News of Thursday, 19th September 2024
કુવાડવાના સાયપર ગામની પ્રાથમિક શાળામાં સેનેટાઇઝરને લીધે ભડકોઃ છાત્ર આદર્શ અને શિક્ષક દિલીપભાઇ દાઝ્યા
શિક્ષકે પાણીની પ્લાસ્ટીકની લાઇન લિકેજ થઇ હોઇ તેને સાંધવા માટે ગરમ કરવા લાકડામાં કપડુ બાંધી સેનેટાઇઝર છાંટી કાંડી ચાંપતા ભડકો થયોઃ સાતમા ધોરણનો છાત્ર બાજુમાં ઉભો હોઇ તે પણ ઝપટમાં આવી ગયો

રાજકોટ તા. ૧૯: કુવાડવા તાબેના સાયપર ગામની પ્રાથમિક શાળામાં પ્લાસ્ટીકની પાણીની લાઇન ગરમ કરીને સાંધવાની હોઇ શિક્ષકે લાકડામાં કપડુ બાંધી સળગાવવા સેનેટાઇઝર છાંટી દિવાસળી મુકતાં જ ભડકો થતાં બાજુમાં ઉભેલો ધોરણ-૭નો છાત્ર આગની લપેટમાં આવી જતાં હાથ, મોઢા, છાતી સહિતના ભાગોમાં દાઝી જતાં અને શિક્ષક પણ બંને હાથે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ સાયપર ગામે રહેતો આદર્શ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૧૩) સવારે ગામમાં આવેલી સાયપર પ્રાથમિક શાળામાં હતો ત્યારે દાઝી જતાં અને આ શાળાના શિક્ષક રાજકોટ મોરબી રોડ રામાણી પાર્કમાં રહેતાં દિલીપભાઇ મગનભાઇ પંચાલ (ઉ.વ.૫૪) પણ દાઝી જતાં બંનેને રાજકોટ ખસેડાતાં આદર્શને સારવાર માટે દાખલ કરાયો હતો અને શિક્ષક દિલીપભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ સહિતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને નોંધ કરાવી હતી.
શિક્ષક દિલીપભાઇએ કહ્યું હતું કે અમારે શાળામાં પાણી વિતરણ માટેની શીંગડા લાઇન કે જે પ્લાસ્ટીકની છે તે લિક થઇ ગઇ હતી. તેને ગરમ કરીને સાંધવા માટે હું ઉભો હતો. આ વખતે મેં લાકડામાં કપડુ બાંધ્યું હતું અને તાપ કરવા માટે તેમાં સેનેટાઇઝર છાંટયું હતું. આ વખતે બાજુમાં જ ધોરણ-૭નો વિદ્યાર્થી આદર્શ પરમાર ઉભો હોઇ તેને દુર જવાનું કહ્યું હતું. એ પછી મેં દિવાસળી ચાંપી હતી, તે સાથે જ મોટો ભડકો થતાં છાત્ર આદર્શ દૂર ગયો ન હોઇ તે લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો અને હું પણ બંને હાથે દાઝી ગયો હતો.
આદર્શ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને તેના પિતા કિશોરભાઇ પરમાર કડીયા કામની મજૂરી કરે છે. આદર્શે જણાવ્યું હતું કે અમારા સાહેબ દિલીપભાઇ પાણીની લાઇન સાંધતા હતાં ત્યારે હું બાજુમાં જ ઉભો હતો. તેણે મને દુર જવાનું કહ્યું હતું પણ હું ત્યાં જ હતો. એ વખતે તેણે ડબલામાંથી સેનેટાઇઝર નાખી દિવાસળી મુકતાં જ ભડકો થયો હતો અને હું દાઝી ગયો હતો. કુવાડવા પોલીસે છાત્ર અને શિક્ષકના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. બનાવને પગલે હોસ્પિટલે છાત્રના વાલીઓ, ગ્રામજનો પણ દોડી આવ્યા હતાં.
(2:55 PM IST)










