તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
રાજકોટ જેતપુર વચ્ચેનો નેશનલ (હાઇ) ઉબડ-ખાબડ ‘વે'
અત્યંત બિસ્માર રસ્તાનો જાત અનુભવ અકિલા લાઇવ પર હજારો લોકોએ નિહાળ્યો પ્રતિભાવ આપ્યા : અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા અને જાણીતા પત્રકાર હિન્દી - અંગ્રેજી - ગુજરાતી ત્રણે ભાષામાં ટીવી ડીબેટ ઉપર ખૂબ જ જાણીતા હિમાંશુભાઈ ભાયાણીએ અકિલા લાઈવ દ્વારા આ રસ્તા પર જાત અનુભવ કરી લોકોને પડતી મુશ્કેલીઓનો ચિતાર દર્શાવ્યો, જીવંત ચર્ચા કરી... લોકો પણ તેમાં જોડાયા... : પાછલા પાંચ વર્ષમાં ૬૭ લાખ કરોડ રૂપિયાનું સરકારનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છે. એટલે કે અર્થતંત્રના ૨૧ ટકા હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકાર ખર્ચે છે. આ રોડ ઉપર માત્ર રેતી જ દેખાય છે એટલે કે લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ છે. કોઈ જાતની ક્વોલિટીનું કામ નથી. આગામી ૫ વર્ષમાં આ આંકડો ડબલ થવા જઇ રહ્યો છે : કરોડોનો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે તે નજરે નિહાળી શકાય છે. આ અબજો રૂપિયા ભ્રષ્ટાચારના નાણા ક્યાં જાય છે ? તે જ લોકોનો મોટો સવાલ છે. : ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીનું મંત્રાલય આ બાબતમાં જવાબદાર છે. અરે ચોક્કસ કહેવાનું મન થાય કે ગડકરી એ હદકરી.. : આમાં મરામતની વાત તો એક બાજુ પણ શું કરામત થઈ રહી છે તે જ લોકોના સમજની બહાર છે. તમામ પ્રકારનો ટેક્સ ઉઘરાવવા છતાં તંત્રની, સરકારની જવાબદારી ઝીરો છે. : રાજકોટ - જૂનાગઢ નેશનલ હાઈવે પર નહીં, જાણે કે રણમાં નીકળ્યા હોય એટલી ધૂળથી રસ્તાઓ ઘેરાઈ ગયા છે. ધૂળની ડમરીઓ, ખાડા અને અકસ્માતનું જોખમ. તમને નવાઇ લાગશે પણ ગોંડલ - વીરપુર વચ્ચે રસ્તા ઉપર ડામર દેખાતો જ નથી, માત્ર નદીઓના પટની રેતી દેખાય છે. : અકિલા લાઈવ દરમિયાન જ એક કારના માલિક રાજકોટના આશિષભાઈ સોનીની કારનું ટાયર : આ ભંગાર રસ્તાને હિસાબે ફાટી ગયું : ખર્ચો અને સમય બંને આ રસ્તાને હિસાબે લોકોના બરબાદ થઈ રહ્યા છે

રાજકોટ, તા. ૪ : તાજેતરના વરસાદ પછી રાજકોટ થી ગોંડલ અને જેતપુર સુધીના રસ્તાઓ ઉપર થી ડામર ગાયબ થઈ ગયો છે. હાલ અહીં સિક્સ લેનનું કામ ચાલે છે પણ આ નેશનલ હાઈવે નહીં પણ કોઈ ગામડાનો અંતરિયાળ રસ્તો હોય તેવી સ્થિતિ છે. ગઈકાલે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભાયાણીએ અકિલા લાઈવ દ્વારા આ રસ્તા પર જાત અનુભવ કરી લોકોને પડતી મુશ્કેલીઓનો ચિતાર દર્શાવ્યો હતો.
