News of Sunday, 15th September 2024
ખેડૂતોને પાક નુક્સાનીનું વળતર ક્યારે મળશે?: રાજકોટમાં ઋષિકેશ પટેલે કહ્યું- 70 ટકા જેટલું સર્વેનું કામ પૂર્ણ
હવે બાકી રહેલા 30 ટકા જેટલા સર્વેનું કામ પૂરી થઈ જશે:રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજાએ રીતસરના ઘમરોળી નાંખ્યા હતા. આ ભાગોમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતોને વ્યપાક નુક્સાન થયું હતુ. જેના પગલે હાલ રાજ્યમાં સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજકોટ આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતોના વળતર અંગે મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંચાલિત પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ આવ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુક્સાન વિશે જણાવ્યું કે, અત્યારે સરકાર દ્વારા નુક્સાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 70 ટકા જેટલું સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બાકી રહેલા 30 ટકા જેટલા સર્વેનું કામ પૂરી થઈ જશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ હતી. જેથી રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 108 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જે પૈકી 6845 હેક્ટરમાં 33 ટકાથી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુક્સાન પહોંચ્યું છે. 57 જેટલી ટીમો દ્વારા કરવામાં આવેલી સર્વેની કામગીરીમાં અત્યાર સુધીમાં કપાસ, મરચાં, તુવેર, મગફળી સહિતના પાકમાં નુક્સાનની વિગતો મળી છે.
(12:13 AM IST)










