News of Thursday, 19th September 2024
સત્ય સાઇ રોડ પર એક્ટીવામાં ૭૦ હજારનો દારૂ રાખી નીકળેલો નિતીન નંદા પકડાયો
એમપીથી છુટક બોટલો લાવી રાજકોટમાં વેંચતો હોવાનું રટણ : ડીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ગરચરની ટીમની કાર્યવાહીઃ અનિલભાઇ સોનારા, હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૯: દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર શહેર પોલીસ, પીસીબી અને ક્રાઇમ બ્રાંચ ધોંસ બોલાવી રહી છે. સત્ય સાઇ રોડ પર શિવમ નગર સોસાયટી આંગન એપાર્ટમેન્ટસામે એક્ટીવા દારૂ ભરેલા થેલા સાથે ક્રાઇમ બ્રાંચે નિતીન મહેશભાઇ નંદા (ઉ.વ.૨૯-રહે. વૈદિક વિહાર સોસાયટી મેઇન રોડ, સેટેલાઇટ ચોક)ને પકડી લીધો છે. આ શખ્સ મધ્યપ્રદેશ ઇન્દોર બસ કે બીજા વાહનો મારફત જઇ ત્યાંથી છુટક બે ત્રણ પેટી જેવો માલ રાજકોટ લાવી છુટક છુટક બંધાણીઓને વેંચતો હોવાનું તેણે રટણ કર્યુ હોઇ વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમી પરથી નિતીન નંદાને એક્ટીવા સાથે આંતરી થેલાની તલાસી લેતાં અંદરથી બેક બેન્ચર, એબ્સોલ્યુટ વોડકા, સ્મીર્નઓફ વોડકા, રેડલેબલ, જેમસન, અમેરિકન પ્રાઇડ સહિતની બ્રાન્ડનો ૭૦ હજારનો વિદેશી દારૂ મળતાં તે તથા ૩૦ હજારનું એક્ટીવા જીજે૦૩એફએમ-૯૯૯૫ મળી કુલ ૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ધર્મરાજસિંહ, હરપાલસિંહ, જીલુભાઇ ગરચર, ઉમેશભાઇ ચાવડા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે.
(2:37 PM IST)










