અટલ સરોવર પાસેની જમીનના નકલી માલિક બની મઢી ચોકના વેપારી સાથે ગઠીયાઓની ૧.૯૦ કરોડની ઠગાઇ
મુરલીધર ફરસાણવાળા ભૂપતભાઇ ઠુમ્મરે મિત્ર મારફત જમીન દલાલ મનિષ દ્વારા ૧ એકરના ૬ કરોડ લેખે સોદો કરી છ કટકે એક કરોડ નેવુ લાખ ચુકવ્યા હતાં: બાકીની રકમ દોઢ વર્ષમાં પુરી કરવાની હતીઃ મિત્રની ઓફિસે ઘંટેશ્વરના નરેન્દ્રસિંહ આવ્યા હોઇ તેને ઘુસાભાઇની જમીન ખરીદ્યાની વાત કરતાં તેણે સાટાખતમાં ફોટો જોતાં તે બીજા કોઇનો હોવાની ખબર પડી : મુળ બંગાવડીના હાલ રૈયા રોડ પર રહેતાં કહેવાતા જમીન દલાલ મનિષ દેત્રોજા, સરપદડના શૈલેષ, રવિ વાઘેલા અને જમીન માલિક બનનાર શખ્સ વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો : સરપદડના શૈલેષે જમીન માલિક ઘુસાભાઇ પોતાના મામા છે અને જમીન તેણે મનિષને વેંચી છે, પણ તેની પાસે રૂપિયા ખુટે છે, તમે લઇ લો...કહી સોદો કરાવ્યો હતો

રાજકોટ તા. ૬: પારકી જમીન બારોબાર ખોટુ નામ ધારણ કરીને વેંચી મારવાનું કોૈભાંડ ખુલ્યું છે. રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં મુરલીધર ફરસાણ નામે દૂકાન ચલાવતાં વેપારી સાથે ચાર ગઠીયાઓએ નવા દોઢસો રીંગ રોડ પર અટલ સરોવર પાસે આવેલી જમીનનો ૧ એકરના ૬ કરોડ લેખે ૩૦ કરોડમાં સોદો કરી ૧ કરોડ ૯૦ લાખની ઠગાઇ કરવામાં આવી છે. જમીનના મુળ માલિકને બદલે ડુપ્લીકેટ માલિક ઉભા કારી નોટરાઇઝ સાટાખત કરી આપ્યું હતું. દરમિયાન વેપારીએ પોતાના મિત્રની ઓફિસે આવેલા ઘંટેશ્વરના રહેવાસી સાથે પોતે અટલ સરોવર પાસે જમીન ખરીદી છે તેવી વાત કરતાં આ વ્યક્તિએ એ જમીન તો મારેય ખરીદવી છે પણ જમીન માલિક વેંચવા નથી ઇચ્છતા! તેવું કહેતાં વેપારીએ સાટાખતમાં જમીન માલિકનો જે ફોટો હતો તે ઘંટેશ્વરના રહેવાસીને બતાવતાં તેમણે આ વ્યક્તિ જમીનના માલિક જ નહિ હોવાનું કહેતાં કારસ્તાન ખુલ્યું હતું.
આ કોૈભાંડમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર-૨માં ‘ગોકુલ' ખાતે રહેતાં અને મઢી ચોકમાં મુરલીધર ફરસાણ નામે દુકાન ચલાવવાની સાથે જમીન મકાન લે વેંચનો ધંધો પણ કરતાં ભુપતભાઇ ગોવિદભાઇ ઠુમ્મર (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી હાલ રાજકોટ રહેતાં મુળ ટંકારા બંગાવડીના મનિષ કચરાભાઇ દેત્રોજા, પડધરી સરપદડના શૈલેષ, રવિ વાઘેલા અને ઘુસાભાઇ ઘેલાભાઇ સીતાપરાનું નામ ધારણ કરનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૧૨૦-બી, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ કાવત્રુ ઘડી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસેની જમીનનો ખોટી રીતે સોદો કરી ૧ કરોડ ૯૦ લાખની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.
ભુપતભાઇ ઠુમ્મરે ફરિયાદમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર-૨૦૨૩માં મારા મિત્ર ગાંધીગ્રામમાં રહેતાં દાઉદભાઇએ મને વાત કરેલી કે વેજાગામ ખાતે વેચાઉ જમીન છે, તમારે જોવી હોય તો હું તમને બોલાવું. મેં હા પાડતાં દાઉદભાઇએ કહેલુ કે મનીષભાઇ જે દલાલ છે તેણે આ જમીન જોઇ છે, જેથી મનિષભાઇને પણ બોલાવ્યા હતાં. બાદમાં અમે ત્રણેય જમીન જોવા વેજાગામ ગયા હતાં. પણ જમીન અમને મોંઘી પડતાં લેવાની ના પાડી હતી. ત્યારે મનિષભાઇએ કહેલુ કે બીજે વેચાઉ જમીન હશે તો હું તમને જાણ કરીશ, તેમ કહી તેણે મઢી ચોકમાં આવેલી મારી મુરલીધર ફરસાણ નામની દુકાનનું સરનામુ લીધુ હતું.
