News of Wednesday, 4th September 2024
મેંગો માર્કેટ ખાતેની કરોડોની જગ્યા અંગે થયેલ ફરિયાદમાં બિલ્ડર કમલેશ રામાણીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે
કાવત્રાના આરોપમાં કમલેશ રામાણી, ભુપત ભરવાડ, દીલીપ મકવાણાનું નામ ખુલતા રામાણી દ્વારા થયેલ કવોશીંગ પીટીશનમાં કોર્ટે સ્ટે આપ્યો

રાજકોટ તા.૪: અત્રે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેંગો માર્કેટ ખાતે આવેલી જમીનની તકરારમાં લૂંટની કલમો લગાડી ખોટી ફરીયાદ દાખલ કરી સહ આરોપી પાસેથી બળજબરી થી બીલ્ડર કમલેશ રામાણીનું નામ ખોલાવી કાવત્રાની કલમોનો ઉમેરો કરી કમલેશ રામાણીનું નામ ખોલાવતા બીલ્ડરે ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી કરતા ગુજરાત બાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે મનાઈ હુકમ આપેલ છે.
ઉપરોક્ત ગુનાના કામની ફરીયાદ મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયાના ઓએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલ અને ફરીયાદની વિગતમાં જણાવેલ કે, રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટ પાસે આવેલ રેવન્યુ સર્વે નં. ૩૦, ૧ અને ૨ ની જમીન કે જે કરોડો રૂપીયાની છે તે જમીન ફરીયાદી તથા તેના ભાગીદારોએ જમીનના મુળ માલીક દીલીપભાઈ કરશનભાઈ મકવાણા પાસેથી અવેજ આપી સાટાખત કરાવી ખરીદ કરેલ હતું.
ઉપરોકત જમીન માં ફરીવાદી ને સી સી ટીવી કેમેરા કીમત રૂા.૧૮,૦૦૦/- ના રાખેલ હતા અને આ કેમેરા તા. ૨૪/૭/ર૪ ના રોજ મયુર રૂપારેલીયા તથા અન્ય બે ઈસમો તેમના ચોકીદારને માર મારી લૂંટ કરી ગયાની હકિકત જણાવેલ. ઉપરોકત ફરીયાદના અનુસંધાને આરોપી મયુર રૂપારેલીયાની ધરપકડ કરેલ અને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરેલ અને ઉપરોકત કેમેરા બીલ્ડર કમલેશ રામાણીની ઓફીસમાંથી કબ્જે કરેલ અને રીમાન્ડ પુરી થયે આરોપી મયુરને કોર્ટમાં રજુ કરેલ અને તે વખતે આરોપી મયુરે તેમના વકીલ મારફત અદાલતમાં એક લેખીત ફરીયાદ આપેલ અને જણાવેલ કે, પોલીસે બળજબરીથી અને માર મારવાની ધમકી આપી બીલ્ડર કમલેશ રામાણી તથા ભુપત ભરવાડનું નામ લખી આપવાનુ જણાવેલ.
ઉપરોકત વીગતો આપતા પોલીસે કાવત્રાની કલમોનો ઉમેરો કરી જમીન માલીક દીલીપભાઈ મકવાણા, બીલ્ડર ક્રમેલેશ રામાણી, ભુપત ભરવાડ વીગેરેનું કાવત્રામાં સામેલ હોવાનો કેસ કરેલ હતો. ઉપરોકત વીગતે બીલ્ડર કમલેશ રામાણીનુ નામ ખુલતા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમી. પ્રોસી, કોડની કલમ - ૪૮૨ હેઠળ કોશીંગ પીટીશન કરેલ અને રજુઆત કરેલ કે, વાદગ્રસ્ત જમીન સાથે અમારે કોઈ લેવાદેવા નથી અમારૂ જમીનમાં કોઈ હીત નથી, જમીન માલીક તેમજ ફરીવાદી વચ્ચે સીવીલ મેટર ચાલુ છે અને લુંટની ખોટી ફરીયાદ લઈ જમીનનું સેટલમેન્ટ કરાવવા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈશ્રી દ્વારા પ્રયત્ન થઈ રહયા છે અને જે સબંધે રજુઆત તથા નીચેની કોર્ટમાં રજુ થયેલ પુરશીસ ગુજરાત હાઈકોટમાં રજૂ કરેલ.
વધુમાં અરજદારે દસ્તાવેજી પુરાવાઓ સાથે એવી રજુઆત કરેલ કે, અરજદારના કુટુંબીજનોના નામે વીરાણી સ્કુલનુ ટ્રસ્ટ ચાલુ છે તેમાં પી. આઈશ્રીના પુત્રએ કેન્ટીન બનાવવા માટે અરજી કરેલી જે અરજી નામંજુર કરેલી જેનો ખાર રાખી બી ડીવીઝન ના પી. આઈશ્રીએ બદલો લેવાની ભાવનાથી કાર્યવાહી કરી રહ્યા છે.
આ કેસમાં અગાઉ જમીન માલીક દીલીપભાઈ મકવાણાની અરજીમાં બી ડીવીઝન ની શંકાસ્પદ વર્તણુક જોતા તાત્કાલીક અસરથી પી.એસ.આઈશ્રી કે.ડી.મારૂની બીનસંવેદનશીલ જગ્યાએ ટ્રાન્સફર કરવાનો હુકમ કરેલ છે અને જમીનના માલીકની ધરપકડ સામે પણ મનાઈ હુકમ આપેલ છે,
ઉપરોકત હકિકત તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ગુજરાત હાઈકોટમાં એવુ અવલોકન કરવામાં આવેલ કે, નાનો ગુનો દાખલ કરી અને કરોડોની જગ્યાનું સેટલમેન્ટ કરવા પોલીસની કામગીરી હોય તેવુ જણાય છે તેવુ માનીને આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપવામાં આવેલ છે.
આ કામમાં આરોપી બીલ્ડર કમલેશ રામાણી વતી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટશ્રી નીરૂપમભાઈ નાણાવટી, આશીષભાઈ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષ એમ. શાહ, અશ્વીન ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીતેન્દ્ર ધુળકોટીયા, વીજય પટગીર, હર્ષીલ શાહ, ચીરાગ શાહ, તથા આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.
(4:21 PM IST)