રાજકોટથી નીકળી અને જેતપુર પહોંચતા નેશનલ હાઇવે પર ૬૦ કિલોમીટરનો રસ્તો કાપતા એક કલાક જેટલો સમય થાય જયારે હાલની સ્થિતિ એવી છે કે રાજકોટ થી જેતપુર પહોંચતા જ દોઢથી બે કલાક જેટલો સમય લાગે છે. રસ્તા પરથી ડામર ગાયબ જ થઈ ગયો છે. ફક્ત માટી અને ધૂળના થર જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા વાહનોમાંથી ઊડતી ધૂળના ગોટામાં કાંઈ જ દેખાઈ નહીં એવી પરિસ્થિતિ છે અને અકસ્માત થવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે.
હિમાંશુભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે, પાછલા પાંચ વર્ષમાં ૬૭ લાખ કરોડ રૂપિયાનું સરકારનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છે. એટલે કે અર્થતંત્રના ૨૧ ટકા હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકાર ખર્ચે છે. આ રોડ ઉપર માત્ર રેતી જ દેખાય છે એટલે કે લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ છે. કોઈ જાતની ક્વોલિટીનું કામ નથી.
અકિલા લાઈવ દરમિયાન જ એક કારના માલિક રાજકોટના આશિષભાઈ સોનીની કારનું ટાયર આ ભંગાર રસ્તા અને હિસાબે ફાટી ગયું. ખર્ચો અને સમય બંને આ રસ્તાને હિસાબે લોકોના બરબાદ થઈ રહ્યા છે. કરોડોનો ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે તે નજરે નિહાળી શકાય છે. આ અબજો રૂપિયા ભ્રષ્ટાચારના ક્યાં જાય છે ? તે જ લોકોનો મોટો સવાલ છે.
ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીનું મંત્રાલય આ બાબતમાં જવાબદાર છે. અરે ચોક્કસ કહેવાનું મન થાય કે ગડકરી એ હદ કરી.. કેવી દશામાં આપણો દેશ ચાલી રહ્યો છે તે આ રસ્તા પરથી સ્પષ્ટ તરી આવે છે. પાંચ ૧૫ ઇંચ વરસાદમાં જો આ નેશનલ હાઈવે આ રીતે ધોવાઈ જતા હોય તો બીજે તો શું દશા હશે તેજ વિચારવું રહ્યું. માત્ર માનવસર્જિત ત્રાસને હિસાબે લોકો અનહદ હેરાન થઈ રહ્યા છે.
આ બેફામ ખરાબ રસ્તા સામે લોકો લાચાર છે ત્યારે સરકાર શું કરે છે? આના મંત્રાલય સામે, સેક્રેટરી સામે કોઈ જ કાર્યવાહી કેમ નથી થતી? જયારે વરસાદ પડે ત્યારે સરકાર કારણ આપી દે છે કે અભૂતપૂર્વ વરસાદની હિસાબે રસ્તા નું ધોવાણ થયું. પણ સમગ્ર દુનિયામાં વરસાદ પડે છે ત્યાં તો આટલી હદે કોઈ જ રસ્તાનું ધોવાણ થતું નથી. તો અહીં જ કેમ?
ગુજરાતના ૩૧,૦૦૦ કિલોમીટરના રસ્તાને તાકીદે રીપેર કરવાનો ઓર્ડર મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે. આમાં મરામતની વાત તો એક બાજુ પણ શું કરામત થઈ રહી છે તે જ લોકોના સમજની બહાર છે. રાજકોટ જેતપુર સુધીના નેશનલ હાઇવે કરતા કદાચ ગાડા માર્ગ આનાથી વધુ સારો હશે તેમ ચોક્કસ કહી શકાય.
