તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
નાકરાવાડી કચરાના પ્લાન્ટમાં મોબાઇલમાં વાત કરતાં જઇ રહેલા કમલેશભાઇનું હીટાચી મશીનની ઠોકરે મોત
મુળ દાહોદના યુવાન મજૂર તરીકે કામ કરી ત્યાંની ઓરડીમાં પરિવાર સાથે રહેતાં હતાં: ફાકી ખાવા નીકળ્યા ને કાળ ભેટયોઃ કુવાડવા પોલીસે ડ્રાઇવર વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૪: શહેરના કુવાડવા રોડ પર નાકરાવાડીમાં આવેલી મહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતાં મુળ દાહોદના યુવાનનું હીટાચીની ઠોકરે ચડી જતાં મૃત્યુ થયું હતું. આ યુવાન ત્યાંની મજૂરોની ઓરડીમાં પરિવાર સાથે રહેતો હતો. જમીને ફાકી-માવો લેવા નીકળ્યો ત્યારે ફોન પર વાત કરતો કરતો ચાલીને જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મુળ દાહોદના લીલર ગામનો વતની કમલેશભાઇ પ્રતાપભાઇ ભુરીયા (ઉ.વ.૩૯) તેના પત્નિ રાજુબેન, બે પુત્ર અને બે પુત્રી સહિતના પરિવારજનો સાથે નાકરાવાડીના ડમ્પીંગ પ્લાન્ટ ખાતે આવેલી મજૂરોની ઓરડીમાં ચારેક મહિનાથી રહેતો હતો અને પ્લાન્ટમાં મજૂરી કરતો હતો. સાંજે તે જમીને ફાકી લેવા માટે નીકળ્યો ત્યારે હીટાચી મશીનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો, બીજા મજુરો એકઠા થઇ ગયા હતાં. કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ. જી. સોલંકી સહિતે નાકરાવાડી પહોંચી મૃતક કમલેશભાઇના પત્નિ રાજુબેન ભુરીયાની ફરિયાદ પરથી કટારીયાવાળાના હીટાચી મશીન નંબર-૨ના ચાલક વિરૂધ્ધ બેફીકરાઇથી મશીન ચલાવી કમલેશભાઇને ઠોકરે લઇ મોત નીપજાવવાનો ગુનો નોંધ્યો હતો.
કમલેશભાઇ સાંજે ઓરડી પરથી ફાકી લેવા ગયા બાદ મોડે સુધી પાછા ન આવતાં પત્નિ, પુત્ર સહિતના શોધવા નીકળ્યા હતાં. તેમજ બનેવી પણ ત્યાં જ રહેતાં હોઇ તેમને ફોન કરીને તપાસ કરી હતી. દરમિયાન ખબર પડી હતી કે રૂમથી થોડે દૂર કોઇ વ્યક્તિ હીટાચી મશીનની ઠોકરે ચડી ગયું છે. આથી રાજુબેન સહિતના ત્યાં જતાં ટોળાની વચ્ચે જઇ તપાસ કરતાં તેમના પતિ કમલેશભાઇનું મશીનની ઠોકરે ચડતાં મૃત્યુ થયાની ખબર પડતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(12:26 PM IST)










