News of Thursday, 19th September 2024
માધાપર ટી.પી. ૧૧ કોર્પોરેશનને પરત મોકલતી સરકારઃ સુધારા-વધારાનો આદેશ
પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફીસર સાગઠીયાના કાર્યકાળમાં મોકલવામાં આવી હતી સ્કીમઃ બે સર્વે નંબરો ઉમેરવા સુચના

રાજકોટ, તા. ૧૯ : શહેરનો વ્યાપ અને વસ્તી વધતા પેન્ડીંગ તથા નવી ટીપી સ્કીમો તૈયાર કરવાની સૂચના સરકારે આપતા મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષથી નવી ટીપી સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક ડ્રાફ્ટ સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવ્યા છે. સરકારે ડ્રાફ્ટ પરત મોકલી આ ટીપી સ્કીમમાં સર્વે નં. ૫૧૧ અને ૫૧૨નો ઉમેરો કરવાની તેમજ સુધારા-વધારા કરવાની સૂચના આપતા અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
આ ટી.પી. સ્કીમ ફાઇનલ કરી સરકારને પૂર્વટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના કાર્યકાળમાં મંજુરી અર્થે મોકલવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં બે વર્ષ પહેલા છેવાડાના પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી માધાપર ગ્રામ પંચાયતનો મનપાની હદમાં સમાવેશ થતાં આ વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવેલ તે પહેલા આ વિસ્તાર રૂડામાં આવતો હોય ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જ મનપાની હદમાં આ વિસ્તાર આવી જતાં ડ્રાફ્ટ તૈયાર ૪૦ ટકાકપાતમાં મુકવામાં આવતા મુખ્ય રસ્તાની સાથો સાથ નિયમ વિરુદ્ધના નાના રસ્તાઓનો પણ કપાતમાં સમાવેશ કરી બિલ્ડરો તેમજ પ્લોટ ધારકોને સિધ્ધો લાભ આપવામાં આવ્યો હોય તેવું જણાતા સરકારે આ ડ્રાફ્ટ મહાનગરપાલિકાને પરત મોકલી જરૂરી સુધારા-વધારા સાથે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા હવે આ ટી.પી. સ્કીમમાં સુધારા કરીને પરત મોકલાશે અને રાજકોટના ઉકત બંને સર્વે નંબરને આવરી લઈ નવેસરથી કાર્યવાહી હાથ ધરાશે. તેમ સતાવાર સુત્રોમાંથી જણાવ્યું હતું.
(4:13 PM IST)










