તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 10th September 2024
પત્નિ સાથે પગપાળા જઇ રહેલા સંગ્રામભાઇનું ખભે રાખેલા દાતરડાથી ગળુ કપાઇ જતાં મોત
બાજુમાંથી પસાર થયેલી રિક્ષામાં દાતરડુ ફસાતાં રોડ પર લોહીના ફુવારા ઉડયા : આજી જીઆઇડીસી નજીક વિચીત્ર બનાવઃ પાંચ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં યુવરાજનગરના સાડમીયા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: શહેરના આજી જીઆઈડીસી વિસ્તારના આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ તરફના રસ્તા પર વિચીત્ર બનાવમાં એક પ્રોૈઢનું તેના જ દાતરડાથી ગળુ કપાઇ જતાં પત્નિની નજર સામેજ કમકમાટીભર્યુ મોત થયું હતું. બકરાનો ચારો કાપીને પ્રોૈઢ દાતરડાવાળી લાકડી પોતાના ખભે રાખીને પત્નિ સાથે ચાલીને ઘર તરફ જતાં હતાં ત્યારે એક રિક્ષા બાજુમાંથી નીકળતાં ખભા પરથી લાકડી નમીને તેમાં ફસાઇ જતાં રિક્ષા ચાલુ હોઇ ફસાયેલી લાકડી ખેંચાતા ગળામાં દાતરડુ આવી જતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં રહેતા સંગ્રામભાઈ (સાગર)ભાઇ) વેરસીભાઈ સાડમિયા (ઉ.વ.૫૧) નામના પ્રોૈઢ સાંજે તેમનાપત્નિ સાથે પગપાળા આજી જીઆઈડીસી વિસ્તારના અમુલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતી રિક્ષામાં સંગામભાઈએ ખંભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાઇને ખેંચાતા સંગ્રામભાઈનું ગળું તેના જ દાતરડાથી કપાઈ ગયું હતું. લોહીલુહાણ થઇ ઢળી પડતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે ચાલક રિક્ષા મુકીને ભાગી ગયો હતો.
બનાનવી જાણ થતાં થોરાળા પીઆઇ જી. એન. વાઘેલા, પીએસઆઇ પરમાર, ભરતસિંહ, દેવશીભાઇ સહિતના સ્ટાફે દોડી જઇ કાર્યવાહી કરી હતી. ઘટનાથી રોડ પર લોહીના ખાબોચીયા ભરાઇ જતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બનાવની જાણ થતાં મૃતકના સ્વજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતાં. મૃત્યુ પામનાર સંગ્રામભાઈ અને તેની પત્નિ બકરાનો ચારો લેવા માટે આજી વિસ્તારમાં ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક પ્રોૈઢને ચાર પુત્રી અને એક પુત્ર છે. પીએસઆઇ પરમાર તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં ઘટના સ્થળે કાળ બનેલી રિક્ષા, મૃતદેહ, લોકોનું ટોળુ અને ઇન્સેટમાં મૃતકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.
(11:05 AM IST)










