News of Thursday, 19th September 2024
કોઠારીયા રાધેશ્યામ સોસાયટીમાં ૩૪ વર્ષિય નયનાબેન મોલીયાને ડેંગ્યુ ભરખી ગયો
પાંચેક દિવસથી તાવ હતોઃ રાતે બેભાન થઇ ગયા બાદ સિવિલમાં મૃત્યુ થયું

રાજકોટ તા. ૧૯: રોગચાળો ભરડો લઇ રહ્યો છે એ દરમિયાન ડેંગ્યુથી એક મહિલાનું મૃત્યુ થયું છે. કોઠારીયાના શિવભવાની ચોક રાધેશ્યામ સોસાયટી-૧માં રહેતાં નયનાબેન આશિષભાઇ મોલીયા (ઉ.વ.૩૫) રાતે એકાદ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર નયનાબેનને સંતાનમાં દસ વર્ષનો પુત્ર છે. પતિ આશિષભાઇ દુકાનમાં કામ કરે છે. પરિવારજનોના કહેવા મુજબ પાંચેક દિવસથી નયનાબેનને તાવ આવતો હોઇ એમડીને બતાવ્યું હતું અને દવા ચાલુ હતી. તેમનો ડેંગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગઇકાલે તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઇ જતી વખતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ સહિતે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રોગચાળાએ માથુ ઉંચક્યું છે ત્યારે આરોગ્ય તંત્ર જાગૃત થાય તે જરૂરી છે.
(2:32 PM IST)










