<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

બાઇક ચાલકને છરી બતાવીને ઝઘડો કરી રહેલા ટપોરીઓને ટપારતાં કિરણબેન સલાટને છરીના ઘા

ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રાત્રે બનાવઃ અજાણ્યા દેવીપૂજક શખ્સોએ હુમલો કરતાં પડખામાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૧૬: શહેરના ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રાત્રીના ઘર પાસે બેઠેલા મહિલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી પડખામાં છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તત્કાળ ઓપરેશન માટે લઇ જવાયા હતાં. સવારે ભાનમાં આવેલા મહિલાએ કહ્યું હતું કે કેટલાક દેવીપૂજક શખ્સો-ટપોરીઓ રસ્તે પરથી નીકળી રહેલા બાઇક ચાલકને અટકાવી પૈસા પડાવવાના ઇરાદે છરી બતાવી ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં પોતાના પર હુમલો થયો હતો.

જાણવા મળ્યા મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં કિરણબેન રાજશેભાઇ સલાટ (ઉ.વ.૪૨) રાતે દસેક વાગ્યે ઘર પાસે બેઠા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર મારી પડખામાં છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. દેકારો મચી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કિરણબેનને તેમના દિયર સહિતના લોકોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, કાનાભાઇ, બળુભા સહિતે થોરાળા પોલીસને જાણ કરી હતી.

કિરણબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેમના પતિ હયાત નથી. વિધવા સહાય અને કુટુંબીઓની મદદથી ગુજરાન ચલાવે છે. કિરણબેને જણાવ્યું હતું કે પોતે ઘર પાસે બેઠા હતાં ત્યારે અજાણ્યા દેવીપૂજકના શખ્સો ટપોરીવેળા કરતાં હતાં અને રસ્તેથી નીકળતાં બાઇકચાલકોને આંતરી છરી બતાવી પૈસા પડાવવા પ્રયાસ કરતાં હતાં. આથી તેમણે આ શખ્સોને આવુ ન કરવા સમજાવી ટપારતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરાયો હતો. થોરાળા પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા તપાસ યથાવત રાખી છે.

 

(3:52 PM IST)