News of Friday, 6th September 2024
નમે તે સૌને ગમે.. જ્યારે ખમે તે પ્રભુ મહાવીરને ગમે

રાજકોટઃ સંવત્સરી - ક્ષમાના મહા પર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ દ્રષ્ટિગોચર થાય છે. ક્ષમાની આપ - લે કરવાથી પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. માત્ર જૈન ધર્મ જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે. ચાલ્સ ગ્રીસ વોકડ નામના ચિંતકે લખ્યુ કે એટલે કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે. ધ હીલીંગ હાર્ટ નામના પુસ્તકના લેખક નોર્મન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હ્રર્દય રોગના હુમલા આવે છે તેમજ અનેક રોગ આવે છે.એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડપ્રેસર ઓછા થયેલા.
એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે. મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી. ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે. ચીની ફિલસૂફે કહેલું તમે કોઈને માફ કરો ત્યારે તમારામાં એક નવી દિવ્ય ચેતના જાગે છે.નવી શકિત આવે છે. વેર રાખવું એ નબળો માણસ પુરવાર થવા જેવું છે,જયારે માફી આપવી તે બહાદુર માણસોનું કામ છે તેમ મહાત્મા ગાંધીજી કહેતાં.'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. ક્ષમા શકિતમાનને શોભે.
સ્પેનિશ કહેવત એ છે કે શ્રેષ્ઠ વેર એ છે કે જે કદી લેવાયું ન હોય.પ્રભુ મહાવીર કહે છે ક્ષમાથી પરીષહો ઉપર વિજય મેળવી શકાય છે. નમે તે સૌને ગમે...જયારે ખમે તે પ્રભુ મહાવીરને ગમે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(3:25 PM IST)










