<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

બૂટલેગર હર્ષદ મહાજને અયોધ્‍યા ચોકમાં રહેતાં સાસુને ફોન કરી ખૂનની ધમકી દીધી

પોતાની પત્‍નિ માવતરે હોઇ તેની સાથે ફોનમાં ઝઘડો થતાં પત્‍નિએ ફોન કટ કરી નાંખતા સાસુ સરોજબેનને ગાળો દઇ ધમકાવ્‍યાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૪: શહેરના મોટા બુટલેગરોમાં નામ ધરાવતાં અને અનેક ગુનાઓમાં સામેલ હર્ષદ મહાજને અયોધ્‍યા ચોકમાં રહેતાં પોતાના સાસુને ફોન કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે સાસુની ફરિયાદ પરથી જમાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્‍યા ચોક ગોકુલ મથુરા પાછળ અલકનંદા એપાર્ટમેન્‍ટ પહેલો માળ ફલેટ નં. ૧૦૩માં રહેતાં સરોજબેન મનહરલાલ કોટક (ઉ.વ.૬૭)ની ફરિયાદ પરથી જમાઇ હર્ષદ ઉર્ફ મહાજન (રહે. ભવાની ચોક દેવપરા, લુહાર સમાજની વાડીની બાજુની શેરી) વિરૂધ્‍ધ ફોનમાં ગાળો દઇ મારી નાખવાનો ગુનો દાખલ કર્યો છે.

સરોજબેન કોટકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અલકનંદા એપાર્ટમેન્‍ટમાં પરિવાર સાથે રહુ છું. મારી સાથે મારી દિકરી હિરલબેન અને ભાણેજ જેનીશ પણ રહે છે. મંગળવારે તા. ૩ના રાતે સાડા નવેક વાગ્‍યે હું અને મારી દિકરી મેઘાબેન તથા હિરલબેન ઘરે હતાં ત્‍યારે દિકરી મેઘાબેનના ફોનમાં તેણીના પતિ હર્ષદનો ફોન આવ્‍યો હતો. એ બંને પતિ-પત્‍નિ વચ્‍ચે ફેમિલી મેટર ચાલતી હોઇ બંને વચ્‍ચે બોલાચાલી ઝઘડો થતાં મારી દિકરી મેઘાબેને ફોન કટ કરી નાખ્‍યો હતો અને ફરીથી ફોન આવતાં તે ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.

આ કારણે જમાઇ હર્ષદે મારા ફોનમાં ફોન કર્યો હતો અને જણાવ્‍યું હતું કે તારી દિકરી ફોન કેમ ઉપાડતી નથી? તેમ કહી મને બેફામ ગાળો દીધી હતી. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં હર્ષદે કહેલું કે તારી બીજી દિકરી અને જમાઇને હું મારવા જાઉ છું, તારા ઘરના સભ્‍યોને પણ હું મારી નાખીશ. તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

મેં ફોન કાપી નાખ્‍યો હતો અને દિકરીઓને લઇને પોલીસ સ્‍ટેશને પહોંચી હતી. તેમ વધુમાં સરોજબેને જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં હેડકોન્‍સ. વી. ડી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:53 PM IST)