તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
પરમધામ સાધના સંકુલના આંગણે કાલે ભગવાન મહાવીર જન્મોત્સવ ઉજવાશે

રાજકોટઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આવતીકાલે તા.૫ને ગુરુવારે, સવારે ૮:૩૦ કલાકે, ૧૪ મહાસ્વપ્નોની વણઝાર સાથે મા ત્રિશલાએ અનુભવેલા ભગવાન મહાવીરના દિવ્ય સ્પંદનો અને તેમનો જન્મોત્સવ એક અનન્ય અનુભૂતિ સાથે ઉજવાશે.
જૈન દર્શનમાં પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે ભગવાનના જન્મ વાંચનનું એવમ તેમના જન્મ પહેલા માતાએ નિહાળેલા ૧૪ મહાસ્વપ્નોનું એક અનેરું મહત્વ દર્શાવવામાં આવેલ છે. દર વર્ષે થતા આવા શ્રેષ્ઠ અનુષ્ઠાનમાં કેટલાય ભાવિકો ૧૪ મહાસ્વપ્નોની ઉછામણી ગ્રહણ કરે છે અને પરમાત્મા પ્રત્યેની પોતાની ભક્તિ, શ્રદ્ધા અને ભાવોને વ્યક્ત કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમધામના આંગણે એક દિવ્યતા ભરેલા વાતાવરણમાં ક્ષત્રિયકુંડ નગરની રચના થશે, ભગવાનનો જન્મોત્સવ ઉત્સાહભેર ૧૪ મહાસ્વપ્નોની ઉછામણી સાથે ઉજવવામાં આવશે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે, જે ભગવાનના જન્મોત્સવમાં જોડાય છે તેનો ભવિષ્યમાં ભગવાનના પરિવારમાં જન્મ થાય છે અને માટે જ, આવતા ભવે પરમાત્માના પરિવારમાં જન્મ મળે એવા ભાવ સાથે આ અનન્ય અવસરે સર્વ ભાવિકોને પરમધામ સાધના સંકુલ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
(4:33 PM IST)