એકાદ અઠવાડીયા પછી સાંજે પાંચેક વાગ્યે મનિષભાઇ મારી દુકાને આવેલ અને કહેલું કે ઘંટેશ્વર પાસે પાંચ એકર જમીન છે, જે મારા મિત્ર શૈલેષભાઇના મામા ઘુસાભાઇ ઘેલાભાઇ સિતાપરાની છે. શૈલેષભાઇ મારફત આ જમીન મેં ૬ કરોડ (એક એકરના)માં લેવાનું નક્કી કર્યુ છે. મેં ટોકન પણ આપી દીધુ છે, પરંતુ હાલમાં મારાથી જમીન લઇ શકાય તેમ નથી, તમે આ જમીન રાખી લ્યો કહી ૮ કરોડ (એક એકરનો) ભાવ કહ્યો હતો. પણ મેં ૮ કરોડની ના પાડતાં તેણે તમને રાજી કરી દઇશ તેમ કહેલું. પછી બીજા દિવસે હું અને મનીષભાઇ આ જમીન જોવા ગયા હતાં. નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે આવેલી જગ્યા અમને બતાવાઇ હતી જે અમને ગમી હતી. મેં જમીન લેવાની હા પાડતાં અને કાગળો માંગતા મને ૭-૧૨ તથા ૮-અની ખરી નકલ આપી હતી. જેમાં જમીન માલિક તરીકે ઘુસાભાઇ ઘેલાભાઇ સિતાપરાનું નામ હતું.
ત્યારબાદ મને જમીન માલિક ઘુસાભાઇનું આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલી મનિષભાઇ મારી દુકાને આપવા આવ્યા હતાં. સાથે શૈલેષભાઇ પણ હતાં. શૈલેષભાઇએ આ જમીન મારા મામાની જ છે તેમ કહ્યું હતું અને મનિષભાઇને પણ મેં જ સોદો કરાવ્યો છે તેવી વાત કરી હતી. મારી દૂકાને જ સોદો નક્કી થયો હતો અને એક એકરના ૬ કરોડ લેખે ૩૦ કરોડમાં આ જમીન રાખવાનું નક્કી કર્યુ હતું. આ રકમ મારે તેને દોઢ વર્ષમાં આપી દેવાની હતી. જેથી મેં અઠવાડીયાનો સમય માંગ્યો હતો.
ત્યારબાદ અઠવાડીયા પછી ૧૩/૯/૨૩ના રોજ સાટાખત કરવા માટે મેં રાખેલા વકીલ જે. કે. તાળા જેમની ઓફિસ બાલાજી હોલની સામે મહાપુજાધામ ચોક ૧૫૦ રીંગ રોડ પર છે ત્યાં જવાનું નક્કી કર્યુ હતું. સાથે મારા જમાઇ પ્રિતેશભાઇ ગીરધરભાઇ ખુંટ અને અલ્કાપુરીમાં રહેતાં મારા મિત્ર મોહસીનભાઇ મોગલ પણ હતાં. અમે ત્રણેય અને સામા પક્ષે મનિષભાઇ, શૈલેષભાઇ, રવિ વાઘેલા અને જમીન માલિક ઘુસાભાઇ સિતાપરા ચારેય આવતાં ઘુસાભાઇએ નોટરાઇઝ સાટાખત કરી આપ્યું હતું. સાટાખતમાં આ જમીનનો સોદો ૫,૨૧,૩૫,૦૦૦ (પાંચ કરોડ એકવીસ લાખ પાંત્રીસ હજાર)માં નોંધાયો હતો તેમજ સુથી પેટે ૧ કરોડ ચુકવ્યાનો ઉલ્લેખ હતો. જેમાં ૫૦ લાખ રોકડા અને ૫૦ લાખનો ચેક આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ મનિષભાઇએ ચેક લેવાની ના પાડી રોકડા આપવાનું કહેતાં મેં ૩૦ લાખ રોકડા આપ્યા હતાં.
તેમજ ૧૦-૧૦ લાખના બે ચેક ૧૪/૯/૨૩ના ગાંધીગ્રામ શાખાની ધ કો ઓપરેટીવ બેંક ઓફ રાજકોટગના આપ્યા હતાં. બીજુ પેમેન્ટ ન આપુ ત્યાં સુધી આ ચેક રાખવાના હતાં. આ પછી અમે છુટા પડયા હતાં અને બીજા દિવસે ૨૦ લાખ મેં રૈયા રોડ પર ટ્રેનટરી ટાવરના મારા ઘરેથી શૈલેષભાઇ, મનિષભાઇ અને ઘુસાભાઇને આપ્યા હતાં. ત્યારે મારો મિત્ર મોહસીન પણ હાજર હતો. પંદરેક દિવસ પછી કોટેચા ચોક સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે ટ્વીન ટાવરમાં મારા મિત્ર મયુર રાદડીયાની ઓફિસ ખાતેથી મનિષ, શૈલેષ અને ઘુસાભાઇ તથા રવિ આવી બીજા ૫૦ લાખ લઇ ગયા હતાં. આ વખતે હું, મોહસીન અને મયુરભાઇ હાજર હતાં.
