી ચાની ખેતી માટે જાણીતું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જંગલો પણ ઝડપી ગતિએ કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે રાજયના વાતાવરણમાં ફેરફાર થયો હતો અને તેના કારણે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ હતી. જેના કારણે ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. આ જિલ્લો પશ્ચિમ ઘાટના હોળાવ પર આવેલો છે. આ ઢોળાવ ખૂબ જ ઢાળવાળો છે. આ વિસ્તારોમાં ઘણી ખાણો અને ટેકરીઓ છે જેના કારણે આવા વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના પણ વધી જાય છે. ચોમાસાની ઋતુમાં વાયનાડમાં ભારે વરસાદ આવે છે. કેટલીકવાર અહીં ૨૦૦૦ મીમીથી વધુ વરસાદ પડે છે. જેના કારણે ત્યાંની જમીન સંતૃપ્ત થઈ જાય છે. જેના કારણે માટીનુ ધોવાણ થવા લાગે છે. આ જિલ્લામાં મોટે ભાગે લેટેસાઈટ માટી છે. આનો અર્થ થાય છે ખૂબ જ નબળી અને ક્ષીણ થઈ શકે તેવી જમીન જયારે તે વરસાદથી સંતૃપ્ત થાય છે ત્યારે તેનું વજન વધે છે. પરંતુ વધતા વજન સાથે આ માટીની મજબૂતાઈ ઘટતી જાય છે જેના કારણે ભૂસ્ખલનનો ઘટનાઓની સંભાવના વધી જાય છે.
પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(9:54 AM IST)










