News of Saturday, 14th September 2024
ગણપતિ પંડાલમાં ‘પી લે પી લે'...ગીત પર દેશી દારૂની પોટલી સાથે ડાન્સ કર્યોઃ ૪ પકડાયા
વાયરલ વિડીયોનો આધારે બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી અને ટીમની કાર્યવાહીઃ ચારેયએ માફી માંગી

રાજકોટઃ શહેરમાં આયોજિત ગણેશ પંડાલમાં દેશી દારૂની પોટલીઓ હાથમાં લઇ પી લે પી લે...ગીત પર ડાન્સ કરતા ચાર શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. દરમિયાન બી-ડિવીઝન પોલીસની ટીમને આ જાણવા મળ્યું હતું કે આ વિડીયો મોરબી રોડ જુના જકાતનાકા પાસેના ગણેશના પંડાલનો છે. તેના આધારે તપાસ કરી હાથમાં દારૂની પોટલી રાખી ડાન્સ કરનારા ચાર શખ્સો કિશોરભાઇ મધુભાઇ રીબડીયા (ઉ.વ.૪૫), સિંધાભાઇ વેલજીભાઇ થરેસા (ઉ.વ.૩૬), કાળુભાઇ વિરમભાઇ બાણોધરા (ઉ.વ.૪૫) અને રાજાભાઇ ઉર્ફે રાજુ મેરૂભાઇ ડાભી (ઉ.વ.૩૮) (રહે. ચારેય મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી)ને પકડી લીધા હતાં. ચારેયએ પુછતાછ કરતાં પોતાની ભુલ સ્વીકારી હતી અને માફી માંગી કહ્યું હતું કે હવે પછી કદી આવુ નહિ કરીએ. પીઆઇ એસ. એસ. રાણે અને પીએસઆઇ એ. બી. ચોૈધરી, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, મોહસીનખાન મલેક, લાલજીભાઇ હાડગડા, કોન્સ. રાજદિપભાઇ પટગીર, ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળી, વિશ્વજીતસિંહ ઝાલા અને પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી. તસ્વીરમાં પોટલી સાથે ડાન્સ કર્યો તે દ્રશ્ય અને પોલીસે પકડયા બાદ ચારેયએ માફી માંગી તે દ્રશ્ય જોઇ શકાય છે.
(2:51 PM IST)










