News of Sunday, 8th September 2024
રાજકોટમાં વચેટીયો ૧૦ લાખની લાંચમાં ઝડપાયોઃ લાંચ માંગનાર મુંબઇના પીઆઇને દબોચવા એસીબીની કાર્યવાહી
આઇટી એક્ટ, છેતરપીંડી, બોગસ દસ્તાવેજના ગુનામાં ધરપકડ-હેરાનગતિ નહિ કરવા બદલ લાંચ માંગી'તી પીઆઇ દિગંબર પાગરના રાજકોટ સહિત બીજા શહેરોમાં પણ વચેટીયાઓ હોવાની શક્યતાઃ એસીપીના ઇન્ચાર્જ મદદનીશ કે. એચ. ગોહિલના સુપરવીઝનમાં જામનગર એસીબીનું રાજકોટમાં વધુ એક વખત લાંચનું સફળ છટકુ

રાજકોટ તા. ૭: જામનગર એસીબીની ટૂકડીએ વધુ એક વખત રાજકોટમાં લાંચીયાઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામકના સુપરવીઝન હેઠળ રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પરથી મુંબઇ માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ દિગંબર એ પાગર વતી વચેટીયો અને કહેવાતો વકિલ એવો રાજકોટનો શખ્સ ૧૦ લાખની લાંચ લેવા આવતાં તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો. રાજકોટના એક રહેવાસીન માટુંગા પોલીસ તરફથી સાયબર ક્રાઇમના ગુના મામલે નોટીસ મોકલાઇ હતી. તેમાં ધરપકડ નહિ કરવાના, હેરાન નહિ કરવાના બદલામાં પીઆઇે આ લાંચ માંગી હતી અને રાજકોટ સ્થિત પોતાના વચેટીયાને મોકલ્યો હતો. તે ઝડપાઇ જતાં એસીબીની ટીમ હવે લાંચીયા પીઆઇને પકડવા મુંબઇ તરફ દોડી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ માટુંગા પોલીસ મથકમાં આઈટી એકટ, છેતરપીંડી અને બોગસ દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જેમાં માટુંગાના પીઆઈ દિગંબર પાગરે રાજકોટમાં રહેતા ફરિયાદીને નિવેદન નોંધાવવા માટે નોટિસ મોકલી હતી. ત્યાર પછી પીઆઈ પાગરના કહેવાથી રાજકોટમાં રહેતા તેના વચેટિયા મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલ પાસે રહેતાં જયમીન સાવલીયાએ ફરિયાદીનો સંપર્ક કરી કહ્યું કે તમને નોટિસ ઈશ્યુ કરનાર પીઆઈ પાગર મારા ઓળખીતા છે. ત્યાર બાદ તેણે ફરિયાદીનો પીઆઈ પાગર સાથે સંપર્ક કરાવતાં તેણે ધરપકડ અને હેરાનગતી નહીં કરવા બદલ રૂ.૧૦ લાખની લાંચ માંગી હતી.
તેમજ પીઆઇએ આ રકમ જયમીનને આપી દેવા સૂચના આપી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબી રાજકોટ વિભાગના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલનો સંપર્ક કરતાં એસીબી જામનગરના પીઆઈ આર.એન. વીરાણીને ટ્રેપ ગોઠવવાની સૂચના આપી હતી. નકકી થયા મુજબ જયમીન રેસકોર્સ રીંગ રોડ પર આવેલી એક ચાની હોટલે પહોંચ્યો હતો. જયાં તેણે ફરિયાદી પાસેથી રૂ. ૧૦ લાખની લાંચ લીધા બાદ પીઆઈ પાગરનો મોબાઈલથી સંપર્ક કરી રકમ મળી ગયાનું જણાવ્યું હતું. તે સાથે જ એસીબીની ટીમે ત્રાટકી જયમીનને દબોચી લીધો હતો.
આરોપી જયમીન એકાઉન્ટીંગ અને જીએસટીનું કામકાજ કરે છે અને પોતે વકિલ હોવાનું પણ કહે છે. મુંબઈ બેઠેલા અધિકારીનો રાજકોટમાં વચેટિયો નીકળતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતાં. એસીબીના સૂત્રોએ જણાવ્યું કે પીઆઈ પાગરની ધરપકડ કરવા એક ટીમ મુંબઈ મોકલવી કે પછી ત્યાંની પોલીસની મદદથી તેની અટકાયત કરવી તે અંગે કાર્યવાહી થશે.
મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના જણાવ્યા મુજબ માટુંગા સાયબર ફ્રોડ માટે કુખ્તાત ગણાય છે. માટુંગા પીઆઇએ છેક રાજકોટ બેઠેલા વચેટીયા મારફત દસ લાખની લાંચ મેળવી હતી. તેના અન્ય રાજ્યોમાં પણ આ રીતે વચેટીયા હોવાની શક્યતા છે.પીઆઇ પાગરની ધરપકડ બાદ વધુ વિગતો ખુલશે.
સાયબર ફ્રોડના કારણે બ્લોક થયેલા એકાઉન્ટ ખોલાવવાની જાહેરાતો જયમીન છપાવતો હતો
* એસીબીની ટીમે જેને માટુંગા પીઆઇ વતી દસ લાખની લાંચ લેતાં ઝડપી લીધો છે તે જયમીન સાવલીયા પોતાને એડવોકેટ ગણાવે છે. સાયબર ફ્રોડના કારણે જેના બેંક એકાઉન્ટ બંધ થયા હોય તે ખોલાવવા માટે પોતાનો સંપર્ક કરવો તે પ્રકારની જાહેરાત પણ તે છપાવતો હતો. આ જાહેરાત મારફત જ ભોગ બનેલા ફરિયાદીનો સંપર્ક જયમીન સાથે થયાની શક્યતા છે.
માટુંગા પીઆઇ સાથે જયમીન કેટલા સમયથી સંપર્કમાં? બીજા કોઇ શિકાર બન્યા કે કેમ?
* વચેટીયો જયમીન સાવલીયા અને મુંબઇ માટુંગા પોલીસ મથકના પીઆઇ દિગંબર પાગર કેટલા સમયથી એકબીજાના કોન્ટેક્ટમાં છે? આ પહેલા કોઇના શિકાર કર્યા છે કે કેમ? તે સહિતની વિગતો ઓકાવવા પોલીસ આરોપી જયમીનના રિમાન્ડ મેળવ્યા બાદ આગળ પુછતાછ કરશે.
(10:14 AM IST)










