તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
સૌ પ્રથમ વખત બિલ્ડરોએ FSIના હપ્તા ૧ વર્ષમાં ભરવા પડશે
બોર્ડમાં ઐતિહાસિક દરખાસ્તને લીલીઝંડી : બેઝ એફએસઆઇ ઉપર વધારાની એફએસઆઇના ચાર્જના હપ્તા અને વ્યાજ લેવાશે : તંત્રની આવક વધશે

રાજકોટ તા. ૨૦ : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાની ટીપી શાખાના સેટઅપમાં, કર્મચારીઓ-અધિકારીઓની સામુહિક બદલી સહિતના નિર્ણયો લેવાયા બાદ હવે કોર્પો.ની હદમાં નવા બાંધકામોને મંજૂરી માટે વસુલવામાં આવતી બેઝ એફએસઆઇ ઉપર વધારાની એફએસઆઇના ચાર્જના હપ્તા વસુલવા અને વ્યાજ વસુલવાની નીતિ સૌપ્રથમ વખત આવી રહી છે. અન્ય મહાનગરોની જેમ વ્યાજ વસુલવામાં આવતું ન હતું. જે પ્રથમ વખત નિયમમાં સામેલ કરવામાં આવ્યું છે. આજે મળેલા જનરલ બોર્ડમાં નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી એસ.એસ.આઇ. સહિતના નિયમોની દરખાસ્ત સર્વાનુમતે મંજુર થતા કાલથી જ અમલ શરૂ થશે.
તાજેતરમાં મ્યુનિ. કમિશ્ર્નર દેવાંગ દેસાઇ અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકર વચ્ચે આ નીતિવિષયક બાબત અંગે ચર્ચા થઇ હતી. અમદાવાદ અને સુરત કોર્પોરેશન પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. જેના પરથી રાજકોટમાં પણ નિયમ અમલી બનાવવા કમિશનરે સ્ટે. કમીટીમાં દરખાસ્ત મોકલી છે.
ચાલુ મહિનાની સ્ટે.કમીટીની મીટીંગ અટલ સરોવર ખાતે બોલાવવામાં આવનાર છે. અગાઉ રામવન ખાતે પણ સ્થાયી સમિતિની મીટીંગ મળી હતી. બેઝ એફએસઆઇ ઉપર વધારાના બાંધકામ માટે વધારાની એફએસઆઇ નિયમ મુજબ કોર્પો. પાસેથી ડેવલપર ખરીદી શકે છે અને તેના વિસ્તારવાઇઝ જંત્રીદરના આધારે ચાર્જ નકકી થયેલા છે. આ વધારાની એફએસઆઇની રકમ અને ટીપી સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસુલવા પ્રથમ વખત નીતિ બનશે. કોર્પો.ના ત્રણેય ઝોનની ટીપી એન્ડ ડેવલપમેન્ટ શાખા, મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે. મર્કેન્ટાઇલ, એજયુકેશનલ, એસેમ્બલી, ઇન્સ્ટીટયુશનલ, હોસ્પિટાલીટી, ઔદ્યોગિક, ધાર્મિક, ટ્રાન્સપોર્ટ, પબ્લીક યુટીલીટી, ટુરીઝમ, હેલ્થ, ડેવેલીંગ યુનિટ જેવા બાંધકામોનો સમાવેશ થાય છે.
આ બાંધકામોને મંજૂરી આપવા જીડીસીઆર મુજબ એફએસઆઇના ધોરણો નકકી કરવામાં આવ્યા છે. અલગ અલગ કેટેગરીમાં બેઝ એફએસઆઇ ૦.૧૫થી ૨.૨૫ રહેલી છે. તે બાદ ચાર્જેબલ એફએસઆઇ ૦.૩૦થી ૦.૯૦ છે. મહતમ પરમીસેબલ એફએસઆઇ ૦.૧૫થી ૪.૦૦ સુધી રહેલી છે. તેના પર નિયત ચાર્જ વસુલવામાં આવે છે. અમુક કિસ્સામાં આવી રકમ ખુબ જ મોટી હોવાથી જમીન માલિકો દ્વારા હપ્તા કરી આપવા રજુઆતો કરવામાં આવે છે. પરંતુ હાલ કોઇ નીતિ નથી. આથી સુરત, અમદાવાદ, રૂડામાં અલગ અલગ નીતિ અપનાવવામાં આવી છે. ત્યાંથી વિગતો મંગાવવામાં આવી હતી.હવે દરખાસ્ત મુજબ રપ લાખ સુધીની રકમમાં કોઇ હપ્તો કરી આપવામાં નહીં આવે, હવે બોર્ડમાં મંજુરી મળતા જ ભરપાઇ કરવા પાત્ર રકમના રપ ટકા કર્યા બાદ જ બાકીની ૭૫ ટકા રકમના મહત્તમ એક વર્ષમાં વધુમાં વધુ ચાર હપ્તા કરી અપાશે. વધુ મુદ્દત માટે ના.કમિશનર તથા કમિશનરની મંજૂરી જોઇશે અને બે વર્ષથી વધુ મુદ્દત નહીં મળે. આ ઉપરાંત બેંક નિયમો મુજબ મીનીમમ ૬.પ ટકા અને બે ટકા વહીવટી ચાર્જ મળી ૮.૫૦ ટકા વ્યાજ પણ બિલ્ડરે ભરવાનું થશે. ચેક બાઉન્સ થાય તો ૧૮ ટકા પેનલ્ટી લાગશે અને ડેવલપરે ડયુ ડેટના ચેક એડવાન્સમાં જમા કરાવવાના રહેશે. તમામ હપ્તા આવ્યા બાદ જ બીયુપી આપી શકાશે. આ દરખાસ્ત મંજૂર થાય એટલે જનરલ બોર્ડમાં મોકલાશે અને કમિશ્ર્નરને નવી નીતિના અમલ માટે અધિકૃત કરવામાં આવશે. આ રીતે પ્રથમ વખત એફએસઆઇમાં નવા નિયમ આવતા આટલા વર્ષો સુધી બિલ્ડરોને અપાતી ખાસ સગવડતાનો અંત આવશે. આ નિયમ આવતીકાલથી જ લાગુ થઇ જશે. તેમ મનપાના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.
(2:48 PM IST)










