<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

આરકે યુનિવર્સિટીમા ભણતાં ગોંડલના છાત્રનું જુસબ ધારાગઢીના પુત્ર મુસ્‍તાક સહિતે પાંચે અપહરણ કરી ૧ાા લાખની ખંડણી માંગી

કૃણાલ વાઢેરના મિત્ર ધ્રુવીલનું બાઇક અગાઉ અન્‍ય છાત્ર સિબ્‍તેન હેરંજાના મિત્ર રેહાન સાથે અથડાયું ત્‍યારે કૃણાલ વચ્‍ચે પડતાં સિબ્‍તેન સાથે માથાકુટ થઇ હતીઃ કોલેજમાં અગાઉ ભણતા છાત્રો પણ મુસ્‍તાક સાથે ગુનાખોરીમાં સામેલ : કૃણાલ વાઢેર (ઉ.વ.૧૯)ને કોલેજ ખાતેથી મિત્ર પ્રિયાંશુસિંહ સમાધાનની વાત કરવા ટુવ્‍હીલરમાં બેસાડી ગઢકા રોડે બાલાજી હોસ્‍ટેલ સામેના પટમાં લઇ ગયોઃ ત્‍યાં લાફા મારી રૂપિયા મંગાયાઃ ગૂગલ પેથી ૨૦૦ રૂપિયા લઇ લીધાઃ ફરી કોલેજ પાસે લાવી નાણા માંગ્‍યાઃ છેલ્લે જંગલેશ્વરમાં લઇ જઇ ધમકાવી છોડી મુકાયોઃ તેની કારમાં પણ તોડફોડ કરી : જંગલેશ્વરમાં લઇ જઇ ગોગલ્‍સ પહેરાવી વિડીયો બનાવી કૃણાલ પાસે એવુ બોલાવડાવ્‍યું કે-મેં ઉછીના દોઢ લાખ લીધા છે, એ બે દિવસમાં પાછા આપી દઇશ! ત્‍યારબાદ અમુલ સર્કલ પાસે છોડી મુક્‍યો : આજીડેમ પોલીસે મુસ્‍તાક, વત્‍સલ વેકરીયા, મંગલ પરમાર, ગોૈતમ અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો : મુસ્‍તાકે ‘તું કેમ મારા છોકરાઓને બધી જગ્‍યાએ આડા પગે આવે છે?' કહી સાત આઠ લાફા મારી દીધા, પછી કહ્યું-સમાધાન પ્રેમથી જ થશે પણ એના માટે ૧ાા લાખ રૂપિયા તો આપવા જ પડશે!

રાજકોટ તા. ૧૦: શહેરના રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલી આરકે યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતાં ગોંડલના છાત્રના મિત્રને થોડા સમય પહેલા કોલેજના જ છાત્ર સાથે બાઇક અકસ્‍માત થયો હોઇ તે અંગે બોલાચાલી થઇ હોઇ આ બાબતનો ખાર રાખી જુસબ ધારાગઢીના છોકરા મુસ્‍તાક અને કોલેજમાં જ અગાઉ ભણતા બે છોકરા સહિત પાંચ જણાએ ગોંડલના છાત્રને કોલેજથી આગળ ગઢકા રોડે સમાધાનની વાત કરવા બોલાવ્‍યા બાદ મુસ્‍તાકે ‘તુ કેમ મારા છોકરોને આડે પગે આવે છે?' કહી આડેધડ લાફા મારતાં અને બાદમાં સમાધાન માટે ૧ાા લાખની ખંડણી માંગતા તેમજ ગૂગલ પેથી ૨૦૦ રૂપિયા લઇ લીધા બાદ વધુ પૈસા માંગી કોલેજ નજીક લાવી ત્‍યાંથી સ્‍કોર્પિયોમાં બેસાડી જંગલેશ્વર તરફ લઇ જઇ ફરી દોઢ લાખ માંગી ધમકાવી છેલ્લે અમુલ સર્કલ પાસે છોડી મુકતાં આ યુવાને ફરિયાદ નોંધાવી છે. ગોંડલનો આ વિદ્યાર્થી સેલ્‍ફથી કાર લાવ્‍યો હોઇ તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

