<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિક એએસઆઇનો કાઠલો પકડી ધમકીઃ ઘાંચીવાડના અકરમ અને બીલાલની ધરપકડ

ટ્રાફિકને અડચણરૂપ કારને લોક કરવામાં આવી હતી, દંડ ન ભરતાં ટો કરવાની કાર્યવાહી થતી હતી ત્યારે કોર્પોરેટરના ભત્રીજા સહિત બે જણાએ ઉશ્કેરાઇ જઇ બખેડો કરતાં કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: શહેરના સરદારનગર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલી કારને ટ્રાફિક બ્રાંચના સ્ટાફે લોક કરતાં બાદમાં તેનું લોક ખોલાવવા કાર માલિકે ફોન કરતાં એએસઆઇ અને બે ટીઆરબી ત્યાં જતાં તેને દંડ ભરવાની ના પાડતાં કાર ટો કરવાની તજવીજ થતાં કાર ચાલક સહિતે એએસઆઇનો કાંઠલો પકડી લઇ ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવમાં ટ્રાફિક શાખાના એએસઆઇ નિર્મળસિંહ કનકસિંહ જાડેજાની ફરિયાદ પરથી કોંગી કોર્પોરેટરના ભત્રીજા  ઘાંચીવાડ શેરી નં. ૭માં શાળા નં. ૦૭ની સામે રહેતાં અકરમ રફીકભાઇ દાઉદાણી તથા તેની સાથેના ઘાંચીવાડના બીલાલ દિલાવરભાઇ ઉઠમણા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

એએસઆઇ નિર્મળસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવિવારે હું તથા ટીઆરબી કરણભાઇ બસીયા, વિનોદભાઇ સોલંકી શહેરમાં નો-પાર્કિંગમાં મુકાયેલા વાહનો ટો કરવાની કામગીરી કરવા નીકળ્યા હતાં. અમારી પાસે બોડી વોર્ન કેમેરા પણ હતાં. ટ્રાફિકને અડચણરૂપ વાહનો હોય તેના પણ કેસ કરવાની કામગીરી કરી રહ્યા હતાં. આ દરમિયાન અમે એસ્ટ્રોન ચોક સરદાર નગર મેઇન રોડ પર મેહુલ મોબાઇલની સામે પહોંચતા જીજે૦૩એલબી-૬૯૫૨ નંબરની આઇ-૨૦ કાર ટ્રાફિકને અડચણરૂપ હોય એ રીતે પાર્ક કરવામાં આવી હોઇટીઆરબી વિનોદ સોલંકીએ આ ગાડીને લોક મારી દીધુ હતું.

આસપાસમાં ગાડીના માલિક હાજર ન હોઇ તેમાં વિનોદના મોબાઇલ નંબર રાખ્યા હતાં. એ પછી અમે પેટ્રોલીંગમાં નકળી ગયા હતાં. સાંજે સાડા ચારેક વાગ્યે ટીઆરબી વિનોદ સોલંકીના મોબાઇલમાં ફોન આવ્યો હતો કે તમે એસ્ટ્રોન ચોકમાં આઇ-૨૦માં લોક મારે લ છે તે ગાડી મારી છે એબીસી મેડિકલ પાસે આવો તેમ કહેતાં અમે ત્યાં જતાં ત્યાં ગાડી માલિક તથા અન્ય એક શખ્સ ઉભા હતાં. અમે તેને નિયમ મુજબ લોક ખોલવાનો દંડ રૂ. ૬૦૦ ભરપાઇ કરવાનું કહેતાં તેણે દંડ ભરવાની ના પાડતાં અમે ગાડી ટો કરવા માટે આગળના ભાગે લઇ ગયા હતાં. એ પછી હાઇડ્રોલીક જેક કાઢતાં એક  શખ્સે હું જોઇ લઉ છુ કહી ઉશ્કેરાઇ જઇ બાદમાં બંને શખ્સે મારો કોલર પકડી લઇ તું કેમ ગાડી ટો કરે છે? કહી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી બંનેને ટીઆરબી જવાનની મદદથી પકડી એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લાવી પુછતાછ કરતાં પોતાના નામ અકરમ દાઉદાણી અને રફીક ઉઠમણા (રહે. ઘાંચીવાડ) જણાવતાં બંને સામે ફરજમાં રૂકાવટ, ધમકીનો ગુનો નોંધાવવા કાર્યવાહી કરી હતી. તેમ વધુમાં એએસઆઇ નિર્મળસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્સ. આર. જી. ચોૈહાણે ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલામાં અકરમના કાકા કોંગી કોર્પોરેટર છે. જો કે તેમણે અગાઉ જ આ ભત્રીજા સાથે કંઇ લેવાદેવા ન હોવાની જાહેર ચેતવણી પ્રસિધ્ધ કરાવી હતી.

(4:47 PM IST)