<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રાવણનું શ્રધ્‍ધાબિંદુ શિવલીંગનું પૂજન ભોગ અને મોક્ષ આપે છે

નંદીકેશ્વર બોલ્‍યા : પૂર્વે મહાકાળ કલ્‍પમાં બ્રહ્મા વિષ્‍ણુ વચ્‍ચે વાદવિવાદ થયો હતો. તે બંન્નેના ગર્વનું ખંડન કરવા મહાદેવે તે બંન્ને વચ્‍ચે સ્‍તંભરૂપે પોતાનું નિષ્‍કલરૂપ બતાવ્‍યું.એ પછી શિવજીએ લિંગના પ્રતીકરૂપ તે થાંભલામાંથી પોતાનું નિષ્‍કલ લિંગ સ્‍વરૂપ પ્રકટ કર્યુ હતું.બસ ત્‍યારથી લોકમાં મહાદેવનું લિંગ અને મૂર્તિ બંન્ને આદરપૂર્વક પૂજવામાં આવે છે. અન્‍ય દેવોની મૂર્તિઓ કેવળ ભોગ આપનારી છે, જયારે શિવલિંગ તો ભોગ અને મોક્ષᅠ બંન્ને આપે છે.

સનતકુમારોએ પુછ્‍યું : બ્રહ્મ અને વિષ્‍ણુ શેષનાગ પર સૂતા હતાં ત્‍યાં બ્રહ્માજી આવ્‍યા તેમણે ક્રોધિત બનીને પુછ્‍યુ : અભિમાનીની પેઠે સૂઈ રહેનાર તમે કોણ છો?

વિષ્‍ણુએ કહ્યું આપ બિરાજો. આપની વ્‍યગ્રતાનું કારણ શું છે?

બ્રહ્મા બોલ્‍યા : વિષ્‍ણુ! હું જગતનો પિતામહ છું તમારો રક્ષક પણ છું.

વિષ્‍ણુ બોલ્‍યા : સમગ્ર જગત મારામાં રહ્યું છે,વળી તમે તો મારી નાભિકમળમાંથી ઉત્‍પન્ન થયા છો આથી તમે મારા પુત્ર કહેવાઓ,છતાં અસત્‍ય શા માટે બોલો છો?

બ્રહ્મા કહે : અસત્‍ય તો તમે બોલો છો મે ત્રણેય લોકનુંᅠ સર્જન કર્યુ છે, આથી તમારો પિતા હું છું.

આ પછી બ્રહ્માજી હંસ પર બેઠા અને વિષ્‍ણુજી ગરુડ પર બિરાજમાન થયા. બંન્ને વચ્‍ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધ જોઈને દેવો ત્રિશૂલધારી દેવોના દેવ મહાદેવ પાસે કૈલાસમાં દોડી ગયા.

ભગવાન શિવજીએ પુછ્‍યું : હેᅠ પુત્રો! મારા શાસનમાં દેવતાઓ અને જગત પોતપોતાના કર્મમાં વર્તે છે.હે દેવો મે બ્રહ્મા અને વિષ્‍ણુ વચ્‍ચેનું યુદ્ધ પહેલેથી જ ભાખેલુ છે ,તેથી તમને થયેલા દુઃખને પણ હું જાણું છું.

ત્‍યાર પછી મહાદેવે પોતાના સો ગણાધિશોને બ્રહ્મા વિષ્‍ણુ વચ્‍ચે જયા યુદ્ધ ખેલાઈ રહ્યું છે ત્‍યાં જવાની આજ્ઞા કરી.શિવજી પોતે પણ પોતાના પુત્રો અને શક્‍તિશાળી ગણો સાથે પ્રણવ જેવા આકારવાળા સુંદર રથમાં બિરાજયા અને પાર્વતી સાથે યુધ્‍ધ પ્રતિ પ્રણાય કર્યુ.અને અદ્રશ્‍યપણે યુદ્ધ નિહાળવા લાગ્‍યા.

જગતનો પ્રલય થતો નિહાળીને કરુણાનિધાન શિવજીએ અગ્નીસ્‍થંભનો આકાર ધારણ કર્યો અને ઉભય પક્ષની વચ્‍ચે નિષ્‍કલ સ્‍વરૂપે ઉભા રહ્યા.બંન્ને દેવો અન્‍યોન્‍ય પૂછવા લાગ્‍યા : આ અદભૂત આકાર શું છે? આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્‍યા છે,તે જાણવુ પણ મુશ્‍કેલ છે.ᅠ

: આલેખન :

હેમેન ભટ્ટ

રાજકોટ

મો. ૯૪૨૬૯ ૦૭૫૯૯

(9:55 AM IST)