તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
જુનાગઢના ગણેશનગરમાં ગેસ લિકેજથી આગ ભભૂકીઃ વિજય કટારીયા, પત્નિ, પુત્ર અને પિતા દાઝી ગયા
૮ વર્ષના પુત્ર દત્તને દૂધ પીવું હોઇ વિજયભાઇ, પત્નિ મનિષાબેન રસોડામાં ગયાઃ લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ લિકેજ થઇને રસોડામાં ભરાયેલા ગેસને કારણે ભડકોઃ ઠારવા જતાં પિતા કાનજીભાઇ કટારીયા પણ દાઝ્યાઃ ચારેયને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: જુનાગઢમાં ગેસ લિકેજને કારણે રસોડામાં આગ ભભૂકતાં વૃધ્ધ વૃધ્ધ, તેમના પુત્ર, પુત્રવધુ અને પોૈત્ર દાઝી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રાતે યુવાન અને તેના પત્નિ આઠ વર્ષના પુત્રને દૂધ પીવુ હોઇ તેને લઇને રસોડામાં જતાં અને લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ ભડકો થયો હતો. દેકારો સાંભળી યુવાનના પિતા બીજા રૂમમાંથી દોડી જતાં તે પણ દાઝી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ જુનાગઢમાં ગણેશનગર વિસ્તારની કામદાર સોસાયટીમાં રહેતો વિજયભાઇ કાનજીભાઇ કટારીયા (ઉ.વ.૩૨) રાતે દસેક વાગ્યે તેના પુત્ર દત્ત (ઉ.વ.૮)ને દૂધ પીવુ હોઇ જેથી પોતાની પત્નિ મનિષાબેન (ઉ.વ.૨૭) અને પુત્ર દત્તને લઇ રસોડામાં ગયો હતો. તેણે રસોડાની લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતાં પતિ-પત્નિ બંને અને પુત્ર દાઝી ગયા હતાં.
દેકારો સાંભળી બીજા રૂમમાંથી વિજયભાઇના પિતા કાનજીભાઇ માવજીભાઇ કટારીયા (ઉ.વ.૬૦) રસોડામાં દોડી જતાં તે પણ આગની લપેટમાં આવી ગયા હતાં. ચારેયને પ્રથમ જુનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, બળુભા અને કાનાભાઇએ જુનાગઢ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
વિજયભાઇ કટારીયાએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે કદાચ બાટલમાંથી ગેસ લિક થઇને રૂમમાં ભરાઇ ગયો હતો. એ પછી મેં લાઇટ ચાલુ કરવા સ્વીચ દબાવતાં જ સ્પાર્ક થઇને ભડકો થયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. દાઝી ગયેલા વિજયભાઇ રીનોવેશનના કામ કરે છે. તેના પિતા કાનજીભાઇ છુટક ડ્રાઇવીંગ કરે છે. બનાવ ગેસ લિકેજને કારણે આગલ લાગવાથી જ બન્યાનું કહ્યું હતું
(12:19 PM IST)










