News of Monday, 2nd September 2024
મ્યુ.કમિશનરનું BRTS બસમાં સરપ્રાઇઝ ચેકીંગઃ બેદરકારી ખુલતા ૬ને નોટીસ
ગઇકાલે નાના મવા બસ સ્ટોપ પર ટીકીટ લઇ બસમાં જાત મુસાફરી કરી સુવિધાનું કર્યુ નિરીક્ષણઃ ટીકીટ મશીન બંધ તથા સીસીટીવી ન હોવાથી દેવાંગ દેસાઇ લાલઘૂમ

રાજકોટ તા. ૨: મનપા દ્વારા શહેરીજનો માટે સીટી તથા બીઆરટીએસ બસ રાજ માર્ગો ઉપર દોડી રહી છે. જેનું સંચાલન પ્રાઇવેટ પાર્ટીને સોંપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અવાર-નવાર ચેકીંગ હાથ ધરાતુ હોય છે ત્યારે આજે મ્યુ. કમિશ્નર પોતે ચેકીંગ માટે મેદાનમાં ઉતર્યા હતા.
મ્યુ.કમિશ્નર ડી.પી. દેસાઇ ગઇકાલે રવિવારે રજાના દિવસે સામાન્ય માણસની જેમ નાનામવા બસ સ્ટોપથી ટીકીટ ખરીદી બીઆરટીએસ બસમાં મુસાફરી કરી હતી. શ્રી દેસાઇ દ્વારા બસ સ્ટેન્ડ તથા બસનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ચેકીંગ દરમિયાન ટીકીટ મશીન સહિત ના સાધનો બંધ મળી આવ્યાની સાથે જ બસ માં સીસીટીવી કેમેરા ન હોવાથી મ્યુ. કમિશનર આકરા પાણીએ થઇ ને બેદરકારી બદલ ૬ સુપરવાઇઝરને નોટીસ આપી ખુલાસો પુછયો છે. મ્યુ. કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા સર પ્રાઇઝ ચેકીંગ કરવામાં આવતા તંત્રમાં અફડા-તફડી મચી ગઇ હતી જયારે શહેરીજનોએ ઉચ્ચ અધિકારીની કામગીરીને બીરદાવી આવી જ રીતે સરપ્રાઇઝ ચેકીંગ નિયમિત થતું રહે તેવી આશા સેવી રહ્યા છે.
(3:14 PM IST)










