News of Monday, 2nd September 2024
રાજકોટમાં વધુ એક મકાનમાં લાખોની ચોરી: લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રાજેશભાઇ સલાટના ઘરના મઢમાંથી ૮.૩૭ લાખના દાગીનાની ચોરી: થોરાળા પોલીસે તપાસ શરૂ કરી::ભુવાના મામાના દીકરા રવીએ ચોરીની કબૂલાત આપી

રાજકોટ: શહેરમાં તસ્કરોએ ઉપાડો લીધો છે. લાખોની ચોરીની વધુ એક ઘટના બની છે. થોરાળાની લાખાજી ઉદ્યોગનગર શેરી નમ્બર ૮માં સંતોષ પ્રોવિઝન સ્ટોર પાસે આવેલા સલાટ પરિવારના દાદાના મઢમાં ચોરી થઈ છે. આ મામલે ચુનારાવાડ -૮માં રહેતાં અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા રાજેશભાઇ બાબુભાઇ માલાણી (ઉ.વ.૪૫)એ પોલીસને જાણ કરતા થોરાળા પીઆઇ જી.એન.વાઘેલા, પીએસઆઇ એચ.ટી. ઝીંઝાળા સહિતે પહોંચી ફરિયાદ નોંધી હતી.
તસ્કરો તા.૦૧/૦૯/૨૦૨૪ના રાત્રીના ૧૦થી તા.૦૨/૦૯/૨૦૨૪ ના સવારના ૪/૦૦ દરમ્યાન ચોરી કરી ગયા હતાં.
ફરીયાદીના મકાનમાં તેમના પરીવાના દાદાનો મઢ હોઇ જે મઢમા તેમના દાદાની પીળી રાખેલ હોઇ જે પીળીમા રાખવામાં આવેલ સોનાના દાગીના (૧) સોનાના છતર નંગ-૦૨ જેનુ વજન આશરે સાડા છ તોલા કિ.રૂ.૪,૩૫,૫૦૦/- તથા (૨) સોનાના નાના મોટા હાર નંગ-૧૮ જેનુ વજન આશરે પાંચ તોલા કિ.રૂ. ૩,૩૫,૦૦૦/- તથા (૩) સોનાના કડા નંગ-૦૪ અને સોનાના ટીકા નંગ-૦૨ જેનુ વજન આશરે એક તોલા કિ.રૂ. ૬૭,૦૦૦ એમ કુલ રૂપીયા ૮,૩૭,૫૦૦ના દાગીનાની તસ્કરો ચોરી કરી જતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ફરિયાદી યુવાન સુરાપુરાના ભુવા એવા રાજેશભાઇ મામાના દિકરા વિશાલ રવિભાઈ સલાટને પકડ્યો છે. કેદારનાથ દર્શને જવું હોઈ ચોરી કર્યાની વિગતો ખુલી છે.
(8:17 PM IST)










