News of Monday, 2nd September 2024
ઘુઘરાવાળાની રેંકડીએ છરી-પાઇપ ઉડયાઃ યુસુફભાઇની હત્યાનો પ્રયાસ, અલ્પેશભાઇ ઠાકરના પગમાં ફ્રેકચર
કોઠારીયા રોડ પર રાંદલ વિદ્યાલય પાસે ‘સંતોષ ઘૂઘરા'ની રેંકડીએ ‘ચટણી' બાબતે ‘અસંતોષ' થતાં બટાઝટી બોલી ગઇ : ઘુઘરા ખાવા આવેલા બાલા નામના શખ્સે ઘુઘરાવાળા સાથે ઝઘડો કરી ત્યાં ઉભેલા વિવેકાનંદનગરના દેવ અને ઉદય ઠાકર નામના બે ભાઇઓને કારણવગર ગાળો દીધીઃ આ બંને તેના પિતા અલ્પેશભાઇ ઠાકરને બોલાવી લાવ્યાઃ સામે બાલાએ પણ જંગલેશ્વરમાંથી મિત્રોને બોલાવ્યા બાદ એકબીજા પર તૂટી પડયા : ભક્તિનગર પોલીસે હત્યાની કોશિષ, હુમલાની સામ-સામી ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ પર રાંદલ વિદ્યાલય નજીક રવિવારે સાંજે ઘુઘરાવાળાની રેંકડીએ એક શખ્સે ઘુઘરાવાળા સાથે ચટણી નાખવા બાબતે ઝઘડો કરી ત્યાં ઉભેલા વિવેકાનંદનગરના બે ભાઇઓને કારણ વગર ગાળો દેતાં આ બંને ભાઇઓએ પોતાના પિતાને બોલાવતાં અને સામે બાલા નામના શખ્સે પણ પોતાના ચાર પાંચ મિત્રોને બોલાવતાં સામ સામે ગાળાગાળી થયા બાદ છરી, પાઇપ, પ્લાસ્ટીકના કેરેટથી મારામારી થતાં ધમાલ મચી ગઇ હતી. જેમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા મુસ્લિમ યુવાનને આડેધડ બે ભાઇઓ અને તેના પિતાએ છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય એક મુસ્લિમ યુવાનને કાન પર ઘા થતાં ચાલીસેક ટાંકા આવ્યા હતાં. સામા પક્ષે પણ એક હુમલાખોરને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે સામ સામે હત્યાની કોશિષ અને હુમલાની ફરિયાદ દાખલ કરી છે. જેમાં ભગવતીપરા શેરી નં. ૧૦માં રાધાકૃષ્ણ મંદિર પાછળ રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતા઼ અબ્દુલકાદીર કાસમભાઇ સિદાદ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી અલ્પેશ ઠાકર, તેના પુત્રો ઉદય ઠાકર અને દેવ ઠાકર વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે.
અબ્દુલકાદરીએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ભારમલ પેઢીમાં ફોરવ્હીલ ડ્રાઇવીગનું કામ કરુ છું. મારે સંતાનમાં એક પુત્ર છ વર્ષનો છે. રવિવારે સાંજે સાડા પાંચથી પોણા છ વચ્ચે હું અને મારો મિત્ર યુસુફ હરૂનભાઇ ગોગદરા બંને જસદણ ગયા બાદ ત્યાંથી જંગલેશ્વરમાં મારા મિત્ર નવાઝભાઇની દોસ્તી પાન નામની દૂકાન છે ત્યાં ગયા હતાં. ત્યાં મારો મિત્ર નિદાલ બ્લોચ પણ હતો. અમે વાતો કરી રહ્યા હતાં ત્યારે નિદાલને તેના મિત્ર નદીમ લીંગડીયાએ ફોન કરી કહેલુ કે તેને કોઠારીયા રોડ સંતોષ ઘુઘરા નામની રેંકડીએ માથાકુટ થઇ છે.
આથી હું, યુસુફ અને નિદાલ એમ ત્રણેય જણા કોઠારીયા રોડ ખુશી હોસ્પિટલ પાસે સંતોષ ઘુઘરાની રેકડી પાસે જતાં ત્યાં નદીમ અને તેનો મિત્ર અરમાન હાજર હતાં. અમે નદીમને ઝઘડા બાબતે પુછતાં તેણે કહેલું કે ઘુઘરાવાળા ભાઇએ અમને આ લોકો સાથે માથાકુટ કરનારાના નામ દેવ અને ઉદય છે તેના પિતા અલ્પેશભાઇ ઠાકર અહિ ઉભા છે તેની સાથે વાત કરી લો. તેમ કહી અમને અલ્પેશભાઇને મળાવતાં અમે ઝઘડા બાબતે તેમને પુછતાં અલ્પેશભાઇએ કહેલું કે મારા દિકરાઓ ઉદય અને દેવએ માથાકુટ કરી હતી, તે હમણા આવે છે. ત્યાં થોડીવારમાં બે શખ્સ આવ્યા હતાં. અલ્પેશભાઇએ આ બંને પોતાના દિકરા દેવ અને ઉદય હોવાનું કહેતાં અમે તેની સાથે વાત કરતાં હતાં ત્યારે બંને છોકરાએ ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢી યુસુફભાઇને જેમ ફાવે તેમ ઘા મારી દીધા હતાં. અમે ભાગવા જતાં હું પડી ગયો હતો. ત્યારે અલ્પેશભાઇએ છરીનો ઘા મારા ગળા પર કરતાં હું નમી જતાં ડાબા કાન પર ઇજા થઇ હતી.