ચર્ચા જગાવનારા આ બનાવ અંગે આજીડેમ પોલીસે ગોંડલના ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્‍કૂલ પાસે રામકૃષ્‍ણનગર-૩માં રહેતાં અને રાજકોટની આરકે યુનિવર્સિટીમાં બી.એસસી ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતાં કૃણાલ માનસિંગભાઇ વાઢેર (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી મુસ્‍તાક, વત્‍સલ જીતુભાઇ વેકરીયા, ગોૈતમ, મંગલ પરમાર અને એક અજાણ્‍યા સામે બીએનએસની કલમ ૧૪૦ (૩), ૩૦૮ (૩), ૩૦૮(૨), ૧૧૫ (૨), ૩૫૧ (૨), ૩૫૨, ૩૨૪ (૪), ૫૪ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કૃણાલ વાઢેરે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ત્રંબા પાસે આરકે યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરુ છું. સોમવારે બપોરે પોણા એકાદ વાગ્‍યે હું આરકે યુનિવર્સિટીના ગેઇટ પાસે ઉભો હતો ત્‍યારે મારી જ કોલેજમાં ભણતો પ્રિયાંશુસિ઼હ રાઠોડ એક્‍ટીવા લઇને આવ્‍યો હતો અને કહેલું કે આપણે સિબ્‍તેન હેરંજા સાથે તારુ સમાધાન કરી નાખીએ, એ લોકો તારી અર્ટીગા કાર પણ લઇ ગયા છે તેમ કહેતાં હું રાજીખુશીથી પ્રિયાંશુસિંહના એક્‍ટીવામાં બેસી ગયો હતો. તે મને કોલેજથી આગળ ગઢકા ગામ તરફ જતાં રોડ પર લઇ ગયો હતો. જ્‍યાં બાલાજી હોસ્‍ટેલના રોડની સામેની તરફ ખુલ્લી જગ્‍યામાં મને લઇ ગયેલ અને ત્‍યાં અમે ઉભા રહ્યા એટલામાં પાછળથી બે કાળા રંગની નંબર પ્‍લેટ વગરની સ્‍કોર્પિયો આવી હતી.

જેમાંથી મુસ્‍તાક તથા અગાઉ મારી કોલેજમાં ભણતો વત્‍સલ જીતુભાઇ વેકરીયા, ગોૈતમ અને અજાણ્‍યો શખસ ઉતર્યા હતાં. મુસ્‍તાકે મારી પાસે આવી કહેલું કે-તું કેમ મારા છોકરાઓને બધી જગ્‍યાએ આડા પગે આવે છે? જેથી મેં તેને કહેલું કે-હું ક્‍યાં આડા પગે આવુ છું? આ સાંભળી મુસ્‍તાક અને તેની સાથેના અજાણ્‍યાએ મને આડેધડ સાત આઠ ફડાકા મારી દીધા હતાં. એટલામાં પ્રિયાંશુસિંહ વચ્‍ચે પડેલ અને મને વધુ મારથી બચાવી સામાધાન કરવા આ લોકો સાથે વાત કરી હતી. આથી મુસ્‍તાકે કહેલુ કે સમાધાન તો કરવું છે પણ પહેલા તેને ગાડીમાં ેબેસવા દે તેમ કહી મને ધક્કો મારી પરાણે તેની સ્‍કોર્પિયોમાં આગળની સીટમાં બેસાડી દીધો હતો. મુસ્‍તાક ડ્રાઇવીંગ સીટ પર બેઠો હતો.

પાછળ ગોૈતમ અને તેની બાજુમાં વત્‍સલ વેકરીયા અને મારી પાછળની સીટમાં અજાણ્‍યો શખ્‍સ બેઠો હતો. મેં મુસ્‍તાકને સમાધાન કરી નાખો તેવુ કહેતાં તેણે મને પહેલા તો એવુ કહેલુ કે આપણે પ્રેમથી જ સમાધાન કરી લેવુ છે, પણ તારે એના માટે દોઢ લાખ રૂપિયા આપવા પડશે. સાથેના વત્‍સલ અને ગોૈતમે પણ કહેલુ કે સમાધાન કરવું હોય તો દોઢ લાખ તો આપવા જ પડશે. મેં તેને મારી પાસે આટલા રૂપિયા નથી તેમ જણાવતાં મુસ્‍તાકે ગાડી ચાલુ કરી ભગાવી હતી. જે અમારી કોલેજથી થોડે આગળ ઉભી રાખી હતી. ત્‍યાં બીજી સ્‍કોર્પિયો આવી હતી. તે સ્‍કોર્પિયોમાંથી પહેલા મારી કોલેજમાં ભણતો મંગલ પરમાર ઉતર્યો હતો.

