<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજકોટ શહેર-જીલ્લાના ૯ લાખ રેશનીંગ કાર્ડ હોલ્ડરો માટે હવે E-KYC ફરજીયાતઃ ઝોનલ ઓફીસ જાઓ-આધારકાર્ડ આપો અંગુઠાનું નિશાન આપો

હાલ NFSA કાર્ડ હોલ્ડરોનું ૧૦૦ ટકા E-kyc છેઃ બાકીના BPL અંત્યોદય-APL-૧, APL-ર કાર્ડ હોલ્ડરોનું બાકી રાજકોટ પૂરવઠાએ ઓપરેશન પણ શરૂ કરી દીધું: બહુ લાંબુ ચાલશેઃ પુરવઠાની ઝોનલ કચેરીમાં બપોરે ૩ થી ૬નો દરરોજ ખાસ સ્લોટ... યોજાયેલ વીસીમાં દરેક DSO ને E-KYC ફરજીયાત ઝડપથી પૂર્ણ કરવા આદેશોઃ ૬ મહિના પછી સંભવતઃ કાર્ડ રદ્દ પણ થઇ શકેઃ નવું સ્માર્ટ કાર્ડ આવી રહ્યું છેઃ આ સ્માર્ટ કાર્ડ નહીં હોય તો કોઇપણ સરકારી યોજનાનો લાભ નહિં મળેઃ કાર્ડમાં જેટલા મેમ્બર તેટલાના આધારકાર્ડ-અંગુઠાના નિશાન આપવા પડશે...

રાજકોટ તા. ૬: રાજયના પુરવઠા ખાતાએ ધરખમ નિર્ણય લીધો છે. રાજકોટના પુરવઠાના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઇકાલે પુરવઠા ખાતાના સચિવશ્રી રાજકોટ સહિત રાજયભરના DSO  સાથે મહત્વની વીસી યોજાઇ હતી, અને તેમાં પુરવઠાએ શરૂ કરેલ ઇ-કેવાયસી યોજના તમામ પ્રકારના કાર્ડ હોલ્ડરો માટે ફરજીયાત હોવાનું અને આ યોજના ઝડપથી ફરજીયાત પૂર્ણ કરવા આદેશો કરાયાનું બહાર આવ્યું છે.

વિશ્વાસપાત્ર સૂત્રોના કહેવા મુજબ હાલ રાજકોટ શહેર-જીલ્લામાં NFSA કાર્ડ હોલ્ડરોનું ૧૦૦ ટકા ઇ-કેવાયસી છે, એટલે કે રેશનકાર્ડ-આધારકાર્ડનું સીડીંગ છે, અને તેને જ જથ્થો મળે છે, બાકીના બીપીએલ-અંત્યોદય-એપીલ-૧, એપીએલ-ર કાર્ડ હોલ્ડરોનું ઇ-કેવાયસી બાકી છે.

પુરવઠાએ તો આ ઓપરેશન શરૂ પણ કરી દીધું છે, દરેક ઝોનલ (૪ કચેરી) માં બપોરે ૩ થી ૬ નો સ્લોટ ઇ-કેવાયસી માટે રાખ્યો છે, એટલું જ નહીં રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે તો સૌરાષ્ટ્ર યુનિ., અન્ય ખાનગી યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમના વિદ્યાર્થીઓને-કોલેજના વિદ્યાર્થીઓને ઇ-કેવાયસી કરાવી લેવા અને પુરવઠાની ઝોનલ કચેરીમાં બપોરે ૩ થી ૬ આ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હોવાનું પણ જણાવી દીધું છે.

પુરવઠાના હાઇલેવલ અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આ ઇ-કેવાયસી યોજના લાંબી ચાલશે, ભલે ૪ થી ૬ મહિના થઇ જાય, પરંતુ જો, કોઇ ન કરાવે તો સંભવત તેમનું કાર્ડ રદ્દ થઇ પણ શકે છે, પરંતુ હાલ કાર્ડ રદ્દ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી, પરંતુ આવો કાર્ડ રદ કરવાનો નિર્ણય આવી પણ શકે, આથી તમામ પ્રકારના કાર્ડ હોલ્ડરો અને રેશનીંગ કાર્ડમાં રહેલા દરેક મેમ્બરોએ ઇ-કેવાયસી કરી લેવું જરૂરી છે, આમાં કોઇપણ કાર્ડ હોલ્ડરોએ ફોર્મ ભરવાનું નથી, માત્ર કચેરીએ જઇ આધાર કાર્ડ આપવાનું અને અંગૂઠાનું નિશાન આપવાનું રહેશે.

આ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઇ-કેવાયસી એટલા માટે ફરજીયાત કરાયું છે કે ભવિષ્યમાં પુરવઠા ખાતું, આખુ સ્માર્ટ કાર્ડ લાવી રહ્યું છે, અને જો આ સ્માર્ટ કાર્ડ નહીં હોય તો સરકારની કોઇપણ સરકારી યોજનાનો આર્થીક કે અન્ય કોઇ રીતે લાભ નહિં મળે, પુરવઠાએ ધરખમ નિર્ણય લીધો છે, અને અત્યંત આવકારદાયક છે.

છેલ્લે તા. ૬-૯-ર૦ર૪ના આખરી અહેવાલ-રીપોર્ટ મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૯ લાખ ૮૮ હજારથી વધુ કાર્ડ હોલ્ડરો છે, જેમાં કુલ સભ્ય ૩૭ લાખ ૭ર હજારથી વધુ થયા છે, જેમાં સંપૂર્ણ ઇ-કેવાયસી કાર્ડ થઇ ગયા હોય તેવા ૮૯૬૯૮ છે, બ્લોક કરાયેલ. કાર્ડ ૧૪૭૭ છે, પેન્ડીંગ કાર્ડ ૮ લાખ ૯૮ હજાર છે, અને તેમાં કાર્ડ મેમ્બર ૩પ લાખ ૩૩ હજારથી વધુ છે, આથી આ ઇ-કેવાયસી પ્રોજેકટ સંપૂર્ણ થતા ઘણો સમય નીકળી જશે તે પણ હકીકત છે

(3:40 PM IST)