News of Monday, 2nd September 2024
રોજના માત્ર ૮ કોળિયા આરોગીને ચાંદ્રાયણઃ ૧૩ વર્ષના કુશ ચંદારણાના અનેરા ઉપવાસ

રાજકોટ તા. રઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના ધો. ૭ના ૧૩ વર્ષના વિદ્યાર્થી ચિ. કુશ હાર્દિકભાઇ ચંદારાણાએ ઇશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા અને સંતોની પ્રેરણાથી સ્વયંની ઇચ્છાથી શ્રાવણ માસમાં કઠોર ઉપવાસ કરી પારણા કર્યા છે તેણે સતત ૩૦ દિવસ સુધી રોજના માત્ર ૮ કોળિયા ખોરાક લીધેલ. આ પ્રકારના ચાંદ્રાયણથી તે સ્ફુર્તિ અનુભવી રહ્યાનું તેનું કહેવું છે.
આહીર ચોક પાસેની અમરનાથ સોસાયટીમાં રહેતા કુશના પપ્પા હાર્દિકભાઇ ચંદારાણા ખાનગી મોલમાં નોકરી કરે છે. પોતે તેમજ પપ્પા હાર્દિકભાઇ, મમ્મી બીનાબેન અને નાની બહેને આખો મહિનો ચાંદ્રાયણ કરેલ છે. વ્રત, જપ, તપમાં આસ્થા ધરાવતા ભાવિકો માટે ચંદારાણા પરિવાર પ્રેરણારૂપ છે. સંતોએ પરિવારની પ્રશંસા કરી છે.
ચાંદ્રાયણનું મહત્વ દર્શાવતા સ્વામિનારાયણ ગુરૂકુલના સુરત સ્થિત શ્રી પ્રભુસ્વામી કહે છે,
ચાંદ્રાયણના દંડ, કીડી,જવ, ઋળષિ વગેરે લગભગ ૧૧ જેટલા પ્રકારો છે . ચાંદ્રાયણના નામ પણ ચંદ્રના અયન અર્થાત ચંદ્રની ગતિના આધારે નામ પડેલું છે . જેમ કે એક મહિનાના ૩૦ દિવસ . તેમાં એકમથી પૂનમ સુધી અને પૂનમ થી અમાસ સુધી એ બધા દિવસોના આંકડાઓનો સરવાળો કરીએ તો ૨૪૦ થાય . ચાંદ્રાયણના વિવિધ પ્રકારમાં એક પ્રકાર જવ ચાંદ્રાયણ છે. તેમાં ૫ડવા - એકમના દિવસે એક કોળીયો અને બીજને દિવસે બે એ રીતે ત્રીજના દિવસે ત્રણ કોળીયા જમવાના . એમ ચંદ્રની જેમ કળા વધતી જાય અને પૂનમે પૂર્ણ ચંદ્ર હોય એમ પુનમને દિવસે ૧૫ કોળીયા લેવાના . વદ પક્ષમાં પછી ચંદ્રની કળાઓ જેમ ઘટતી જાય એમ કોળિયા પણ ઘટતા જાય.
તેવી રીતે દંડ ચાંદ્રાયણ હોય તો રોજ ના આઠ કોળીયા હોય એનો સરવાળો પણ મહિનામાં ૨૪૦ કોળિયા થાય છે . શિશુ ચાંદ્રાયણમાં પણ સવારે ૪ અને સાંજે ૪ કોળીયા લેવાના હોય. એનો સરવાળો પણ મહિનામાં ૨૪૦ થાય. એ રીતે ચાંદ્રાયાણનું ચંદ્રની ગતિના આધારે નામ પડેલું છે .
૨૦૦ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ વખતે પણ સંતો ચાંદ્રાયણ કરતા . પછી પણ સંતો અને હરિભક્તો ઘણા કરતા હોય છે . આજે પણ રાજકોટ ગુરુકુળ સંસ્થાના પરિવારમાં પણ આ વ્રત સંતો હરિભક્તો મહિલાઓ દેશ-વિદેશમાં ભગવાનને રાજી કરવા માટે કરતા હોય છે.
જેનાથી ભગવાન તો રાજી થાય છે સાથે સાથે મનની મજબૂતાઈ પણ વધે છે અને શારીરિક સુખાકારી પણ એ સહેજે મળે છે.
(12:13 PM IST)