અઠવાડીયા પછી ફરી ટ્વીન ટાવર ખાતેથી ૫૦ લાખ, ત્યારબાદ વીસેક દિવસ પછી માલવીયા ચોક પ્રમુખ આર્કેડ ખાતે મિત્ર મોહસીનની ઓફિસેથી બીજા ૨૫ લાખ આ ચારેય જણા લઇ ગયા હતાં. તે પછી વીસ દિવસ બાદ મહિલા કોલેજ ચોકમાંથી ૧૫ લાખ લઇ ગયા હતાં. આ રીતે અમે છ કટકે કુલ રૂા. ૧,૯૦,૦૦૦,૦૦ (એક કરોડ નેવુ લાખ) રોકડેથી આપી દીધા હતાં. ત્યારબાદ મેં આપેલા બંને ચેક મને પાછા આપી દીધા હતાં. મારે બાકીનું પેમેન્ટ દોઢ વર્ષમાં પુરુ કરવાનું હતું.
આ પછી ચારેક મહિના બાદ સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે ટ્વિન ટાવરમાં મિત્ર મયુરભાઇ રાદડીયાની ઓફિસે હું બેઠો હતો ત્યારે ત્યાં ઘટેશ્વર એસઆરપી કેમ્પના નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા પણ બેઠા હતાં. તે અવાર-નવાર અહિ આવતાં હતાં. આથી મેં તેને કહેલું કે મેં અટલ સરોવર ઘંટેશ્વર નજીક ઘુસાભાઇ સિતાપરાની જમીન રાખી છે. જેથી તેણે કહેલું કે એ જમીન તો મારે પણ લેવાની હતી, પરંતુ ઘુસાભાઇ આ જમીન વેંચવાની ના પાડતાં હતાં, તમને ક્યારે વેંચી? આ સાંભળી મને શંકા ઉપજતાં હું ઘરેથી સાટાખત લાવ્યો હતો અને નરેન્દ્રસિંહને બતાવતાં તેણે સાટાખતમાં ઘુસાભાઇનો જે ફોટો હતો તે જોતાં જ કહેલુ કે આ ઘુસાભાઇ નથી. આ પછી હું અને મિત્ર મોહસીન ઘુસાભાઇનું સરનામુ પુછી તેમના ઘરે ઘંટેશ્વર જતાં ઘુસાભાઇ હાજર હતાં, સાટાખતમાં ફોટો તેમનો નહોતો!
બીજા દિવસે મેં મનિષને રૂબરૂ મળવા બોલાવતાં મનિષ, શૈલેષ અને રવિ તથા ઘુસાભાઇ બનીને આવેલો શખ્સ એમ ચારેય આવ્યા હતાં અને બાપા સિતારામ ચોક રૈયા રોડ પર મને મળ્યા હતાં. આ વખતે મારી સાથે મિત્ર મોહસીન પણ હતો. મેં આ લોકોને તમે મને ખોટી રીતે જમીન વેંચી છે તે કહેતાં મનિષે કહેલુ કે તમારા રૂપિયા એક મહિનામાં પાછા મળી જશે. ત્યારે ઘુસાભાઇ સાથે વાત કરવા જતાં મનિષે તેની સાથે વાત નથી કરવાની જે વાત હોય તે મારી સાથે કર, મારે બંગાવડીમાં જમીન છે, તે વેંચીને હું તને પૈસા આપી દઇશ અથવા જમીન તમારા ખાતે કરી દઇશ તેમ કહ્યું હતું. તેમજ બાકીના રૂપિયા શૈલેષ પોતાની જમીન વેંચીને આપી દેશે . આ પછી મેં મનિષ, શૈલેષ પાસે અવાર-નવાર રૂપિયા માંગ્યા હતાં. પણ બંનેએ આજ સુધી ૧ કરોડ ૯૦ લાખ મને આપ્યા નથી.
આ રીતે મનિષ દેત્રોજા, શૈલેષ સરપદડ અને રવિ વાઘેલા તથા ઘુસાભાઇ સિતાપરાનું નામ ધારણ કરીને આવેલા શખ્સે કાવત્રુ ઘડી મારી સાથે જમીનનો ખોટો સોદો કરી ઠગાઇ કરી હતી. પીઆઇ બી. ટી. અકબરી, હંસરાજભાઇ ઝાપડીયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએઅસાઇ એસ. એલ. ગોહિલે હાથ ધરી છે. જમીન માલિક બનીને આવેલો શખ્સ રિક્ષા હંકારતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે. પોલીસે તમામ આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.










