News of Wednesday, 4th September 2024
તરણેતરના મેળામાં શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ-રાજકોટની ટીમ દ્વારા નિઃશુલ્ક અન્નક્ષેત્ર ધમધમશે
સંસ્થાનો ર૮માં વર્ષમાં પ્રવેશઃ શુક્રવારે તુરી બારોટ સમાજની ટીમ રવાના થશેઃ પૂ.હરીબાપુ અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજીની વિશેષ ઉપસ્થિતિઃ ભજન-ભોજન-સંતવાણીના કાર્યક્રમ

રાજકોટઃ તરણેતરના મેળામાં હર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ તુરી બારોટ સમાજની ટીમ દ્વારા ભાવીકોને ભાવતા ભોજનીયા કરાવવામાં આવશે. શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ-રાજકોટનો ર૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે, અન્નક્ષેત્ર તા. ૬-૯ થી તા. ૮-૯ ત્રણ દિવસ નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવશે. શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ચોથ, તા.૭-૯ સવારે ૧૦ વાગ્યે વાંકાનેર સ્ટેટના રાજા અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ તેમજ આશીર્વચન આપવા રીયાપીરની જગ્યા ઘુમલીના પુજયશ્રી હરીબાપુ ખાસ હાજરી આપશે.
તરણેતર અન્નક્ષેત્રના સ્વપ્ન દ્રષ્ટા સ્વ. તેજાભાઇ રાજાભાઇ બારોટને શ્રધ્ધાંજલી આપવામાં આવશે તથા સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. દાતાઓ તથા આગેવાનોનું સન્માન કરવામાં આવશે.
તરણેતર અન્નક્ષેત્રના સાધન સામગ્રી સાથેના ટ્રકને આગેવાનો દ્વારા રવાના કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ તેજાભાઈ બારોટ સાથે સંસ્થાના મહામંત્રી ભવાનભાઈ ઉપ-પ્રમુખ પ્રભાતરાય બારોટ, સહ-મંત્રી પ્રભાતકુમાર બારોટ, ખજાનચી હરીલાલ બારોટ, ટ્રસ્ટીશ્રી માધાભાઈ બારોટ, રણધીરભાઈ બારોટ, દિલીપભાઈ બારોટ, સહકાર્યકર, રાજેશભાઈ, લાલાભાઈ, વિજયભાઈ, સચિનભાઈ ઘનશ્યામભાઈ, જયેશભાઈ જગદીશભાઈ, જયેશભાઈ ગોવિંદભાઈ, પરસોતમભાઈ લઘરભાઈ, વિનયભાઈ બારોટ, વનરાજભાઈ, નરેશભાઈ, નાગાજણભાઈ, પ્રફુલભાઈ, હિંમાશુભાઈ તથા સિધ્ધાર્થભાઈ વાળા ટ્રક સાથે ૫૦ થી વધુ કાર્યકરો અન્નક્ષેત્રમાં સેવા આપશે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં કાઠિયાવાડની લોક સંસ્કળતિની પ્રતિતિ થાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ તથા લોક સંસ્કળતિના દર્શનનો લ્હાવો લેવા દેશ-વિદેશથી ભાવિકો આવે છે. મેળામાં ત્રણ દિવસ નિઃશુલ્ક અન્નક્ષેત્ર દ્વારા ભજન-ભોજન સંતવાણીનો બહોળા પ્રમાણમાં ધર્મભકતો છેલ્લા સત્યાવીસ વર્ષથી લ્હાવો લે છે. આ વર્ષે પણ તરણેતર અન્નક્ષત્રના સ્થળે પધારવા ભાવિકોને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે. આ વર્ષે તરણેતરના મેળામાં ત્રણ દિવસ નામાંકીત કવિઓ, બારોટ સમાજના કલાકારો, લોકસહિત્યના કસ્બીઓ તથા દાતાઓનો સત્કાર કાર્યક્રમ જેમાં સમાજ શ્રેષ્ઠીઓનું શાલ, પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જગદીશભાઇ બારોટ, ભવાનભાઇ બારોટ, પ્રતાપભાઇ બારોટ, પ્રભાતકુમાર બારોટ, હરીલાલ બારોટ વિ. નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:21 PM IST)










