<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

સેન્‍ટ્રલ જેલમાં સેલોટેપના ત્રણ ‘દડા'ના ઘા આવ્‍યાઃ અંદરથી મોબાઇલ ફોન, ૩૫ તમાકુની પડીકી નીકળી!

લાંબા સમયથી શાંતિ હતી...ફરી અગાઉ જેવી ઘટના બનીઃ રૂખડીયાપરા, માઉન્‍ટેન લાઇન તરફથી ઘા થયા જેલના કયા કેદી માટે આ પ્રતિબંધીત ચીજવસ્‍તુઓ ફેંકવામાં આવીઃ એક્‍ટીવા પર આવેલા ભાગેલા બે શખ્‍સો કોણ?: ઇન્‍ચાર્જ જેલર અશોકસિંહ વાઢેરે ફરિયાદ નોંધાવતાં પ્ર.નગર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં કેદ બે શખ્‍સોને શોધી કાઢવા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૨: શહેરના પોપટપરા પાસે આવેલી સેન્‍ટ્રલ જેલમાં વધુ એક વખત બહારના રોડ પરથી સેલોટેપના દડાના ઘા થયા છે. એક્‍ટીવા પર આવેલા બે શખ્‍સો ભરબપોરે ત્રણ દડાના ઘા કરી ભાગી ગયા હતાં. આ દડાઓને જેલના અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવતાં અંદરથી બેટરી સિમકાર્ડ વગરનો મોબાઇલ ફોન અને પાંત્રીસ તમાકુની પડીકીઓ નીકળતાં ગુનો દાખલ કરાવાયો છે. આ મોબાઇલ અને તમાકુના દડા જેલના કયા કેદી માટે આવ્‍યા? દડા ફેંકી ભાગી જનારા કોણ? તે જાણવા સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આ બનાવમાં ઇન્‍ચાર્જ જેલર ગ્રુપ-૨ અશોકસિંહ જે. રાઠોડની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ જેલ અધિનિયમની કલમ ૪૨, ૪૩ (૧૨), ૪૫ (૧૨)એનએસ હેઠળ ગુનો નોંધ્‍યો છે.જેલર અશોકભાઇ રાઠોડે જણાવ્‍યું છે કે તા.૧૦/૯ના મારી ડયુટી જેલર તરીકેની હતી. સાંજે સાડા ચારેક વાગ્‍યે જનરલ સુબેદાર ધર્મેશભાઇ ડાભીએ રિપોર્ટ આપી જણાવ્‍યું હતું કે નવી જેલ-૨ યાર્ડ નં. ૩ના ફાટક પાસે તથા યાર્ડ નં. ૩૩ના ફાટકની અંદર અજાણ્‍યા શખ્‍સો દ્વારા રૂખડીયાપરા-માઉન્‍ટેન પોલીસ લાઇન તરફના રસ્‍તા પરથી ચીજવસ્‍તુઓના ઘા કરવામાં આવ્‍યા છે. આથી જેલના સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ ખાતે જઇ આ સ્‍થળોના સીસીટીવી કેમેરા ચેક કરતાં ૦૩:૫૬ કલાકે કાળા રંગના એક્‍ટીવા પર બે શખ્‍સ આવી જેલના બહારના ટાવર નં. ૨૦૨ના રોડ પરથી અને જેલ રસોડાની યાર્ડ પાછળના ભાગેથી કંઇક વસ્‍તુનો ઘા કરતાં દેખાયા હતાં.

 આ વસ્‍તુ તપાસતાં સેલોટેપ વીંટાળેલા કુલ ૦૩ દડા મળી આવ્‍યા હતાં. આ દડાને સિનીયર જેલર ટાંક તથા એ. કે. વાઢેરની હાજરીમાં ખોલવામાં આવતાં અંદરથી જેલ પ્રતિબંધિત વસ્‍તુ એવી બુધાલાલ તમાકુની ૩૫ પડીકીઓ મળી આવી તેમજ આઇટેલ કંપનીનો એક લાલ રંગનો બેટરી સીમકાર્ડ વગરનો સાદો મોબાઇલ ફોન મળી આવ્‍યો હતો. આ બધી જેલ પ્રતિબંધીત વસ્‍તુ હોઇ મુદ્દામાલ સાથે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવઇ છે. તેમ વધુમાં જેલર અશોકસ્‍ંિહ રાઠોડે જણાવતાં પીઆઇ બી. એમ. ઝણકાતની રાહબરીમાં ગુનો દાખલ  કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ જેલમાં આ રીતે અનેક વખત દડાના ઘા થયા હતાં અને તેમાંથી મોબાઇલ ફોન, તમાકુ, બીડી, મોબાઇલના ચાર્જર, બેટરી સહિતની ચીજવસ્‍તુઓ મળી હતી. લાંબા સમય પછી વધુ એક વખત આવી ઘટના બની છે. જેમાં બે શખ્‍સ મોબાઇલ ફોન અને તમાકુની પડીકીઓ સાથેના ત્રણ દડા જેલમાં ઘા કરી ગયા છે. સીસીટીવી ફૂટજને આધારે બંનેને શોધી કાઢવા તપાસનો ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે.

(4:12 PM IST)