<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

પરમાત્‍માથી પ્રભાવિત આત્‍મા ક્‍યારેય કોઈ ને પ્રભાવિત કરતો નથી અને કોઈ થી પ્રભાવિત થતો નથીઃ સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.નાં સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. નાં સાનિધ્‍યે શ્રી વણિક જૈન સંઘ કાલાવડમાં પર્યુષણ પર્વે સદગુરુદેવે ફરમાવેલ કે આત્‍મા શુદ્ધ બને છે ત્‍યારે સિદ્ધત્‍વ પ્રાપ્ત કરે છે. દરેક વ્‍યકિત ભવિષ્‍યનાં સિદ્ધ ભગવાન છે. આ વાત મનમાં સ્‍થિર થઈ જાય તો બધાનાં ગુણો જ દેખાય, દોષો દેખાય નહિ, પરિણામે દ્વેષ પણ ન થાય. પરમાત્‍મા એ કહેલ સામાયિક, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનો કર્યા પણ પરમાત્‍માની આજ્ઞા પ્રમાણે ન કર્યા. શાસ્ત્રનો અભ્‍યાસ કર્યો પરંતુ એ શબ્‍દનો ભીતરમાં સંસ્‍પર્શ ન થયો.  શુદ્ધ શ્રધ્‍ધા અને આત્‍મ ગુણોનાં અવલંબન વિના આ કાર્યો થયા માટે એ સાર્થક ન થયા.

સમર્પણ સાધક પાસે આવી ગયુ એટલે બીજું બધું પ્રભુ અને સદગુરુ કરી આપે. સાધનાનું ઊંડાણ ત્રણ રીતે આવે છે. આપણી સાધના આપણને નાની લાગે, આપણી સાધના પરમાત્‍મા દ્વારા પ્રમાણિત બને, આપણી સાધના ગુપ્ત રહે. પરમાત્‍માની વાણી હ્ર્‌દય સ્‍પર્શી બને ત્‍યારે સ્‍વાધ્‍યાયમાં ઊંડાણ આવે. મતલબ કે સાધના અને સ્‍વાધ્‍યાયમાં શુદ્ધ શ્રધ્‍ધા અને આત્‍મ ગુણોનાં અવલંબન થી ઊંડાણ આવશે. પરમાત્‍માથી પ્રભાવિત થયેલ વ્‍યકિતત્‍વને ન તો બીજાને પ્રભાવિત કરવાનો વિચાર આવે ન એ કોઈથી પ્રભાવિત થાય.

સાધકની જીવન શૈલીમાં મુખ્‍ય સ્‍વરૂપે ત્રણ બાબતો છે. જડ જગત પ્રત્‍યે એની પાસે જ્ઞાતા ભાવ છે, જેથી કોઈ સારો પદાર્થ સારો છે કે ખરાબ છે આવી વિચારણા દ્વારા રાગ કે દ્વેષ થાય નહિ. દરેક આત્‍મામાં રહેલ અનંત ગુણોને જોતા દરેક આત્‍મા પર મૈત્રીભાવ પ્રગટે છે, કોઈના દોષો દેખાતા નથી એથી સાધકની આંતરિક દશા જીવદ્વેષ આદિથી મલીન થતી નથી, સાક્ષીભાવ આદીનો ઉઘાડ થવાથી ભીતરી દશા પ્રસન્નતા સભર બને છે. સાધકનો દ્રષ્ટિકોણ મુખ્‍યત્‍વે ચાર રીતનો હોય. સર્વ પદાર્થોને સાધક જ્ઞાતા ભાવે જુએ છે. સર્વ પદાર્થોને અનંત ગુણોથી યુકત જુએ છે. કોઈ આત્‍મામાં રાગ દ્વેષ અહં ભાવ દેખાય તોય એ માને છે કે સાધક સદગુણોમાં સતત રમમાણ હોય છે.

(3:29 PM IST)