News of Monday, 2nd September 2024
પંચાયતનગરમાં શનિવારે થયેલી ૯ લાખની ચોરીનો ભેદ કલાકોમાં ખુલ્યોઃ રાજસ્થાનથી ત્રિપુટી હાથવેંતમાં
સીસીટીવીને આધારે એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, યુનિવર્સિટી પીઆઇ વસાવાની ટીમોને ગુનાહિત ઇતિહાસ ધરાવતાં રાજસ્થાની શખ્સો મજુરના સ્વાંગમાં રાજકોટ રહી રેકી કરી ચોરી કરતાં હતાં: ત્રણેને મુદ્દામાલ સાથે દબોચી લેવા તજવીજ

રાજકોટ તા. ૨: શહેરમાં શુક્ર અને શનિવારની મધરાતે પંચાયતનગરમાં રહેતાં વૃધ્ધ વેપારીના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો નાની તિજોરી સહિત ૯ લાખની મતાની ચોરી કરી ગયા હતાં. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-૨ અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજને આધારે પગેરૂ શોધતાં આ મકાનમાં ત્રાટકેલા ત્રણ તસ્કરો રાજસ્થાન પહોંચી ગયાની માહિતી મળતાં ટીમો ત્યાં પહોંચી છે. ત્રણેય તસ્કરોને મુદ્દામાલ સાથે સકંજામાંલેવા તજવીજ થઇ રહી છે. લાખોની ચોરીની ઘટનામાં કલાકોમાં સફળતા મળી ગઇ હતી. જો કે બીજી તરફ માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એડીબી હોટેલ પાછળ પાંચ બંગલોમાં ત્રાટકેલા ચડ્ડીધારી તસ્કરોની કોઇ કડી સાંપડી નથી.
યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા (ઉ.વ.૬૬) તથા તેમના પત્નિ ધાર્મિક કાર્ય માટે દસેક દિવસ બહારગામ હોઇ શનિવારે તેઓ ઘરે આવ્યા ત્યારે તાળા તૂટેલા દેખાતા ચોરી થયાની ખબર પડતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી, ક્રાઈમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ સહિતની ટીમો પહોંચી ગઇ હતી. મકાન માલિક કમલેશભાઈ મહેતા તેના પત્નિ સાથે તા. ૧૦ના રોજ મકાનને તાળાં મારી વલસાડના ધરમપુર ગામે ગુરૂના આશ્રમે ગયા હતાં. તે દરમિયાન તેના પાડોશીનો ફોન આવ્યો હતો અને મકાનમાં ચોરી થયાનું જણાવતા તેઓ રાજકોટ આવ્યા હતાં. તપાસ કરતા તસ્કરો કબાટમાં રાખેલી તિજોરી ઉઠાવી ગયા હતા જેમાં સોનાના દાગીના, મકાનના દસ્તાવેજો, વિદેશી ચલણ સહિત ૯ લાખની મતા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવા, પીઆઇ સી. એચ. જાદવની ટીમોએ સીસીટીવીને આધારે ત્રણ બુકાનીધારી તસ્કરોનું પગેરૂ શોધવા મથામણ કરતાં આ ઘરમાં ચોરી કરીને તસ્કરો અટીકા વિસ્તારમાં પહોંચ્યાની માહિતી મળતાં ત્યાં શંકાસ્પદ ઓરડીમાં ટીમો ત્રાટકી હતી. પણ અહિ રહેતાં ત્રણ રાજસ્થાની વતન ભાગી ગયાની માહિતી મળતાં એલસીબી ઝોન-૨, યુનિવર્સિટી ડી. સ્ટાફની ટીમો ત્યાં જવા રવાના થઇ હતી. સાંજ સુધીમાં તસ્કરો મુદ્દામાલ સાથે હાથમાં આવી જશે તેવું જાણવા મળ્યું છે. આ તસ્કરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ શક્યતા છે. રાજકોટમાં મજૂરના સ્વાંગમાં રહી રેકી કરી ચોરીને ઘટનાને અંજામ આપ્યાની શક્યતા છે. ત્રણેયને ઝડપી લઇ રાજકોટ લાવવામાં આવ્યા બાદ વધુ વિગતો જાહેર થશે.
(2:53 PM IST)