રાજકોટથી ગોંડલ અને ગોંડલથી વિરપુર અને ત્યાર પછી જેતપુર સુધી પહોંચતા નાકે દમ આવી જાય અને કમરના મણકા ખસી જાય તેવા અતિ ભયંકર ડામર વગરના રસ્તાઓ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ હાઇવે નહીં જાણે કસાઈવે હોય તેમ અનેક લોકોના અકસ્માતો વારંવાર આજ હાઇવે ઉપર થયા છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
૬૭ લાખ કરોડનું બજેટ આગામી પાંચ વર્ષમાં ૧૪૩ કરોડ કરી દેવામાં આવે એ ક્યાં વાત ગઈ? ૪૦ ટકા સરકારની ભાગીદારી અને ૬૦ ટકા ખાનગી કંપનીઓની ભાગીદારી એટલે આ રસ્તાઓનું સરકાર ખાનગીકરણ કરી રહી છે. તમામ પ્રકારનો ટેક્સ ઉઘરાવવા છતાં સરકારની જવાબદારી ઝીરો છે. રોડ ટેક્સ ઉઘરાવવાનો ઇન્કમટેક્સ ઉઘરાવવાનો, સેલ્સ ટેકસ ઉઘરાવવાનો પણ જવાબદારી કોઈની નહિ.
આ નેશનલ હાઈવે ઉપર ખાડાઓનો સામ્રાજય છવાઈ ગયું છે. આ બિસ્માર રસ્તા ઉપર મસ મોટા ખાડાઓને લીધે અનેક વાહનોને નુકસાન થાય છે. ગોંડલ જેતપુર જુનાગઢ પોરબંદર સોમનાથ જવાનો આ મુખ્ય હાઇવે હોવાથી લાખો વાહનચાલકો દિવસના અહીંયાથી પસાર થતા હોય છે. ઘણી વખત ત્રણથી પાંચ કિલોમીટરનું અંતર પસાર કરતા એક એક કલાક જેટલો સમય પણ વિતી જાય છે. રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર નહીં જાણે રણમાં નીકળ્યા હોય એટલી ધૂળ થી રસ્તાઓ ઘેરાઈ ગયા છે. શું આજ પરિસ્થિતિ મૂંગા મોઢે સહન કરવાની? હવે વિચારવાનું લોકોએ છે.
રસ્તા ક્યાં ખરાબ છે? ટોલ ટેક્સ તો દેવો જ પડશે.. લૂંટો ભાઇ લૂંટો..
ખરાબ રસ્તાનો ટોલટેક્સ શેનો? હવે લોકોએ જ સંગઠીત થવું પડશે
akilanews.comના ફેસબુક પેઇજ ઉપર ગઇકાલે તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના સાંજે ઉપરોકત આખી ઘટના લાઇવ આપી છે
રાજકોટ, તા. ૪ : રાજકોટ જેતપુર નેશનલ હાઈ વે પર એકબાજુ ૧૨૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે જયારે બીજી બાજુ વરસાદને કારણે મોટાભાગનો રોડ ખાડા ખબડાવાળો તેમજ ધોવાઇ ગયો છે. જેથી રોડ પર ડામર રહ્યો જ નથી. ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે. રોડની આવી હાલતમાં પણ બે બે ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. રાજકોટ જેતપુર થી રાજકોટ પરત પહોંચતા ૧૮૦ રૂ. કારનો ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ શેનો લ્યો છો ભાઇ? સારા રસ્તાઓનો જ ને? પણ રસ્તા ક્યાં? અધિકારોઓ કહે છે આ રહ્યા રસ્તા ટેક્સ તો આપવો જ પડશે. લૂંટો ભાઇ લૂંટો.. પ્રજા બીચારી છે તેની લાચારીનો ફાયદો ઉઠાવો.
