News of Saturday, 7th September 2024
‘લાઇવ રાજકોટ રેડીયો'ને ફરી બેસ્ટ ચેનલનો એવોર્ડ
ઓલ્ડ લિસ્નર્સ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા દર ત્રણ વર્ષે દેશભરના શ્રોતાઓનો સર્વે કરીને આ એવોર્ડ એનાયત કરાય છે : દિનેશ બાલાસરાની મહેનત ઉગી નીકળી : ચોમેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૭ : ફેસબુક ઉપર છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલ ‘લાઇવ રાજકોટ રેડિયો' ચેનલને ઓલ્ડ લિસ્નર્સ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા બેસ્ટ ચેનલનો એવોર્ડ એનાયત કરાયો છે. ઓલ્ડ લિસ્નર્સ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતનાં દરેક રાજયોનાં શ્રોતાઓમાં સર્વે કરીને દર ત્રણ વર્ષે ૨૦ ઓગસ્ટ (શ્રોતા દિવસ) ના આ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ માં પણ લાઇવ રાજકોટ રેડિયોને બેસ્ટ ચેનલ એવોર્ડ મળ્યો હતો.
રાજકોટના પ્રતિભાશાળી કલાકાર દિનેશ બાલાસરા દ્વારા કોરોનાકાળમાં શરૂ કરવામાં આવેલ આ ચેનલને શ્રોતાઓનો સારો પ્રતિસાદ સાંપડતા રેગ્યુલર ચેનલ તરીકે વિકસાવવામાં આવી હતી. લગભગ ૧૨૦૦ થી વધુ લોકો, સીનીયર સીટીઝનો નિયમિત આ ચેનલનો લાભ લ્યે છે. તેમ શ્રી બાલાસર જણાવે છે. આ ચેનલ ઉપર અઠવાડીયામાં ત્રણ વખત શ્રોતા મિત્રોના પત્ર દ્વારા મળેલ ફરમાઇશ અને એક વખત વોટસએપ દ્વારા મળેલ ફરમાઇશી ગીતો રજુ કરવામાં આવે છે.
આ ચેનલે અત્યાર સુધીમાં છતીસગઢ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજયોમાં જઇને ત્યાંના સ્થાનિક શ્રોતામિત્રોને સાથે રાખીને કાર્યક્રમો રજુ કરાયા છે. આગામી વર્ષોમાં ઉત્તરપ્રદેશ, હરીયાણા, ઉતરાખંડ અને નેપાળના શ્રોતાઓની સાથે ત્યાંથી કાર્યક્રમ રજુ કરવાની પણ યોજના છે.
આકાશવાણી શૈલી ધરાવતી આ ચેનલ રંગીલા રાજકોટના નામ ઉપરથી ચાલે છે. ફેસબુક રેડિયો ચેનલને ગુજરાનાં લોકો તો સાંભળે જ છે. ઉપરાંત સમગ્ર ભારતના લગભગ તમામ રાજયોમાં શ્રોતા ધરાવે છે. દર અઠવાડીયે સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ પાંચ દિવસ રાત્રે ૯ કલાકે આ ચેનલ પ્રસારીત થાય છે. જે ફેસબુક પેજ લાઇવ રાજકોટ રેડિયો ઉપર સાંભળી શકાય છે.
ચેનલના સંચાલક દિનેશ બાલાસરા (મો.૯૦૬૭૫ ૧૯૭૭૬)એ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મળી આ એવોર્ડ અંગેની ખુશી શેર કરી હતી. તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.
(3:08 PM IST)