બીજી તરફ ઉદય અને દેવ મારા મિત્ર યુસુફભાઇને છરીના ઘા મારતાં હોઇ તેને પેટ, ગળા, છાતીમાં ઇજાઓ થઇ હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં અલ્પેશભાઇ અને તેના બંને દિકરા ભાગી ગયા હતાં. મને પોલીસ સ્ટેશન નજીકની હોસ્પિટલમાં અને યુસુફભાઇને મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયેલ. બાદમાં મને પણ મધુરમ્માં લઇ ગયા હતાં. યુસુફભાઇને ગંભીર ઇજા હોઇ તેને ઓપરેશનમાં લઇ જવાયેલ. મને કાન પર છરી લાગી હોઇ ૪૦ ટાંકા લેવા પડયા હતાં. મારા મિત્ર નદીમ અને નદીમનો મિત્ર અરમાન સાંજે ઘૂઘરા ખાવા સંતોષ ઘૂઘરા નામની રેકડીએ ગયા ત્યારે ચટણી નાખવા બાબતે અલ્પેશભાઇ ઠાકર અને તેના પુત્રો દેવ તથા ઉદય સાથે બોલાચાલી થઇ હતી. એ પછી અમને ઝઘડાની જાણ થતાં હું, યુસુફભાઇ, નદીમ ત્યાં જતાં અમારા પર હુમલો કરી યુસુફભાઇને મારી નાખવાના ઇરાદે છરીના ઘા ઝીંકય હતાં. જ્યારે મને, નદીમ, અરમાનને પણ ઇજાઓ પહોંચી હતી.
સામા પક્ષે કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૪માં રહેતાં અને જમીન મકાન લે-વેંચનો ધંધો કરતાં અલ્પેશભાઇ કિશોરભાઇ ઠાકર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી બાલો અને તેની સાથેના ચારથી પાંચ અજાણ્યા સામે ગુનો દાખલ કરાયો છે.
અલ્પેશભાઇએ જણાવ્યું હતું કે સાંજે હું ઘરે હતો ત્યારે મારા દિકરા દેવ અને ઉદય ઘરે આવ્યા હતાં અને કહ્યું હતું કે અમારે સંતોષ ઘુઘરાની રેંકડીએ માથાકુટ થઇ છે. એક ભાઇએ અમને કારણવગર ગાળો દઇ ઝપાઝપી કરી છે. જેથી હું અને બંને દિકરા રાંદલ વિદ્યાલયના ખુણે સંતોષ ઘુઘરાની રેકડીએ જતાં ઘુઘરાવાળાએ કહેલુ કે બાલો નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. બાલો નજીકમાં જ .ભો હોઇ તેને બોલાવતાં તેની સાથે બીજા ચાર પાંચ જણા પણ આવ્યા હતાં. આ બધાએ અમને ગાળો દઇ છરીના ઘોદા મારી દેવા છે તેમ કહી છરી કાઢતાં ઝપાઝપી ગાળાગાળી થઇ હતી. જેમાં અજાણ્યા ચાર પાંચમાંથી કોઇએ પાઇપથી હુમલો કરી મને પગમાં ઘા મારી દીધા હતાં. તેમજ કેળાનું પ્લાસ્ટીકનું કેરેટ પડયું હોઇ તેનાથી પણ હુમલો કર્યો હતો.
ઝઘડો થયા બાદ આ બધા ભાગી ગયા હતાં. જેને હું જોયેથી ઓળખી શકુ છું. હુમલામાં મને પગમાં પાઇપના ઘા થયા હોઇ ગુંદાવાડી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં ખાનગી હોસ્પિટલમાં જતાં ડોક્ટરે પગના પંજામાં ફ્રેકચર યાનો અને સળીયો બેસાડવો પડશે તેમ કહેતાં ઓપરેશન કરાવ્યું હતું. અલ્પેશભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા દિકરાઓ ઉદય અને દેવ ઘૂઘરાવાળાની રેકડીએ હતાં ત્યારે બાલો અને અજાણ્યા ઘુઘરાવાળા સાથે ચટણી બાબતે બોલાચાલી કરતાં હોઇ મારા દિકરાઓને કારણ વગર ગાળો દેતાં તેણે મને જાણ કરતાં હું બંને દિકરાની સાથે ફરી ત્યાં જતાં બાલો અને અજાણ્યા શખ્સોએ અમારા પર હુમલો કર્યો હતો.
પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીઆઇ એસ. ડી. ગીલવા, પીએસઆઇ પી.એસ. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. કિશનભાઇ પાંભર સહિતે બંને ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હુમલામાં ગંભીર ઇજા પામેલા યુસુફભાઇ ગોગદા (ઉ.વ.૩૦) મેહુલનગર સુતા હનુમાન મંદિર નજીક રહે છે અને ભંગારનો ધંધો કરે છે. સંતાનમાં બે પુત્રી છે. તે સારવાર હેઠળ છે.
(3:15 PM IST)