બે છાંટા વરસાદના પડે એટલે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવા, રોડ ધોવાય જવો તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તો ચાલુ વર્ષે તો સારો એવો વરસાદ પડયો એટલે રોડની હાલત કેવી થઈ ગઈ હોય તે તો રોડ પરથી પસાર થાય તેઓ રોડ ઝડપથી પૂરો થાય તેવી પ્રાર્થના કરતા હોય તેના પરથી ખ્યાલ આવે. રાજકોટ જેતપુર વચ્ચે નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ સિંગલ પટ્ટી રોડ પરથી જ થાય છે. એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય ત્યારે યાત્રાધામ વીરપુર પાસે તો રોડ વરસાદી પાણીમાં એટલો ધોવાઈ ગયો છે કે વારંવાર ત્રણ ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગે છે. જેમને લઈને કયારેક ક્યારેક તો વીરપુર શહેર અંદરથી વાહનોને ડાઈવર્ટ પણ કરાય છે. વીરપુર પાસે તો રોડ પર કાંકરી કાંકરી જ નજરે પડે છે અને જયાં નથી ધોવાયો ત્યાં ખાડાઓનું રાજ છે. આવા રોડ પરથી વાહન ચાલકો પસાર થાય ત્યારે રોડ ધૂળની ડમરીઓને કારણે આગલું વાહન પણ નજરે નથી પડતું જેથી અકસ્માતો થાય છે અને રોડ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની કમાન અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો, ડ્રાઇવરોની કમર ભાંગી જાય તે હદે ખાડાઓ આવે છે. આમ છતાં રાજકોટ થી જેતપુર વચ્ચે આવતા બબ્બે ટોલ પ્લાઝા મસમોટો ટોલટેક્સ વાહન ચાલકો પાસેથી વસુલે છે. જેથી વાહન ચાલકો આ રોડ પરનું કામ પૂરૂં થાય ત્યારબાદ અથવા તો સારા રોડની સગવડ આપ્યા બાદ જ ટોલટેક્સ વસૂલવાની માંગ કરી રહ્યા છે. હવે આ માટે તો લોકોએ જ સંગઠીત થવું પડશે તો જ કોઇ ઉકેલ આવે તેવું લાગે છે.
અકિલા લાઇવ દરમિયાન
શ્રોતાઓની કોમેન્ટ્સ...
* છતાંય વર્ષોથી ટોલ ટેક્સ ઉઘરાવે છે! કરોડોના ખર્ચે બનાવેલા કહેવાતા રોડ માત્ર ડામરની પાતળી ચાદર પાથરનાર કોન્ટ્રાકટરોને પકડી પકડીને જેલ ભેગા કરાસે તો જ આંખો ઉઘડશે. બધાયની મિલી ભગત છે. ટોલ ટેક્સના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરાવવી જોઈએ. પ્રજા મૌન છે. એટલે ભ્રષ્ટાચારીઓને લીલા લહેર છે. (બલરામ કારિયા)
* જયાં સુધી કોઈપણ ચુંટાયેલા પદાધિકારીઓ ની જવાબદારી નક્કી નહી થાય ત્યાં સુધી જ આ થવાનું છે. હરેક ગામ માં કમલમ ના કાર્યલય આજ ભ્રષ્ટ નાણાં થી જ બન્યા છે. (રાજીવ વછરાજાની)
* કાકા બધા મંત્રીશ્રીઓને ગાડીમાં મુસાફરી કરાવો હેલીકોપ્ટરની જગ્યાએ... (હરિશ દાસાણી)
* કાકા ગઈકાલે જેતપુર પહોંચતા બે કલાક લાગેલા. (પ્રાગજીભાઇ સાવલિયા)
* Worst government ever. લોકો અત્યાર સુધી ના આપ્યો હોય એટલા ટેક્સ આપે છે એને બદલામાં શું મળ્યું? (હેમલ ભટ્ટ)
* બધાંને ખાઈ લેવું છે. (સોનલ માકડિયા)
* ટોલ દેવાનુ બંધ કરો, રોડ બની જાય પછી લ્યો... કાનુની અધિકાર છે... (જીગર ભાલોડી)
* પહેલાં કમળ પછી ખમણ આનુ પરીણામ છે... (સુરેશ સભાયા)
* સાહેબ મે ટોલનાકામાં મૌખીક ફરિયાદ કરેલી...રસ્તા ખૂબ ખરાબ છે મને એવુ જણાવવામાં આવેલ કે જયાં જે ફરિયાદ કરવી હોય એ કરી લો.... કાંઈ થાય તેમ નથી... તો ટોલ શા માટે ઉઘરાવવામા આવે છે !! (એડવોકેટ અભિષેક એન. શુક્લ)
* નેશનલ હાઈવે નથી, સ્વર્ગ સિધાવા માટેનું દ્વાર છે. (રવિ દિલિપભાઇ જોશી)
(3:04 PM IST)










