<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

વામ્‍બે આવાસમાં વ્‍યાજખોરીથી ત્રાસી સોનુ વાળાએ ફિનાઇલ પીધું: વિજયપરી ગોસ્‍વામીની ધરપકડ

પત્‍નિની બિમારી માટે ૨૫ ટકા વ્‍યાજે ૨૦ હજાર લઇ પાંચ-પાંચ હજારના ચાર હપ્‍તા ચુકવ્‍યા બે હપ્‍તા ચુકાઇ જતાં પઠાણી ઉઘરાણીઃ યુવાન ગામ મુકી જુનાગઢ જતાં ત્‍યાં જઇને પણ ધમકી દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરાયાની ફરિયાદ તાલુકા પીઆઇ હરીપરા, પીએસઆઇ ઠાકોર અને ટીમે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટ તા. ૨: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટરમા નં. ૩૦માંબીજા માળે રહેતાં મુળ જુનાગઢના વતની સોનુભાઇ ચંદુભાઇ વાળા (ઉ.વ.૨૪) નામના યુવાને ૨૫ ટકા વ્‍યાજેથી લીધેલા ૨૦ હજાર રૂપિયા સામે દર મહિને પાંચ પાંચ હજાર લેખે ચાર હપ્‍તા ભર્યા બાદ વ્‍યાજ ભરવાની વ્‍યવસથા ન થતાં બે મહિના વ્‍યાજ ન ભરી શકતાં વ્‍યાજે નાણા આપનારા વ્‍જિયપરી નામના શખ્‍સે ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી પેનલ્‍ટી સાથે ૯૦ હજારની ઉઘરાણી કરી ધમકી આપતાં અને યુવાન જુનાગઢ માતા-પિતા પાસે જતો રહેતાં ત્‍યાં જઇને પણ ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં કંટાળીને સોનુભાઇ ફિનાઇલ પી જતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે સોનુભાઇ વાળાની ફરિયાદ પરથી વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટરમાં જ રહેતાં વિજયપરી ભીખુપરી ગોસ્‍વામી વિરૂધ્‍ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સોનુભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ફરિયાદમાં સોનુભાઈએ જણાવ્‍યું કે હું હરિપરના પાટિયા પાસે આવેલા કારખાનામાં મારા પત્‍નિ દિપાલી સાથે મળી સફાઈ કામ કરુ છું.  છ માસ પહેલાં મારા પત્‍નિ બિમાર પડતાં પડોશમાં જ રહેતાં વિજયપરી ગોસ્‍વામી પાસેથી  રૂપિયા ર૦ હજાર રપ ટકા લેખે વ્‍યાજે લીધા હતા. જેનો દર મહિને રૂપિયા પાંચ હજાર હપ્‍તો હું ભરતો હતો. ચાર હપ્‍તા ભર્યા બાદ મારી પાસે પૈસાની સગવડ નહીં થતાં બે મહિનાથી હપ્‍તા ભરી શકયો ન હતો. આ પછી આરોપી વિજયપરી મારા ઘરે આવ્‍યો હતો અને પઠાણી ઉઘરાણી કરી દસ દિવસમાં રૂપિયા ૯૦ હજાર પેનલ્‍ટી સાથે ચૂકવી દેવાનું કહ્યું હતું. અન્‍યથા બંને પગ તોડી, કપાવી નાખવાની ધમકી આપી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્‍યે પણ અપમાનિત કર્યો હતો.

વિજયપરી સતત ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હોઇ હું કંટાળીને જૂનાગઢ માતા-પિતાને ત્‍યાં જતો રહ્યો હતો. જો કે વિજયપરીને ખબર પડતાં તે જૂનાગઢ પણ આવ્‍યો હતો અને પઠાણી ઉઘરાણી કરી ફરીથી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કર્યો હતો. આ સમય દરમિયાન મારી પત્‍નિ રાજકોટ એકલી રહેતી હતી. તેની પાસે પણ અવાર-નવાર આરોપી જઈ પઠાણી ઉઘરાણી કરી, જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરતો હતો. આ પછી હું રાજકોટ આવતા પત્‍નિ સાથે વિજયપરીના ઘરે ગયો હતો અને  તેને ટૂંક સમયમાં પૈસા પરત કરી દેવાની આજીજી કરી હતી. આ વખતે વિજયપરીએ મારા પત્‍નિના નામની ચેકબુક બળજબરીથી પડાવી લીધી હતી. જેમાંથી ત્રણ કોરા ચેકમાં સહી પણ કરાવી લીધી હતી. તે વખતે  તેણે કહ્યું કે જો દસ દિવસમાં તમામ પૈસા પેનલ્‍ટી સાથે નહીં ચૂકવો તો જોયા જેવી થશે.

આ રીતે અવાર-નવાર ઘરે આવી વિજયપરી અન્‍ય લોકોની હાજરીમાં પણ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. મારાથી પૈસાની સગવડ નહીં થતાં ખૂબ જ ટેન્‍શનમાં આવી ગયો હતો. પરિણામે મેં આવાસના ર્પાકિંગ એરિયામાં ફિનાઈલ પી લીધું હતું. મારા પત્‍નિ જોઈ જતાં બોટલ છીનવી લીધી હતી ૧૦૮ બોલાવી મને સારવાર માટે લઇ ગઇ હતી. રજા અપાતાં મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં સોનુભાઇએ કહેતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી. ડી. ઠાકોર, કિરીટભાઇ રામાવત સહિતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

(2:34 PM IST)