News of Tuesday, 17th September 2024
પાણીવાળા પીર દરગાહમાં બિરાજતા ગજાનન દાદા
હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એટલે ‘ધર્મેન્દ્ર રોડ કા રાજા ગણપતિ મહોત્સવ' : ૨૦૦ વર્ષ જુની આ દરગાહમાં પાણીવાળા પીરને લોબાન, દાદાને ૫૬ ભોગ ધરવામાં આવેલઃઆ દરગાહમાં પાણી ખુટતુ જ નથી, દર્શન કરવા પાણીમાંથી જવું પડે છેઃ નવરાત્રીમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના : જુઓ વિડિઓ

રાજકોટઃ ‘હ' થી હિન્દૂ ‘મ' થી મુસ્લિમ બંને અક્ષરોને ભેગા કરવામાં આવે તો થાય ‘હમ' રાજકોટના અનેક ગણપતિ મહોત્સવ થાય છે પરંતુ રાજકોટના ધર્મેન્દ્ર રોડ કા રાજાની અદભુત ખાસ વિશેષતા છે, હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે રાજકોટના ધર્મેન્દ્ર રોડ શેરી નં-૩માં આવેલ પાણીવાળા પીર દરગાહ, દરગાહમાં ૩૬૫ દિવસ લોબાન કરતા સિદ્ધાર્થભાઈએ દરગાહની બહાર ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી છે. હર રોજ બાપ્પાની આરતી સાથે થાય છે.
દરગાહમાં પાણીવાળા પીરને લોબાન, ગણપતિ મહોત્સવના છેલ્લા દિવસે ગણપતિ બાપાને વિશેષ આરતી ૫૬ ભોગ સાથે પાણીવાળા પીરને લોબાન આપવામાં આવ્યું હતું, એકજ વ્યક્તિ દ્વારા એક તરફ આરતીના દ્રશ્યો બીજી તરફ લોબાનના દ્રશ્યો જોવા મળે છે. આ દરગાહની વિશેષતા છે ૩૬૫ દિવસ આ દરગાહમાં પાણી નથી ખૂટતું, પાણી બહાર કાઢવા માટે મોટરો રાખવામાં આવે છે અને ફરીથી દરગાહમાં પાણી આવી જાય છે, આ દરગાહની અંદર દર્શન કરવા માટે તમારે પાણીમાંથી જ જવું પડે છે, અનેક વૈજ્ઞાનિકો આ દરગાહમાં આવી ગયા છે કે પાણી ક્યાંથી આવે છે પણ આજ દિન સુધી દરગાહમાં પાણી ક્યાંથી આવે છે તે કોઈને ખબર નથી ત્યારે પાણીવાળાપીર દરગાહ પર હિન્દૂ મુસ્લિમની એકતાના અદભુત દ્રશ્યો અહીંયા જોવા મળે છે.
પાણીવાળા પીરની દરગાહ ૨૦૦ વર્ષ જૂની છે અને દરગાહની બહાર છેલ્લા ૧૫ વર્ષથી ગણપતિ બાપ્પાની ભવ્ય આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, નવરાત્રી દરમિયાન ૧૪ વર્ષથી નાની બાળાઓ માતાજીની આરાધના એટલેકે ગરબીનું આયોજન કરવામાં આવે છે, ધર્મેન્દ્ર રોડના વેપારીઓ અને એસોસિયેશનનો સહયોગ પણ મળે છે, રામ અને રહીમ એકજ છે તે ચરીતાર્થ કરતા દ્રશ્યો અહીંયા જોવા મળે છે.વધારે વિગતો માટે સિદ્ધાર્થ મોદીનો સંપર્ક કરી શકાય છે.(+૯૧ ૯૯૭૪૩ ૯૩૦૯૩) (૨૨.૯)
(રિપોર્ટઃ નિલેશ શીશાંગીયા)
(10:03 AM IST)