મંગલ પણ બાદમાં હું જે સ્‍કોર્પિયોમાં હતો તેમાં પાછળ બેસી ગયો હતો. તેણે પણ મને સમાધાન માટે દોઢ લાખ રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી મારો મોબાઇલ ફોન લઇ લીધો હતો. જેમાંથી તેણે ગૂગલ પેથી રકમ પરાણે ટ્રાન્‍સફર કરાવી હતી. પણ તેમાં રૂા. ૨૦૦ જ હતાં તે પણ લઇ લીધા હતાં. એ પછી મંગલ પરમાર નીચે ઉતરી ગયો હતો અને પ્રિયાંશુ પરમાર પાછો બેસી ગયો હતો.

આ દરમિયાન મારી સાથે જ કોલેજમાં ભણતો મારા ફઇનો દિકરો ચીંતન નંદાભાઇ લાખત્રોણા અને મારો મિત્ર યશ અરવિંદભાઇ ખુંગલા મારી પાસે આવ્‍યા હતાં. આ વખતે મંગલ પરમારે તેને કહેલુ કે દોઢ લાખ રૂપિયા આપો નહિતર આને નીચે નહિ ઉતારીએ. જેથી મારા ફઇના દિકરા ચિંતને આટલા રૂપિયા મારી પાસે નથી તેમ કહેતાં મંગલ નીચે ઉતરી ગયેલો અને પ્રિયાંશુ પાછળ બેસી ગયો હતો. આ પછી મુસ્‍તાકે કહેલુ કે આને જંગલેશ્વર લઇ જાવ. આમ કહેતાં ગાડી ચાલુ કરી દેવાઇ હતી. રસ્‍તામાં મારા ફોનમાં મારા પિતાજીનો ફોન આવતાં  મુસ્‍તાકે મને ધમકી આપી હતી કે જો તું તારા પિતાને કંઇ કહીશ તો મારી નાખીશ. આ પછી મેં મારા પિતાને કોઇ વાત કરી નહોતી.

ત્‍યારબાદ મારા બનેવી જયદિપસિંહ ગીલુભા ચુડાસમાનો મને ફોન આવતાં મેં આ બનાવની બધી વાત તેમને કરી હતી. આ પછી મુસ્‍તાકે મારો ફોન ઝુંટવી લીધો હતો અને ગાડી જગલેશ્વર બાજુ જવા દીધી હતી. ત્‍યાં એક જગ્‍યાએ ગાડી રાખી મને ગોગલ્‍સ પહેરાવી મારો વિડીયો ઉતારી મારી પાસે એવુ બોલવડાવ્‍યું હતું કે-‘મેં દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા છે, જે હું બે દિવસમાં પાછા આપી દઇશ!' આ પછી મુસ્‍તાકે બપોરે બે વાગ્‍યા આસપાસ અમુલ સર્કલ પાસે મને તેની કારમાંથી ઉતારી મુક્‍યો હતો. અહિ મંગલ પરમાર ઉભો હતો તેણે મને હું સેલ્‍ફ ડ્રાઇવમાં ભાડેથી લાવ્‍યો હતો એ મારા હસ્‍તકની અર્ટીગા કાર જીજે૦૩એમએચ-૫૧૪૮ની ચાવી આપી દીધી હતી. મેં કારમાં જોતાં બોનેટ, ડિસ્‍પ્‍લે, ડેશબોર્ડમાં તોડફોડ કરી આશરે ૨૫ હજારનું નુકસાન કરાયાનું જણાયું હતું.

ત્‍યારબાદ હું ત્‍યાંથી કાર લઇ આરકે  યુનિવર્સિટી ખાતે ગયો હતો. જ્‍યાં મારા બનેવી, પિતા આવી ગયા હોઇ તેમને વાત કરી હતી. એ પછી અમે ફરિયાદ કરવા ગયા હતાં. સાતમ આઠમ પહેલા મારા મિત્ર ધ્રુવીલ પરમારનું બાઇક કોલેજમાં ભણતા સિબ્‍તેન હેરંજાના મિત્ર રેહાનના બાઇક સાથે સ્‍હેજ ભટકાયુ હતું. ત્‍યારે મારે રેહાન સાથે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી મુસ્‍તાક, વત્‍સલ, મંગલ, ગોૈતમ અને અજાણ્‍યાએ મારુ અપહરણ કરી માર મારી દોઢ લાખ માંગ્‍યા હતાં અને મારા હસ્‍તકની કારમાં તોડફોડ કરી હતી.

પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. એચ. આર. સોલંકીએ ગુનો નોંધતા પીએસઆઇ જે .આઇ. પરમાર, હારૂનભાઇ ચાનીયા, હરપાલભાઇ, મેરૂભા અને ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મુસ્‍તાક એ જુસબ ધારાગઢીનો પુત્ર છે અને કોલેજ આસપાસ પડયો રહે છે. તેની અને બીજા આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

(3:01 PM IST)